Get The App

સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી ફગાવી

Updated: May 21st, 2025

GS TEAM


Google News
Google News
સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ  FIR નોંધવાની માગ કરતી અરજી ફગાવી 1 - image


Justice Yashwant Verma Cash Case: સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, અરજદારોએ અરજી દાખલ કરતાં પહેલાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સામે આ સંદર્ભે કોઈ પણ પ્રકારનું આવેદન આપ્યું નથી. જેને ધ્યાનમાં લેતાં આ અરજી પર કોઈ સુનાવણી કરી શકાય નહીં.

જસ્ટિસ અભય એસ. ઓકા અને ઉજ્જલ ભુઈયાની બેન્ચે જણાવ્યું હતું કે, અરજદારોએ અરજી કરતાં પહેલાં આ મામલો યોગ્ય ઓથોરીટી સમક્ષ ઉઠાવવો જોઈએ. ત્યારબાદ કોર્ટના દ્વાર ખટખટાવવા જોઈએ. આ મામલે ઈન-હાઉસ તપાસ રિપોર્ટ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મોકલી દેવામાં આવ્યો છે.

અરજદારે કરી અપીલ

અરજદાર વકીલ નેદુમપારાએ કોર્ટને જણાવ્યું કે, મોટાપ્રમાણમાં બેનામી રોકડ મળી આવવી એ ભારતીય ન્યાય સંહિતા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ એક ગંભીર ગુનો છે. પોલીસે આ મામલે આરોપી વિરૂદ્ધ એફઆઈઆર નોંધવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, નેદુમપારાએ અગાઉ પણ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ તે સમયે પણ કોર્ટે આ કેસ તપાસ સમિતિ સમક્ષ પેન્ડિંગ હોવાથી અરજી ફગાવી દીધી હતી. હવે તપાસ સમિતિએ પોતાનો રિપોર્ટ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને સોંપી દીધા બાદ નેદુમપારા ફરી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતાં.

આ પણ વાંચોઃ 'વક્ફ ઇસ્લામનો જરૂરી હિસ્સો નથી, માત્ર દાન છે', કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં મજબૂત દલીલ

તપાસ સમિતિએ જસ્ટિસને દોષિત ઠેરવ્યા

ઈનહાઉસ તપાસ સમિતિએ જસ્ટિસ વર્માને દોષિત ઠેરવ્યા હતાં. ત્યારબાદ પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્નાએ તેમને રાજીનામું આપવા કહ્યું હતું. પરંતુ જસ્ટિસ વર્માએ રાજીનામું આપવાનો ઈનકાર કર્યો હતો. જસ્ટિસ વર્માને દિલ્હીથી અલ્લાહબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં. અને આ મામલે રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનને પત્ર પણ લખ્યો હતો.

14 માર્ચે મળી આવી હતી રોકડ

જસ્ટિસ યશવંત વર્માના ઘરે 14 માર્ચના રોજ અચાનક આગ લાગતાં ફાયરબ્રિગેડ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. તે સમયે સરકારી આવાસના સ્ટોરરૂમમાં આગ લાગ્યા બાદ મોટાપ્રમાણમાં રોકડ મળી વી હતી. જસ્ટિસ વર્માએ આ રોકડ પોતાની ન હોવાનું કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ મામલે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી.


Tags :