લિટલ નિર્ભયા કેસઃ 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને હત્યા કરનારાને સુપ્રીમ કોર્ટે કેમ મુક્ત કર્યો?
Supreme Court Overturn Death Sentence: સુપ્રીમ કોર્ટે બુધવારે (10મી સપ્ટેમ્બર) ઉત્તરાખંડમાં વર્ષ 2014માં 7 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ હત્યા કેસમાં મૃત્યુદંડની સજા પામેલા દોષીને નિર્દોષ જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'કોર્ટે મૃત્યુદંડની સજા આપતા પહેલા ખૂબ સાવધાની રાખવી જોઈએ.' આ કેસને લિટલ નિર્ભયા તરીકે ઓળખવામાં આવ્યો હતો અને તેના કારણે રાજ્યભરમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમ નાથ, સંજય કરોલ અને સંદીપ મહેતાની બેન્ચે ટ્રાયલ કોર્ટ અને ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશને રદ કર્યો હતો જેમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટે બીજા એક આરોપીને પણ નિર્દોષ જાહેર કર્યો હતો જેને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'તપાસમાં ઘણી ખામીઓ હતી અને ફરિયાદ પક્ષ આરોપીઓ સામેના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયો. આ કેસ સંપૂર્ણપણે સંજોગોવશાત્ પુરાવા પર આધારિત હતો.'
દુષ્કર્મ બાદ હત્યા કેસ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'ફરિયાદ પક્ષ આરોપી-અપીલકર્તાઓના ગુના સાબિત કરવા માટે સંજોગોની સંપૂર્ણ અને અતૂટ સાંકળ સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયો છે. ન્યાયાધીશ સંદીપ મહેતાએ ચુકાદો લખતી વખતે અદાલતોને મૃત્યુદંડની સજા આપતી વખતે સાવધાની રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, 'કેપિટલ પનિશમેન્ટ (મૃત્યુદંડ)ની પ્રકૃતિ એવી છે કે તે માત્ર રેયરેસ્ટ ઓફ રેયર કેસોમાં જ લાગુ થવી જોઈએ. જો ફરિયાદ પક્ષના કેસમાં સહેજ પણ શંકા કે નબળાઈ હોય તો આવી સજા આપવી જોઈએ નહીં.'
ટ્રાયલ કોર્ટે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી હતી
આ કેસમાં ફરિયાદ પક્ષે કહ્યું હતું કે બાળકી 29મી એપ્રિલ, 2014ના રોજ ગુમ થઈ ગઈ હતી. બીજા દિવસે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે દાવો કર્યો હતો કે આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને પછી તેની હત્યા કરી હતી. ટ્રાયલ કોર્ટે 2016માં આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી. હાઈકોર્ટે પણ 2018માં ટ્રાયલ કોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું હતું.