આવા લક્ષણો દેખાય તો તમને પણ હોઈ શકે છે 'નો મોબાઈલ ફોન ફોબિયા'! સૌરાષ્ટ્ર યુનિ.એ તૈયાર કર્યો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ

Nomophobia Test: મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ યુવાનોમાં માનસિક સમસ્યાઓ સર્જી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક વિભાગે એક મહત્ત્વની પહેલ કરી છે. યુનિવર્સિટીના રિસર્ચ સ્કોલર્સે નો મોબાઈલ ફોન ફોબિયા એટલે કે 'નોમોફોબિયા' (Nomophobia) નામનો એક મનોવૈજ્ઞાનિક ટેસ્ટ તૈયાર કર્યો છે, જે વ્યક્તિ આ ફોબિયાથી પીડિત છે કે નહીં તે સચોટ રીતે જણાવી શકશે.
'નોમોફોબિયા'ના લક્ષણો શું છે?
જો કોઈ વ્યક્તિના ફોનની બેટરી ઓછી થઈ જાય, નેટવર્ક નબળું પડી જાય અથવા તેનો ફોન છીનવાઈ જાય ત્યારે તે બેચેન થઈ જાય, તો આ નોમોફોબિયાના લક્ષણો હોઈ શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલો આ ટેસ્ટ આ લક્ષણોને સરળતાથી શોધી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સેલ્સમેનની નજર ચૂકવી મહિલાએ કરી વીંટીની ચોરી, સીસીટીવી કેમેરામાં કેદ થઇ ઘટના
ભારત સરકારે કોપીરાઈટ આપ્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ ફોર્મ્યુલા માટે ભારત સરકાર પાસેથી કોપીરાઈટ પણ મેળવી લીધો છે, જેનાથી તેનો મોટા પાયે ઉપયોગ થઈ શકશે. આ ટેસ્ટનો હેતુ માત્ર પીડિતોને ઓળખવાનો જ નહીં, પણ તેમને સલાહ આપવાનો અને તેમની મોબાઈલ ફોનની લતને દૂર કરવામાં મદદ કરવાનો પણ છે.
મનોવૈજ્ઞાનિક વિભાગના પ્રોફેસર ડૉ. યોગેશ જોગસને જણાવ્યું કે, 'અમે ભારતમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પેપર-એન્ડ-પેન્સિલ ટેસ્ટ વિકસાવી છે, અને આ ટેસ્ટને ભારત સરકાર દ્વારા એક પ્રકારની માન્યતા મળી છે.'
સહાયક પ્રોફેસર ધારા દોશીએ જણાવ્યું કે, 'આ ટેસ્ટ 14થી 34 વર્ષની વયના લોકો દ્વારા અનુભવાતી નોમોફોબિયા, માનસિક સ્થિતિ અને ચિંતાનું મૂલ્યાંકન કરવા માટે વિકસાવવામાં આવ્યો છે. તે ઘણાં વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.'
રિસર્ચ સ્ટુડન્ટ ઉન્નતિ દેસાઈએ જણાવ્યું કે આ ટેસ્ટ યુવાનોમાં નોમોફોબિયાના સ્તરને સચોટ રીતે માપી શકે છે. આ સંશોધન મોબાઈલ ફોનના વધતા ઉપયોગથી થતી માનસિક સમસ્યાઓના નિદાનમાં એક મહત્ત્વનું પગલું છે.

