India

તેલંગાણાની કોંગ્રેસ સરકારને ઝટકો, સુપ્રીમ કોર્ટે 50%થી વધુ અનામત મર્યાદાને મંજૂરી ન આપી

By GS TEAM
16 Oct 20252 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે તેલંગાણા સરકારને મોટો ઝટકો આપતા રાજ્યમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધુ વધારવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ નિર્ણયથી મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની સરકારને નીતિગત મોરચે ઝટકો લાગ્યો છે. રાજ્ય સરકારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં પછાત વર્ગો (OBC) માટે 42 ટકા અનામત નક્કી કરવાના પોતાના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યાં બાદ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

તેલંગાણાની કોંગ્રેસ સરકારને ઝટકો, સુપ્રીમ કોર્ટે 50%થી વધુ અનામત મર્યાદાને મંજૂરી ન આપી

Supreme Court News: સુપ્રીમ કોર્ટે તેલંગાણા સરકારને મોટો ઝટકો આપતા રાજ્યમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધુ વધારવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ નિર્ણયથી મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની સરકારને નીતિગત મોરચે ઝટકો લાગ્યો છે. રાજ્ય સરકારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં પછાત વર્ગો (OBC) માટે 42 ટકા અનામત નક્કી કરવાના પોતાના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યાં બાદ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે 50 ટકાની મર્યાદાને સમર્થન આપ્યું

ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની બેન્ચે રાજ્ય સરકારની અરજીને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું કે, 'જાતિ આધારિત અનામત માટેની 50 ટકાની મર્યાદા નિશ્ચિત છે અને તેનું ઉલ્લંઘન કરી શકાશે નહીં.' સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અનામત વધારવા પર હાઈકોર્ટ દ્વારા લાદવામાં આવેલ વચગાળાનો સ્ટે આગામી આદેશ સુધી યથાવત્ રહેશે.

સરકારની દલીલ અને વિરોધનું કારણ

તેલંગાણા સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે 42 ટકા OBC અનામત આપવાનો નિર્ણય એક નીતિગત પગલું છે, જેનો હેતુ સ્થાનિક સંસ્થાઓમાં રાજ્યના પછાત વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનો છે. જો કે, આ વધારા સાથે રાજ્યમાં કુલ ક્વોટા (SC, ST અને OBC સહિત) 67 ટકા સુધી પહોંચતો હતો.

અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે આ નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલી 50 ટકાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે, જેના કારણે તેને રોકવો જોઈએ. હાઈકોર્ટે પણ આ દલીલને માન્ય રાખીને અનામત વધારવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો.

આ પણ વાંચો: 'મારો શું વાંક હતો...' બિહાર ચૂંટણીમાં ભાજપે પત્તુ કાપી નાખતાં રડી પડી મહિલા ધારાસભ્ય

હવે હાઈકોર્ટની સુનાવણી પર નજર

સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ હવે આ મામલે હાઈકોર્ટની સુનાવણી પર સૌની નજર રહેશે. નવમી ઓક્ટોબરના રોજ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને પોતાનો વિગતવાર જવાબ રજૂ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો. રાજ્ય સરકારનો પ્રતિભાવ અને આ મામલે કોર્ટનું અંતિમ વલણ શું રહે છે, તે જોવાનું રહેશે.

હાલમાં, સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પર તેલંગાણા સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. જો કે, આ નિર્ણયથી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીને લઈને ચાલી રહેલી રાજકીય અને કાનૂની અનિશ્ચિતતા યથાવત્ રહી છે.