'ઉદયપુર ફાઈલ્સ' ફિલ્મની રિલીઝ અંગે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, જુઓ સુનાવણીમાં શું થયું
Udaipur Files: કનૈયાલાલ હત્યાકાંડ પર આધારિત ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ'ની રિલીઝ પર સુપ્રીમ કોર્ટે તુરંત કોઈ આદેશ આપવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, તમામ પક્ષ પહેલાંથી જ કેન્દ્રીય સૂચના-પ્રસારણ મંત્રાલય તરફથી બનાવવામાં આવેલી કમિટી સામે પોતાની વાત મૂકે. સુપ્રીમ કોર્ટ સોમવારે (21 જુલાઈ) આ મામલે આગળની સુનાવણી હાથ ધરશે.
શું છે કનૈયાલાલ હત્યાકાંડ?
જૂન 2022માં ઉદયપુરમાં દરજીનું કામ કરનાર કનૈયાલાલનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. એ સમયે પૈગમ્બર મોહમ્મદ વિશે ભાજપ નેતા નૂપુર શર્માના એક નિવેદનને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો હતો. કનૈયાલાલે નૂપુરનું સમર્થન કરતું પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. તેથી મોહમ્મદ રિયાઝ અને મોહમ્મદ ગૌસે તેની હત્યા કરી દીધી હતી. આરોપ છે કે, આ હત્યામાં અન્ય લોકોનો પણ સહયોગ હતો.
આ પણ વાંચોઃ 'ઓય, હું ધારાસભ્ય છું, હાથ કેવી રીતે પકડ્યો...', પોલીસ અધિકારી પર ભડક્યાં કોંગ્રેસ નેતા
હાઇકોર્ટે કેન્દ્રને મોકલ્યો આ મામલો
10 જુલાઈએ દિલ્હી હાઇકોર્ટે જમિયત ઉલેમા-એ-હિન્દની અરજી પર સુનાવણી કરતા ફિલ્મ રિલીઝ પર રોક લગાવી દીધી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર સિનેમેટોગ્રાફી એક્ટની કલમ 6 હેઠળ આ મામવિ વિચાર કરીને નિર્ણય લે. હાઇકોર્ટના આદેશની સામે મેકર્સ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. આ સિવાય કનૈયાલાલ હત્યાકાંડના આરોપી જાવેદે પણ અરજી દાખલ કરી ફિલ્મની રીલિઝ રોકવાની માંગ કરી છે.
કયા-કયા વકીલ થયા સામેલ?
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જોયમાલ્યા બાગચીની ખંડપીઠ સામે ફિલ્મ મેકર્સ તરફથી વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયા અને વકીલ સૈયદ રિઝવાન અહેવદે દલીલ કરી હતી. જમિયત તરફતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને મોહમ્મદ જાવેદ તરફથી મેનકા ગુરૂસ્વામીએ દલીલ કરી હતી.
નુકસાનની દલીલ
ફિલ્મ મેકર્સના વકીલ ગૌરવ ભાટિયાએ કહ્યું કે, સિનેમા હૉલમાં ફિલ્મના સ્ક્રિનિંગને છેલ્લી ઘડીએ રોકી દેવાયું છે. જેનાથી મેકર્સને ઘણું નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ વિશે જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, બીજો પક્ષ ફિલ્મથી સામાજિક સૌહાર્દના નુકસાનની દલીલ આપી રહ્યું છે. આર્થિક નુકસાનની ભરપાઈ થઈ શકે છે, પરંતુ સામાજિક નુકસાનની નહીં.
આ પણ વાંચોઃ ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે
'અમે કોઈ વિચાર વ્યક્ત નથી કરી રહ્યા'
સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ સ્પષ્ટ કરી દીધું કે, 'આ ફિલ્મ પર અમે અમારી તરફથી કોઈ વિચાર નથી મૂકી રહ્યા, ન હાઇકોર્ટે પણ આવું કર્યું છે. હાઇકોર્ટે કાયદાકીય જોગવાઈઓ મુજબ આ મામલો કેન્દ્ર સરકાર પર છોડી દીધો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયની સમિતિ બુધવારે (16 જુલાઈ) બપોરે 2:30 વાગ્યે આ મામલા પર વિચાર કરશે. ફિલ્મ મેકર્સ, જમિયત ઉલેમા-એ-હિંદ અને હત્યા કેસના આરોપી મોહમ્મદ જાવેદના પ્રતિનિધિઓએ ત્યાં જઈને પોતાના વિચારો રજૂ કરવા જોઈએ.'
'ફિલ્મ ઇસ્લામ વિરોધી નથી'
ફિલ્મ મેકર્સે વિનંતી કરી કે, સુપ્રીમ કોર્ટ કમિટીને 24 કલાકમાં નિર્ણય લેવાનું કહે. પરંતુ, કોર્ટે ફક્ત એટલું જ કહ્યું કે, કમિટી જલ્દી નિર્ણય લેવાનો પ્રયાસ કરે. સુનાવણી દરમિયાન જમિયતના વકીલ કપિલ સિબ્બલે ફિલ્મમાં મુસ્લિમોને ખોટી રીતે બતાવવા વિશે દલીલ કરી. જેના જવાબમાં મેકર્સના વકીલ રિઝવાન અહેમદે કહ્યું કે, ફિલ્મમાં ઇસ્લામ વિરોધી કંઈ નથી કહેવામાં આવ્યું. મુસ્લિમ સમુદાયના અમુક લોકો ખોટી રીતે દર્શાવવું એ ઇસ્લામનો વિરોધ ન કહી શકાય.