‘આટલી જ ચિંતા હોય તો પોતે કેમ કશું નથી કરતાં?’, રોહિંગ્યાઓને શરણ આપવાની માગ પર સુપ્રીમ કોર્ટની ફટકાર
Supreme Court On Rohingya Refugees : દેશમાંથી રોહિંગ્યા શરણાર્થીઓને બળજબરીથી ન નીકાળવાની અરજી મામલે સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરીને મહત્ત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે અરજદારોને કહ્યું છે કે, જ્યારે દેશ આટલા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હોય છે, ત્યારે તમે આવા કાલ્પનિક વિચારો લઈને આવો છો. આ સાથે કોર્ટે શરણાર્થીઓનો બળજબરીથી દેશનિકાલ અટકાવવા પર વચગાળાનો સ્ટે લગાવવાનો ઇન્કાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે અરજદારની ઝાટકણી કાઢી
આ કેસની સુનાવણી કરનાર ન્યાયાધીશ સૂર્યકાંતે અરજદારને કહ્યું કે, તમે દરરોજ એક નવી વાત લઈને આવો છો. દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને તમે કાલ્પનિક વાતો લઈને કોર્ટમાં આવી જાવ છો. કોર્ટે તમને એકવાર રાહત આપી તો તમે વારંવાર નવી વાતો લઈને કોર્ટમાં આવી જાવ છો. જો તમને આટલી જ ચિંતા હોય તો તમે પોતે ગરીબો માટે કેમ કંઈ કરતા નથી?
આગામી સુનાવણીમાં વકીલને પુરાવા સાથે આવવા આદેશ
સુપ્રીમ કોર્ટે આજે જે અરજી પર સુનાવણી હાથ ધરી, તેની સાથે કોર્ટના ત્રણ ન્યાયાધીશોની બેંચ સમક્ષ અન્ય પેન્ડિંગ અરજી પણ જોડી છે. હવે આ માલમે 31 જુલાઈએ સુનાવણી હાથ ધરાશે. આ સાથે કોર્ટે વકીલને રજૂ કરાયેલા દાવા સાથે પુરાવા પણ રજુ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે ડિપોર્ટ પર વચગાળાની સુરક્ષા આપવાનો ઇન્કાર કરી દીધો છે.
સરકાર પર બળજબરીથી દેશનિકાલ કરવાનો અરજીમાં આક્ષેપ
અરજીમાં ભારત સરકાર પર બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને ગંભીર આરોગ્ય પીડિતો સહિત 43 રોહિંગ્યા શરણાર્થીને બળજબરીથી મ્યાનમાર મોકલવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના પર સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, દેશમાં પુરાવાનો એક જાણીતો કાયદો છે.
આ પણ વાંચો : મમતા સરકારને ઝટકો, બંગાળમાં સરકારી કર્મચારીઓને 25% DA આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ
વકીલે કોર્ટ પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો
કોર્ટે અરજદારના વકીલને કહ્યું કે, તમારી પાસેથી આવી માહિતી ક્યાંથી આવી અને તમને કોણે કહ્યું કે, આ બાબતે મને વ્યક્તિગત માહિતી છે. વકીલે કોર્ટ પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો છે. વકીલે અરજીમાં એવું કહ્યું છે કે, 38 લોકોનો દેશનિકાલ કરવામાં આવ્યો અને તેઓને અંદામાન લઈ જવાયા અને દરિયામાં ફેંકી દેવાયા. તેઓ હવે યુદ્ધ ક્ષેત્રમાં છે.
કોર્ટે વકીલને ઝાટક્યા, કહ્યું પુરાવા લઈને કોર્ટમાં આવો
વકીલની દલીલ પર કોર્ટે કહ્યું કે, ‘જે વ્યક્તિઓ સાથે આ ઘટના બની છે, તેઓને કોને જોયા ? કોણે વીડિયો રૅકોર્ડ કર્યો? અરજદાર કેવી રીતે પરત આવી શક્યો ? તેણે કહ્યું કે, તે ત્યાં હતો.’ કોર્ટે કહ્યું કે, કોર્ટમાં આવ્યા પહેલા પુરાવા એકત્ર કરીને લાવો. અમે બહાર બેસી રહેલા લોકોને અમારી સંપ્રભુતા પર આદેશ આપવા નહીં દઈએ.
આ પણ વાંચો : કાશ્મીરમાં બે મોટા ઓપરેશનમાં 6 આતંકવાદી ઠાર: ભારતીય સેનાનું સત્તાવાર નિવેદન