ભારતમાં ચોમાસું 5 દિવસ વહેલું શરુ થવાની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ
IMD forecasting early Monsoon: ભારતીય હવામાન વિભાગે(IMD) શનિવારે જણાવ્યું હતું કે, આ વર્ષે ભારતમાં ચોમાસાની શરુઆત 5 દિવસ વહેલા થશે. સામાન્ય રીતે ચોમાસાની શરુઆત 1 જૂનથી થતી હોય છે પરંતુ, આ વર્ષે ચોમાસુંં 27 મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે. IMDના ડેટા અનુસાર 2022માં ભારતમાં વહેલું ચોમાસુંં શરુ થયું હતું. ત્યારે 29 મે એટલે કે 3 દિવસ વહેલા વરસાદ આવ્યો હતો.
27 મેથી કેરળમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરુઆત
સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરુઆત કેરળમાં 1 જૂન સુધીમાં થઈ જાય છે અને 8 જુલાઈ સુધીમાં આખા દેશને આવરી લે છે. તેમજ 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તરપશ્ચિમ ભારતમાંથી અને 15 ઑક્ટોબર સુધીમાં દેશભરમાંથી ચોમાસુંં વિદાય લઈ લે છે.
સામાન્યથી વધુ વરસાદની આગાહી
IMDએ એપ્રિલમાં 2025 ચોમાસા માટે સામાન્યથી વધુ વરસાદની આગાહી કરી હતી અને અલ નીનો સ્થિતિની શક્યતાને નકારી કાઢી હતી. જણાવી દઈએ કે અલ નીનો સ્થિતિના કારણે સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ પડે છે.
ભારતમાં ચોમાસુંં 5 દિવસ વહેલું શરુ થવાની આગાહી
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને કહ્યું હતું કે, 'ભારતમાં ચાર મહિનાના ચોમાસા (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે.' છેલ્લા એક મહિનાથી દેશના મોટા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
તેમજ છેલ્લા પાંચ દિવસમાં ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, ગુજરાત અને પંજાબના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. એવામાં ભારતમાં ચોમાસુંં 5 દિવસ વહેલું શરુ થવાની આગાહી સાચી પડી રહી હોય એવું લાગી રહ્યું છે.