ભારત-પાકિસ્તાન તણાવ: તંત્રની એક અપીલ અને ચંદીગઢમાં 'સિવિલ ડિફેન્સ વૉલન્ટિયર' બનવા યુવાનો ઉમટી પડ્યા
Crowd Gathered For Volunteer In Chandigarh: પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લીધા પછી પાકિસ્તાને ડ્રોન દ્વારા ભારતમાં ઘણાં સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ શરુ કર્યો છે. પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાનના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા અને જવાબી કાર્યવાહી કરતાં પાકિસ્તાનને ઘણું નુકસાન પણ પહોંચાડ્યું છે. આવી સ્થિતિમાં ચંદીગઢના યુવાનો રાષ્ટ્રીય સેવામાં ભાગ લેવા માટે આગળ આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા તેમને સિવિલ ડિફેન્સ વૉલન્ટિયર તરીકે જોડાવા અને તણાવની પરિસ્થિતિઓમાં મદદ કરવા કહ્યું હતું.
યુવાનોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણાં યુવાનો એક ઇમારતની બહાર ઊભા છે. આ યુવાનો સ્વયંસેવક બનવા માટે ત્યાં આવ્યા છે. હકીકતમાં ચંદીગઢ વહીવટીતંત્રે સિવિલ ડિફેન્સ વૉલન્ટિયર માટે અપીલ કરી હતી અને તે એક અપીલ પર, યુવાનોના ટોળેટોળા ત્યાં એકઠા થયા હતા. ઘટનાસ્થળે પહોંચેલા સેંકડો યુવાનોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતા.
ભારતનું ઓપરેશન સિંદૂર
આતંકીઓએ 22મી એપ્રિલે કાશ્મીરના પહલગામ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું અને ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પીઓકેની અંદર નવ સ્થળોએ આતંકી ઠેકાણાઓનો નાશ કર્યો. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું અને ભારત પર હુમલો કરવાનું શરુ કરી દીધું. પરંતુ ભારતે પાકિસ્તાનના આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.