પંજાબના પૂર પીડિતોને મદદે આવ્યું રિલાયન્સ, અનંત અંબાણીએ કહ્યું - કપરાં સમયમાં અમે તમારી સાથે છીએ
RIL Group Relief for Punjab Flood: પંજાબમાં આવેલા ભીષણ પૂરથી સર્જાયેલી તબાહીમાં રાહત કાર્યો જોરશોરથી શરૂ થયા છે. રિલાયન્સ ગ્રૂપ પણ રાહત કાર્યો સાથે પંજાબની મદદે આવ્યું છે. કંપનીએ અમૃતસર અને સુલ્તાનપુર લોધીના સૌથી પ્રભાવિત ગામમાં રાજ્ય વહીવટીતંત્ર, પંચાયતો અને સ્તાનિક સ્વયંસેવકો સાથે મળી રાહત કામગીરી શરૂ કરી છે. જેમાં તેણે અત્યારસુધી 10 હજારથી વધુ પરિવારોને રાશન કિટનું વિત્તરણ કર્યું છે. વધુમાં જે પરિવારમાં મહિલા અને વરિષ્ઠ ઘરના વડા છે, તેમને રૂ. 5-5 હજારના વાઉચર પણ આપ્યા છે. જેથી તેઓ પોતાની જરૂરિયાતનો સામાન જાતે ખરીદી શકે. સામુદાયિક રસોઈ માટે પણ રાશન મોકલવામાં આવ્યું છે. સ્વચ્છ પીવાના પાણી માટે પોર્ટેબલ વોટર ફિલ્ટર લગાવવામાં આવ્યા છે.
દસ-સૂત્રીય યોજના પર રાહત કામગીરી
રિલાયન્સ ગ્રૂપ 10 સૂત્રીય રાહત યોજના હેઠળ કામ કરી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અનંત અંબાણીએ જણાવ્યું કે, અમે આ દુઃખની પળોમાં પંજાબના લોકોની સાથે છીએ. અનેક પરિવારે પોતાના ઘર અને કારોબાર ગુમાવ્યા છે. રિલાયન્સ પરિવાર આજે પંજાબ સાથે ઉભુ છે. પંજાબના પૂરપીડિતો ઉપરાંત પશુઓ માટે પણ ભોજન, પાણી અને આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે દસ-સૂત્રીય યોજના પર રાહતની કામગીરી કરી રહ્યા છીએ. આ કપરાં સમયમાં અમારૂ પ્રત્યેક પગલું પંજાબની સાથે છે.
પશુઓ માટે ચારાની વ્યસ્થા, બેઘર લોકોને પણ સહાય
પશુધનને બચાવવા તેમજ તેમની સારવાર માટે રિલાયન્સ ફાઉન્ડેશન, વનતારા અને પશુપાલન વિભાગ એકજૂટ થઈ કામ કરી રહ્યા છીએ. 5000 પશુપાલકો માટે 3000 ચારાના બંડલ વિતરિત કર્યા છે. પશુઓની સારવાર માટે પશુ શિબિર લગાવવામાં આવ્યા છે. જ્યાં દવાઓ અને રસીકરણની કામગીરી થઈ રહી છે. કંપની પૂરના કારણે બેઘર થયેલા લોકો માટે તાડપત્રી, મચ્છરદાની, બિસ્તરાં, રાશન અને અન્ય જરૂરી સામાનનું વિત્તરણ કરી રહી છે. તેમજ પૂર પ્રભાવિત પરિવારોને સ્વચ્છતા કિટ પણ આપવામાં આવી રહી છે, જેથી બીમારીઓથી બચી શકાય. જળ સ્રોતોને કીટાણુમુક્ત બનાવવાની કામગીરી પણ થઈ રહી છે.
વનતારાની નિષ્ણાતોની ટીમ પહોંચી
વનતારાની 50થી વધુ નિષ્ણાતોની ટીમ પણ આધુનિક ઉપકરણો સાથે પુર પ્રભાવિત વિસ્તારોમાં ખડેપગે કામગીરી કરી રહી છે. મૃત પશુઓના સન્માનજનક અંતિમ સંસ્કાર કરી રહી છે, જિઓની પંજાબ ટીમ પણ આ રાહત કાર્યમાં જોડાઈ છે. એનડીઆરએફની સાથે મળી પુર પ્રભાવિત વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક પુનઃસ્થાપિત કરી રહ્યા છે. જિઓની ટીમ રાજ્યમાં 100 ટકા કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે. રિલાયન્સ રિટેલે 21 જરૂરી ચીજવસ્તુઓથી સજ્જ ખાદ્ય સામગ્રી- સ્વચ્છતા કિટ મોકલવામાં આવી છે. જેથી લોકોની રોજિંદા જરૂરિયાતો પૂરી થઈ શકે.