જજ બેલા ત્રિવેદીને નિવૃત્તિ પર ફેરવેલ ન અપાઈ, CJI ગવઈએ કહ્યું- ‘તેઓ સન્માનજનક વિદાયને પાત્ર’
Supreme Court Justice Bela Trivedi Retirement : સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ બેલા ત્રિવેદીની નિવૃત્તિ પર બાર કાઉન્સિલ દ્વારા કોઈ ઔપચારિક વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું ન નથી, જેના કારણે મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈ (CJI BR Gavai) અને ન્યાયાધીશ એ.જી.મસીહ નારાજ થયા છે. ન્યાયાધીશોએ આ મામલે વાંધો ઉઠાવીને કહ્યું કે, આવું કોઈ આયોજન ન કરવું, તે દુર્ભાગ્યપૂર્ણ છે.
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા લેવામાં આવેલું વલણ યોગ્ય નથી : CJI
નિવૃત્તિ વખતે એક ઔપચારિક બેન્ચ પણ બેઠી હતી. બેન્ચ સામે કપિલ સિબ્બલ અને રચના શ્રીવાસ્તવ હાજર હતા. કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ છે અને રચના શ્રીવાસ્તવ ઉપપ્રમુખ છે. બેન્ચનો ભાગ રહેલા મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, ‘હું કપિલ સિબ્બલ અને રચના શ્રીવાસ્તવની અહીં હાજરીની પ્રશંસા કરું છું. પરંતુ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા લેવામાં આવેલું વલણ યોગ્ય નથી. હું ખુલીને વાત કરનારો વ્યક્તિ છું, તેથી હું સ્પષ્ટપણે કહી રહ્યો છું કે આ ખોટું છે. બેન્ચ સમક્ષ સંપૂર્ણ સભ્યોની હાજરી કહી રહી છે કે, જસ્ટિસ બેલા ત્રિવેદી એક શાનદાર ન્યાયાધીશ રહ્યા છે.’
મુખ્ય ન્યાયાધીશ ગવઈએ કહ્યું કે, ‘ન્યાયાધીશો જુદા જુદા પ્રકારના હોય છે, પરંતુ ન્યાયાધીશ તરીકેની તેમની કારકિર્દી દરમિયાન ન્યાયાધીશ ત્રિવેદીએ સ્પષ્ટતા સાથે વાત કરી. તેમણે કોઈપણ ભય વગર નિર્ણયો સંભળાવ્યા અને ખૂબ મહેનત કરી.’
પરંપરાઓનું પાલન અને આદર કરવો જોઈએ : ન્યાયાધીશ મસીહ
ન્યાયાધીશ મસીહે કહ્યું કે, ‘એસોસિએશને ન્યાયાધીશ ત્રિવેદીને વિદાય આપવી જોઈતી હતી. ગજબની વાત છે અને આ મુદ્દે CJI પહેલા જ કહી ચુક્યા છે. માફ કરશો, મારે આ કહેવું જોઈતું ન હતું, પણ પરંપરાઓનું પાલન અને આદર કરવો જોઈએ. મને વિશ્વાસ છે કે, હંમેશા સારી પરંપરાઓ ચાલુ રાખવી જોઈએ. હું બહેનને (ન્યાયાધીશ ત્રિવેદી) જીવનમાં સફળતાની શુભકામના પાઠવું છું.’
આ પણ વાંચો : મમતા સરકારને ઝટકો, બંગાળમાં સરકારી કર્મચારીઓને 25% DA આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ
ન્યાયાધીશ ત્રિવેદી વિશે કેટલીક ખાસ વાતો
ન્યાયાધીશ ત્રિવેદી સુપ્રીમ કોર્ટના ઘણા ઐતિહાસિક નિર્ણયોનો ભાગ હતા. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર જસ્ટિસ ત્રિવેદીના પરિચયમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ એક સુખદ સંયોગ છે કે, જ્યારે જસ્ટિસ ત્રિવેદીની નિમણૂક થઈ હતી, ત્યારે તેમના પિતા પહેલાથી જ શહેરની સિવિલ અને સેશન્સ કોર્ટમાં જજ હતા.’ લિમ્કા બુક ઓફ ઈન્ડિયન રેકોર્ડ્સના 1996ના સંસ્કરણમાં પિતા અને પુત્રી એક જ કોર્ટમાં ન્યાયાધીશ હોવાનો ઉલ્લેખ કરાયો છે.
ન્યાયાદીશ ત્રિવેદીએ અમદાવાદ ખાતે સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં પણ પદભાર સંભાળ્યો
ન્યાયાધીશ બેલા ત્રિવેદીનો 10 જૂન-1960ના રોજ ઉત્તર ગુજરાતના પાટણ ખાતે જન્મ થયો છે. તેમના પિતાની ટ્રાન્સફરેબલ જ્યુડિશિયલ સર્વિસ હોવાથી તેમણે વિવિધ સ્થળોએ શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. તેમણે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી બીકોમ - એલએલબી કર્યું છે. ગુજરાત હાઇકોર્ટમાં લગભગ 10 વર્ષ સુધી સિવિલ અને બંધારણીય પક્ષે વકીલ તરીકે પ્રેક્ટિસ કરી છે. 10 જુલાઈ 1995ના રોજ અમદાવાદ ખાતે સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના ન્યાયાધીશ તરીકે સીધી નિમણૂક કરવામાં આવી હતી.
2011માં ગુજરાત હાઈકોર્ટમાં, 2021માં સુપ્રીમ કોર્ટમાં નિમણૂક થઈ
હાઇકોર્ટમાં રજિસ્ટ્રાર - વિજિલન્સ, ગુજરાત સરકારમાં કાયદા સચિવ, સીબીઆઈ કોર્ટના જજ, સ્પેશિયલ જજ - સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસ વગેરે જેવા વિવિધ પદો પર કામ કર્યું. ન્યાયાધીશ બેલા ત્રિવેદની 17 ફેબ્રુઆરી-2011 ના રોજ ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થઈ હતી. ત્યારબાદ રાજસ્થાન હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી, જ્યાં તેઓ જૂન 2011થી જયપુર બેન્ચમાં કામ કરતા હતા. પછી તેમણે ફેબ્રુઆરી-2016માં ગુજરાત સ્થિત પેરેન્ટ હાઈકોર્ટમાં પરત મોકલવામાં આવ્યા હતા. પછી તેમને 31 ઓગસ્ટ-2021ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી ન હતી.