India

અનેક રાજ્યોમાં વિદ્યાર્થીઓ માર્ગો પર, Gen-Z બાદ Gen-Alpha સરકારો માટે માથાનો દુઃખાવો બન્યા

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
લખનઉમાં 'જયપ્રકાશ નારાયણ સર્વોદય વિદ્યાલય'ના સેંકડો વિદ્યાર્થીઓએ શિક્ષકોની અછત અને ગેરવ્યવસ્થા સામે બાલાગંજ ચોકડી પર ચક્કાજામ કર્યો. 3 દિવસમાં બીજી વખત વિદ્યાર્થીઓનો આક્રોશ જોવા મળ્યો. વાહનવ્યવહાર ખોરવાયો અને વિદ્યાર્થીઓએ CM આવાસ તરફ કૂચ કરી, જેને પોલીસે રોક્યા. દેશના અન્ય રાજ્યોમાં પણ Gen-Alpha નો આક્રોશ ફેલાઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અનેક રાજ્યોમાં વિદ્યાર્થીઓ માર્ગો પર, Gen-Z બાદ Gen-Alpha સરકારો માટે માથાનો દુઃખાવો બન્યા

Lucknow Gen Alpha Protest : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં શાળાના વિદ્યાર્થીઓનો આક્રોશ ફરી એકવાર રસ્તા પર જોવા મળ્યો છે. દુબગ્ગા સ્થિત 'જયપ્રકાશ નારાયણ સર્વોદય વિદ્યાલય'ના સેંકડો વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભારે અછત અને ગેરવ્યવસ્થા સામે વિરોધ નોંધાવતા બાલાગંજ ચોકડી પર ચક્કાજામ કરી દીધો હતો.

ત્રણ દિવસમાં બીજી વખત વિદ્યાર્થીઓની ધીરજ ખૂટી

આ સમગ્ર વિવાદ ત્રણ દિવસ પહેલા શરૂ થયો હતો, જ્યારે બાળકોએ શિક્ષકોની અછતને લઈને પ્રથમ વખત મોરચો ખોલ્યો હતો. તે સમયે મંત્રી અસીમ અરૂણ અને વિભાગના ડિરેક્ટર અનુરાગ યાદવે વિદ્યાર્થીઓને સમઝાવીને વહેલી તકે શિક્ષકોની તહેનાતીનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ ત્રણ દિવસ વીતવા છતાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો ન થતાં સોમવારે વિદ્યાર્થીઓની ધીરજ ખૂટી ગઈ અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.

વાહનવ્યવહાર ખોરવાયો અને CM આવાસ તરફ કૂચ

વિદ્યાર્થીઓના આ અચાનક વિરોધ પ્રદર્શનથી દુબગ્ગા અને બાલાગંજ રોડ પર વાહનોના પૈડાં થંભી ગયા હતા, જેના કારણે રાહદારીઓ અને ઓફિસ જનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓએ સ્થળ પર પહોંચીને સમજાવટ કરતા બાળકોએ રસ્તા પરથી ધરણાં તો સમાપ્ત કર્યા, પરંતુ પોતાની માંગણીઓ માટે તેઓ સીધા મુખ્યમંત્રી આવાસ (CM Residence) તરફ આગળ વધ્યા હતા. પોલીસે તેમને બાલાગંજ ચોકડી પર રોકીને પાછા મોકલ્યા હતા. સવારે 10 વાગ્યાની આસપાસ અધિકારીઓની ખાતરી બાદ વાહનવ્યવહાર પુનઃ શરૂ થઈ શક્યો હતો.

image.png

દેશના વિવિધ રાજ્યોમાં વિસ્તર્યો Gen-Alpha નો આક્રોશ

સ્કૂલના બાળકો (Gen-Alpha) દ્વારા સુવિધાઓ માટે કરવામાં આવતો આ વિરોધ માત્ર લખનઉ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ઉત્તર પ્રદેશના અન્ય જિલ્લાઓ સહિત દેશના અનેક રાજ્યોમાં ફેલાઈ રહ્યો છે:

હમીરપુર (UP): બાળકો હાથમાં તિરંગો લઈને શાળાએ પહોંચવા માટે પક્કી સડકની માંગ કરી રહ્યા છે.

અલ્વર (રાજસ્થાન): શાળાની જર્જરિત છત પડી ગયા બાદ બાળકો વિરોધ પર બેઠા છે.

કન્નૌજ (UP): સ્કૂલમાં અપાતા મિડ-ડે મીલ (ભોજન)ની નબળી ગુણવત્તા સામે બાળકોએ ખાવાનો બહિષ્કાર કર્યો છે.

અન્ય રાજ્યો: બિહાર, મધ્ય પ્રદેશ (છિંદવાડા) અને મહારાષ્ટ્રમાં પણ બાળકો પંખા, પીવાનું સ્વચ્છ પાણી, શૌચાલય, બસ ભાડામાં રાહત અને શિક્ષકોની નિમણૂક જેવી મૂળભૂત માંગણીઓ માટે સડકો પર ઉતરી રહ્યા છે.