Silver and Gold Price Crash : બુલિયન માર્કેટમાં આજે (30 જાન્યુઆરી) એક ઐતિહાસિક કડાકો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના ભાવ આસમાનેથી જમીન પર પટકાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વૈશ્વિક બજારની અસર અને સ્થાનિક સ્તરે મોટા પ્રોફિટ બુકિંગને કારણે આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ચાંદીમાં આવેલો કડાકો બજારના નિષ્ણાતોને પણ ચોંકાવી રહ્યો છે.
24 કલાકમાં ચાંદીના ભાવ 85,000 રૂપિયા ઘટ્યા. જ્યારે સાનાના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો. આટલો મોટો ઘટાડો ત્યારે આવ્યો, જ્યારે ચાંદી 4.20 લાખ રૂપિયા પર અને સોનું 2 લાખ રૂપિયાની નજીક પહોંચી ગયું હતું.
સોનાના ભાવનું વિશ્લેષણ
સોનાના ભાવમાં ગત બંધ ભાવની સરખામણીએ મોટું ગાબડું જોવા મળ્યું છે:
• ગઈકાલનો બંધ ભાવ (Prev. Close): ₹1,93,096
• આજનો ઓપન ભાવ (Open): ₹1,80,499
• વર્તમાન ટ્રેડિંગ ભાવ: ₹1,67,406
• આજનો કુલ ઘટાડો: સમાચાર લખવા સુધીમાં સોનામાં અત્યાર સુધીમાં ₹16,000 નો જંગી કડાકો આવ્યો છે. દિવસ દરમિયાન સોનું નીચામાં ₹1,67,406 સુધી પણ ગયું હતું. જેના પરથી આજનો કુલ ઘટાડો 26556ને સ્પર્શી ચૂક્યો છે.
ચાંદીના ભાવનું વિશ્લેષણ
ચાંદીના ભાવમાં આજે સૌથી ભયાનક ઘટાડો જોવા મળ્યો છે:
• ગઈકાલનો બંધ ભાવ (Prev. Close): ₹3,99,893
• ગઈકાલનો ટોચનો ભાવ: ₹4,20,048
• આજનો ઓપન ભાવ (Open): ₹3,83,898
• આજનું તળીયું: ₹3,35,001
• આજનો કુલ કડાકો: આ હિસાબથી ચાંદીના ભાવમાં 24 કલાકમાં ₹85,000નો ઘટાડો નોંધાયો છે.
શું છે આ કડાકાનું મુખ્ય કારણ
બજારના વિશ્લેષકોના મતે, સોનું અને ચાંદી જે રીતે રૅકોર્ડ હાઇ પર હતા, ત્યાંથી મોટા રોકાણકારોએ નફો બુક કરવાનું શરુ કર્યું છે. આ ઉપરાંત ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા આર્થિક સમીકરણોને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આ સળવળાટ જોવા મળી રહ્યો છે. જોકે કેટલાક નિષ્ણાતો એવો દાવો કરે છે કે અમેરિકામાં ફેડના ચેરમેનનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. તેમનાથી ટ્રમ્પ પહેલાથી જ નારાજ હતા.
જો કે હવે ટ્રમ્પ જેમને નવા ફેડ ચેરમેન બનાવવા માગે છે તેમની નીતિઓ કડક હોય છે અને તે પોલિસી રેટને હાઇ રાખવામાં માને છે. જો એવું થશે તો તે સોના અને ચાંદીના બજાર માટે સુરક્ષિત નહીં મનાય એટલા માટે જ સોના-ચાંદીના બજારમાં કડાકો દેખાઈ રહ્યો છે.


