એરપોર્ટ પર આર્મી ઓફિસર દ્વારા મારામારીના કેસમાં નવો વળાંક, એરલાઈન કર્મચારીઓએ પહેલા હુમલો કર્યો
Spicejet Army Officer Row at Srinagar Airport: શ્રીનગરથી દિલ્હી જતી સ્પાઇસજેટની એક ફ્લાઇટના બોર્ડિંગ ગેટ પર સૈન્યના એક અધિકારી અને સ્પાઇસજેટના કર્મચારીઓ વચ્ચે વિવાદનો વીડિયો વાઈરલ થયો છે. બંને વચ્ચે બોલાચાલી બાદ સૈન્ય અધિકારીએ કાબુ ગુમાવી દીધો હતો અને એરલાઇન્સના કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી. ફ્લાઇટમાં વધારાનો સામાન લઇ જવા મુદ્દે વિવાદ થયો હોવાના અહેવાલો છે. સ્પાઇસજેટના જણાવ્યા મુજબ મારપીટને કારણે તેમના કર્મચારીઓને ગંભીર ઇજા પહોંચી છે.
સૈન્યના એક અધિકારી અને સ્પાઇસજેટના કર્મચારીઓ વચ્ચે વિવાદનો નવો વીડિયો સામે આવ્યો
શ્રીનગર એરપોર્ટ પર સ્પાઇસજેટના ગ્રાઉન્ડ સ્ટાફ અને આર્મી ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ રિતેશ કુમાર સિંહ વચ્ચે વિવાદ થયો હતો. આ ઘટનાનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં એરલાઈનના કર્મચારીઓ આર્મી ઓફિસર પર પહેલા હુમલો કરતો દેખાય છે.
શું છે આખી ઘટના?
આ ઘટના 26 જુલાઈની છે, જ્યારે લેફ્ટનન્ટ કર્નલ રિતેશ કુમાર સિંહ શ્રીનગરથી દિલ્હી જઈ રહ્યા હતા. ત્યારે આ ઘટના બની હતી. તેઓ ગુલમર્ગમાં આર્મીની હાઈ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલમાં ફરજ બજાવે છે. શ્રીનગર એરપોર્ટ પર તેમના અને સ્પાઇસજેટના ગ્રાઉન્ડ સ્ટાફ વચ્ચે સામાનના વજનને લઈને વિવાદ થયો અને ત્યારબાદ મારામારી થઈ હતી.
અગાઉ, એક વીડિયો સામે આવ્યો હતો જેમાં લેફ્ટનન્ટ કર્નલ રિતેશ કુમાર ગ્રાઉન્ડ સ્ટાફને મારતા જોવા મળ્યા હતા. તેમજ સ્પાઇસજેટે આ આરોપ લગાવ્યો હતો કે ઓફિસરે પહેલા એક સ્ટેન્ડથી કર્મચારી પર હુમલો કર્યો અને પછી એક કર્મચારીના જડબા પર લાત મારી. આ ઘટનામાં ઘાયલ કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે સ્પાઇસજેટે લેફ્ટનન્ટ કર્નલ રિતેશને ‘નો-ફ્લાય લિસ્ટ’ માં મૂકવાની પ્રક્રિયા પણ શરૂ કરી.
આ પણ વાંચો: VIDEO: ઉત્તરાખંડના ભયાવહ દ્રશ્યો, પહાડોથી આવેલા કાટમાળમાં અનેક ઘર તણાયા, 4ના મોત, 50 ગુમ
નવા વીડિયોમાં શું દેખાયું?
હવે આ કેસમાં શ્રીનગર એરપોર્ટનની એક નવી સીસીટીવી ફૂટેજ સામે આવી છે. ફૂટેજમાં દેખાય છે કે આર્મી ઓફિસર અને એરલાઇન સ્ટાફ વચ્ચે થોડી બોલચાલ થઈ રહી છે. પછી એક કર્મચારી આર્મી ઓફિસરને થપ્પડ મારે છે. આ દરમિયાન, એક CISF જવાન બંને પક્ષોને શાંત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ઝપાઝપી શરૂ થઈ જાય છે. 3-4 લોકો આર્મી ઓફિસરને મારવાનો પ્રયાસ કરે છે.
આ નવા વીડિયોથી સ્પષ્ટ થાય છે કે મારામારીની શરૂઆત આર્મી ઓફિસર તરફથી નહીં, પરંતુ સ્પાઇસજેટના ગ્રાઉન્ડ સ્ટાફ તરફથી થઈ હતી. એવામાં હવે કેટલાક ભૂતપૂર્વ આર્મી ઓફિસર સોશિયલ મીડિયા પર સ્પાઇસજેટનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે.