VIDEO: ભ્રષ્ટાચાર અને બેદરકારી... ઉદ્ઘાટન થાય તે પહેલાં જ સ્ટેટ હાઇવે પાણીમાં વહી ગયો, ઝુંઝુનુની ઘટના
Rajasthan News : રાજસ્થાનના અનેક શહેરોમાં છેલ્લા ઘણા દિવસથી ભારેથી અતિભારે અને છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે અહીંના ઝુંઝુનુ જિલ્લાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યા છે. અહીં ઉદ્ઘાટન પહેલાં જ એક નવનિર્મિત સ્ટેટ હાઇવે વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે, જેના કારણે બાઘુલી ગામનો સંપર્ક તૂટી ગયો છે. ઘટના બાદ સ્થાનિક લોકો તંત્ર પર ગુસ્સો ઠાલવી ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપો કરી રહ્યા છે.
કરોડોના ખર્ચે બનેલો સ્ટેટ હાઇવે પાણીમાં વહ્યો
આજથી છ મહિના પહેલા ઉદયપુરવાટી જિલ્લાના બાઘુલી ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે સ્ટેટ હાઇવે બનાવાયો હતો, જેનું હજુ સુધી ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું નહોતું. રોડ બન્યા બાદ બાઘુલી ગામનો અન્ય ગામો સાથે સંપર્ક થઈ શક્યો હતો. જોકે તાજેતરના વરસાદી પાણીમાં સ્ટેટ હાઇવે ધોવાઈ જતાં બાઘુલી ગામના રહેવાસીઓ ફરી સંપર્ક વિહોણા થઈ ગયા છે.
ગ્રામજનોએ બાંધકામની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા
રવિવારે ભારે વરસાદ પડતાં કટલી નદીના જળસ્તરમાં વધારો થયો હતો, જેના કારણે તેનું પાણી બાઘુલીમાંથી પસાર થયું હતું, જેમાં આ સ્ટેટ હાઇવે ધોવાઈ ગયો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નવનિર્મિત સ્ટેટ હાઇવે પાણીમાં વહેતો જોવા મળી રહ્યો છે અને રોડ નીચે દેખાતી માટી તંત્રની બેદરકારી દર્શાવી રહી છે. ઘટના બાદ ગ્રામજનો રોષે ભરાયા છે અને બાંધકામની ગુણવત્તા અને તંત્રની બેદરકારી પર સવાલો ઉઠાવી રહ્યા છે.
રોડ ધોવાયા બાદ 30-35 ફૂટનો ઊંડો ખાડો પડ્યો
વરસાદના કારણે કટલી નદીનું જળસ્તર વધ્યું હતું, જેનું પાણી ભારે પ્રવાહ સાથે બઘુલી ગામ તરફ આગળ વધ્યું હતું, જેમાં આ રોડ ધોવાઈ ગયો છે. કટલી એક મોસમી નદી છે, જે સીકર ઝુઝુનુ અને ચુરુ જિલ્લામાંથી પસાર થાય છે. રોડ ધોવાયા બાદ 30-35 ફૂટનો ઊંડો ખાડો પડી ગયો છે, જેના કારણે પરિવહન સંપૂર્ણ અટકી ગયું છે. આ રોડ પરથી આવન-જાવન કરનારા ગ્રામવાસીઓ હાલ ભારે હાલાકીનો સામનો કરી હ્યા છે. આ NH-52 હાઇવેને એક માત્ર જોડતો માર્ગ છે, જે તૂટી જતાં ગ્રામજનો સંપર્ક વિહોણા બની ગયા છે.