For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એક પણ મજૂર ભુખ્યો ન રહેવો જોઇએ, તેમનું ડર પણ દુર કરો: સુપ્રીમ

- લોકડાઉનથી વધી રહેલું પલાયણ રોકી યોગ્ય સુવિધા પુરી પાડવા કેન્દ્રને આદેશ

- - વાઇરસ કરતા લોકોમાં જે ડર ફેલાયો છે તે જ તેમના જીવનને વધુ બરબાદ કરી નાખશે: સુપ્રીમની ટકોર

Updated: Mar 31st, 2020

- ભજન-કિર્તન-નમાઝની મદદ લો પણ આ ડર દુર કરો, ફેક માહિતીથી સજાગ કરવા વેબસાઇટ શરૂ કરો તેવો આદેશ

એક પણ મજૂર ભુખ્યો ન રહેવો જોઇએ, તેમનું ડર પણ દુર કરો: સુપ્રીમ

નવી દિલ્હી, તા.31 માર્ચ 2020, મંગળવાર

કોરોના વાઇરસને કારણે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જોકે તેને કારણે હજારો મજૂરો પલાયણ કરવા મજબુર થયા છે. અચાનક જ લોકડાઉન જાહેર થતા કોઇ વાહનની સુવિધાના અભાવે આ મજૂરો પગપાળા જ અનેક કિલો મિટર સુધી ચાલીને પહોંચ્યા હતા. આ પરિસ્થિતિ વચ્ચે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે મજૂરોના રહેવા, જમવા સહિતની સુવિધા તાત્કાલીક ધોરણે કરવામાં આવે. 

આ સાથે જ કોરોના વાઇરસ અંગે લોકો સુધી માહિતી પહોંચી રહે તે માટે કેન્દ્ર સરકાર એક વેબસાઇટ પણ શરુ કરે તેવો આદેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ શરદ એ. બોબડેએ વીડિયો કોન્ફરન્સની મદદથી આ અરજીઓની સુનાવણી કરી હતી. સરકારને સાથે એવો પણ આદેશ આપ્યો હતો કે આ મજૂરોનું કાઉન્સેલિંગ કરવા માટે ધર્મગુરુઓથી લઇને જેની પણ જરુર પડે તેની મદદ લેવામાં આવે. અને કોઇ પણ મજૂર ભૂખ્યો ન રહે તેની સરકાર તકેદારી રાખે તેવો આદેશ પણ આપ્યો હતો. 

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એક એક્સપર્ટ કમિટીની રચના પણ કરવામાં આવે, સાથે જે વેબસાઇટ બનાવવામાં આવે તેના પર કોરોના વાઇરસ અંગેના ફેક સમાચારો કે માહિતીથી લોકોને સજાગ કરવામાં આવે. લોકોમાં જે ડર ફેલાયો છે તે વાઇરસ કરતા તેમના જીવનને વધુ અસર કરશે. માટે આ ડરને દુર કરવો પણ એટલો જ જરુરી છે જેટલો આ વાઇરસ ફેલાતો અટકાવવો. આ માટે સરકાર મજૂરોથી લઇને લોકોનું કાઉન્સેલિંગ કરવા માટે નિષ્ણાંતોની મદદ લે. આ ઉપરાંત તાત્કાલીક મજૂરોના સ્થળાંતરને રોકવામાં આવે અને તેમના માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે. તેમને ભોજન, દવાઓ સહિતની યોગ્ય સામગ્રી પુરી પાડવામાં આવે.

સુપ્રીમ કોર્ટમાં મજૂરોના થઇ રહેલા પલાયણ અંગે પીઆઇએલ દાખલ થઇ હતી જેની સુનાવણી વેળાએ આ આદેશો આપવામાં આવ્યા છે સાથે સરકાર પાસેથી કામગીરીનો રિપોર્ટ પણ માગવામાં આવ્યો હતો, આ અંગે હવે વધુ સુનાવણી આગામી સાતમી એપ્રીલે કરવામાં આવશે.  

Gujarat