Get The App

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, વક્ફ નોંધણીની અંતિમ તારીખ લંબાવવાનો ઇન્કાર, ઓવૈસીની અરજી પણ ફગાવાઈ

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, વક્ફ નોંધણીની અંતિમ તારીખ લંબાવવાનો ઇન્કાર, ઓવૈસીની અરજી પણ ફગાવાઈ 1 - image


Supreme Court On Waqf Properties Registration : સુપ્રીમ કોર્ટે વક્ફ નોંધણીની અંતિમ તારીખ લંબાવવાના કેસમાં આજે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, વક્ફની અનૌપચારિક ધાર્મિક મિલકતો (‘વક્ફ બાય યુઝર’) સહિતની તમામ સંપત્તિઓની UMEED પોર્ટલ પર નોંધણી છ મહિનાની નિર્ધારિત અંતિમ તારીખ સુધીમાં કરવી પડશે, અને આ તારીખ કોઈ પણ સંજોગોમાં લંબાવવામાં આવશે નહીં. 

કોર્ટે તમામ અરજી ફગાવી કહ્યું, ‘અંતિમ તારીખ પહેલા ટ્રિબ્યુનલમાં જઈ શકો છો’

ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ ઑગસ્ટિન જૉર્જ મસીહની બેંચે તમામ અરજદારોને કહ્યું છે કે, ‘કલમ 3Bની જોગવાઈમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, છ મહિનાનો સમય પૂર્ણ થયા પહેલા ટ્રિબ્યુનલમાં અરજી કરી શકાય છે. તેથી અમે તમામ અરજીઓ ફગાવી રહ્યા છીએ અને તમે છેલ્લી તારીખ સુધીમાં સંબંધિત ટ્રિબ્યુનલમાં અરજી કરી શકો છો.’

જાણો શું છે મામલો

વક્ફ (સુધારો) અધિનિયમ-2025માં નવો નિયમ લવાયો છે કે, ‘કાગળ પરની કે પછી સદીઓથી ચાલતા આધાર પર ‘વક્ફ બાય યુઝર’ મનાતી વક્ફની તમામ સંપત્તિઓની UMEED પોર્ટલ પર છ મહિનાની અંદર નોંધણી કરાવવી ફરજિયાત છે. કેન્દ્ર સરકારે છ જૂન-2025ના રોજ UMEED પોર્ટલ લોન્ચ કર્યું હતું, એટલે કે ડિસેમ્બર-2025 સુધીનો તમામ ડેટા અપલોટ કરવો જરૂરી છે.

આ પણ વાંચો : રાજસ્થાનમાં 10 કિમી સુધી તબાહી મચાવે તેટલો વિસ્ફોટક ઝડપાતા ખળભળાટ, મોટા ષડયંત્રની આશંકા

‘વક્ફ બાય યુઝર’ એટલે શું?

‘વક્ફ બાય યુઝર’નો અર્થ એ છે કે, જો કોઈ મિલકત કે જમીન (જમીન, મસ્જિદ, કબ્રસ્તાન સહિતની) જ્યારે ઔપચારિક રીતે વક્ફ તરીકે જાહેર કરવામાં ન આવી હોય, પરંતુ તે મિલકતનો ઉપયોગ લાંબા સમયથી ઇસ્લામિક ધાર્મિક અથવા પવિત્ર હેતુઓ માટે થતો આવ્યો હોય, તો તેને કાયદેસર રીતે વક્ફ સંપત્તિ માનવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ‘વક્ફ (સુધારો) અધિનિયમ-2025’ના કેટલાક નિયમ મામલે 15 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટે કેટલાક વિવાદાસ્પદ નિયમો પર રોક લગાવી દીધી હતી. આમાં માત્ર પાંચ વર્ષથી ઇસ્લામ માનનારા જ વક્ફ બની શકે છે, તે મુદ્દો પણ સામેલ હતો. જોકે કોર્ટે આખો કાયદો અટકાવ્યો નથી. કોર્ટે કહ્યું હતું કે, ‘વક્ફ બાય યુઝર’ હટાવવાનો સરકારનો નિર્ણય ખોટો નથી અને સરકાર તમામ વક્ફ જમીનો હડપી લેશે, તે ડર પાયાવિહોણો છે.

જે લોકો અંતિમ તારીખ ચૂકી જશે અથવા નોંધણી નહીં કરાવી શકે તો તેમણે ટ્રિબ્યુનલ પાસે જવું પડશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, અમે અંતિમ તારીખ નહીં લંબાવીએ.

આ પણ વાંચો : સિદ્ધારમૈયા રાજીનામું આપવા તૈયાર? કહ્યું- શિવકુમાર મારા ભાઈ જેવા, મોવડી મંડળ ઈચ્છે તો CM બનશે

Tags :