'એક જ ઓવરમાં 3 વિકેટ, હવે તો કુલદીપ આગામી મેચ નહીં રમે...' ગંભીર પર કોણે કર્યો કટાક્ષ?
Asia Cup 2025: એશિયા કપ 2025ના પહેલી મેચમાં ભારતે સંયુક્ત આરબ અમીરાત (UAE)ને એકતરફી રીતે હરાવ્યું. ભારતીય ટીમના ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવે આ જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેણે 2.1 ઓવરમાં સાત રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. મેચ પછી પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે કુલદીપના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી, પરંતુ તેમણે ભારતીય ટીમના વલણ પર સવાલ ઊઠાવ્યા અને પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ પર કટાક્ષ કરતા કહ્યું કે, 'હવે કુલદીપ આટલી સારી મેચ પછી આગામી મેચ નહીં રમે.
સંજય માંજરેકરે શું કહ્યું...
ગૌતમ ગંભીર પર કટાક્ષ કરતા પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે કહ્યું, 'હવે જ્યારે કુલદીપ યાદવે એક ઓવરમાં ત્રણ વિકેટ લીધી છે, ત્યારે તે આગામી મેચ રમશે નહીં, કારણ કે ભારત તેની સાથે આ રીતે વર્તે છે. જ્યારે તે સારું રમે છે, ત્યારે તેને છોડી દેવામાં આવે છે. હવે જ્યારે તેણે ચાર વિકેટ લીધી છે, ત્યારે તે આગામી મેચ રમી શકે તેવી કોઈ શક્યતા નથી.'
કુલદીપ યાદવ અંગે સંજય માંજરેકરે કહ્યું, 'તેણે કહ્યું, 'હું મજાક કરી રહ્યો છું, પણ આ કુલદીપ યાદવનું કરિયર રહ્યું છે. સમયાંતરે બહાર થવા છતાં, તે કોઈને કોઈ જાદુ બતાવતો રહે છે. તેના આંકડા જુઓ, પછી ભલે તે ટેસ્ટ હોય, ODI હોય કે T20 આંતરરાષ્ટ્રીય, તે અદ્ભુત છે. પરંતુ તેમ છતાં તે ભારતીય ટીમના ડિસ્પેન્સબલ ખેલાડીઓમાં સામેલ છે, એટલે કે, એવા ખેલાડીઓ જેમને સરળતાથી છોડી શકાય છે. આ તેનું ભાગ્ય છે.'
UAE સામેની મેચમાં કુલદીપનો જાદુ કામ કરી ગયો
બુધવારે (10મી સપ્ટેમ્બર) UAE સામેની મેચમાં કુલદીપ યાદવનો જાદુ કામ કરી ગયો કે વિરોધી ટીમ એશિયા કપ T20ના ઈતિહાસમાં બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. તેણે 2.1 ઓવરમાં માત્ર 7 રન આપીને 4 વિકેટ લીધી. એશિયા કપ T20ના ઈતિહાસમાં કોઈપણ બોલર દ્વારા આ બીજું શ્રેષ્ઠ પ્રદર્શન છે. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.