Supreme Court: સુપ્રીમ કોર્ટે 30 જાન્યુઆરી શુક્રવારના રોજ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં દેશના દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ કર્યો છે કે ખાનગી કે સરકારી શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓ (ધોરણ 6-12)માટે મફતમાં સેનેટરી પેડની વ્યવસ્થામાં શાળામાં જ કરવામાં આવે, તે સાથે ઉચ્ચ કોર્ટે એ પણ કહ્યું છે કે માસિક ધર્મ સ્વાસ્થ્યના અધિકાર હેઠળ બંધારણના જીવનના મૂળભૂત અધિકારનો એક ભાગ છે.
અલગ અલગ શૌચાલય સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ
આ સાથે જસ્ટિસ જે બી પારદીવાળા અને જસ્ટિસ આર મહાદેવનની પીઠે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની દરેક શાળામાં વિદ્યાર્થિની અને વિદ્યાર્થીઓ માટે અલગ અલગ શૌચાલય સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે એ પણ કહ્યું છે કે તમામ શાળાઓ તે સરકારી હોય, સરકાર દ્વારા સંચાલિત હોય તેમાં દિવ્યાંગજનો માટે અનુકૂળ શૌચાલય પણ ઉપલબ્ધ કરાવે.
અનુચ્છેદ 21 અનુસાર જીવનનો અધિકાર
સુપ્રીમ કોર્ટે એ પણ ટાંક્યું છે કે, માસિક ધર્મ સંબંધી સ્વાસ્થ્ય અધિકાર બંધારણના અનુચ્છેદ 21 મુજબ જીવન જીવવાના અધિકારનો એક હિસ્સો છે. જો કોઈ પ્રાયવેટ શાળા આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહે તો તેની માન્યતા રદ કરી દેવામાં આવશે. જો સરકારો છોકરીઓ માટે શૌચાલય અને મફતમાં સેનેટરી પેટ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહે તો તેમણે જવાબદાર ગણવામાં આવશે.
બાળકીઓની ગરિમાનું ઉલ્લંધન
જસ્ટિસ જે બી પારદીવાળા અને જસ્ટિસ આર મહાદેવનની પીઠે કહ્યું કે, જીવનનો અધિકાર માત્ર જીવત રહેવા પૂરતો સીમિત નથી, પણ તેમાં ગરિમા, સ્વાસ્થ્ય, સમાનતા અને શિક્ષણનો અધિકાર પણ સામેલ છે. માસિક ધર્મ, સ્વાસ્થ્યના એ જ અધિકારનો ભાગ છે. કોર્ટે એ પણ માન્યું કે માસિક ધર્મ સાથે જોડાયેલી આરોગ્ય સુવિધાઓની ઉણપને કારણે બાળકીઓની ગરિમાનું ઉલ્લંધન થઈ રહ્યું છે. કારણ કે ગરિમાનો અર્થ અપમાન, ભેદભાવ અને બિનજરૂરી દુઃખ વિના જીવન જીવવું છે.
શિક્ષણ અને ગરિમા સાથે જોડાયેલો સવાલ
આ મામલો કેન્દ્ર સરકારની 'શાળા જતી સગીર બાળકીઓના માસિક ધર્મ સ્વચ્છતા નીતિ' સાથે જોડાયેલો છે. કોર્ટ સામે સવાલ હતો કે શાળામાં અલગ અલગ શૌચાલયની ઉણપ, સેનેટરી પેડ કે અન્ય સાધનોની ઉપલબ્ધતા ન હોવી એ શિક્ષણના અધિકાર અને સન્માનજનક જીવનનું ઉલ્લંઘન છે? આ મુદ્દા પર કોર્ટે સાફ કહ્યું કે, આ સુવિધાઓનો અભાવ બાળકીઓને શાળા છોડવી અથવા તે દિવસોમાં હાજરી ન ભરવી તેના માટે મજબૂર કરે છે. જે સીધો જ શિક્ષણના અધિકારનું હનન કરે છે.
આ પણ વાંચો: 'બ્લેક ફ્રાઈડે': એક જ દિવસમાં સોનામાં ₹16,500, તો ચાંદીમાં ₹67,891નો કડાકો
ગોપનીયતાનો પણ ઉલ્લેખ
આ નિર્દેશમાં સુપ્રીમ કોર્ટેએ પણ કહ્યું કે, ગોપનીયતા પણ ગરિમા સાથે જોડાયેલી છે. દરેક રાજ્યની જવાબદારી છે કે તે ફક્ત ગોપનીયતાનું ઉલ્લંઘન ન કરે પણ તેના રક્ષણ માટે નક્કર પગલાં પણ લે. બાર એન્ડ બેન્ચ મુજબ, કોર્ટે કહ્યું 'સમાન અવસર ત્યારે જ સંભવ છે જ્યારે તમામને જરૂરી સંસાધન અને જાણકારી મળે' આ ચુકાદામાં કોર્ટે સમાજને પણ ઉંડો સંદેશ આપતાં કહ્યું કે, આ નિર્દેશ એ બાળકીઓ માટે છે જે ખચકાટને કારણે મદદ માંગી શકતી નથી, એ શિક્ષક માટે છે જે મદદ કરવા માંગે છે પણ પણ સુવિધાના અભાવે તેના હાથ બાંધી રાખ્યા છે, તે માતા પિતા માટે છે જે મૌનના અસરને નથી સમજી શકતા. માસિક ધર્મના કારણે કોઈ બાળકી શાળાએ ન જઈ શકતી હોય તો તે તેની ભૂલ નથી પણ વ્યવસ્થા અને વિચારની ભૂલ છે.


