'ભૂલ થઈ જાય', વોટર લિસ્ટમાં જીવિત લોકોને મૃત બતાવવાના દાવા પર ચૂંટણી પંચનો જવાબ
Supreme Court On Bihar SIR: બિહારમાં વોટર લિસ્ટના વિશેષ ગહન પુનિરીક્ષણ (SIR) વિરૂદ્ધ દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી શરૂ કરી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે. બાગચીની બેન્ચે આરજેડી નેતા મનોજ જ્હાં તરફથી હાજર વકીલ કપિલ સિબ્બલની દલીલો સાંભળી હતી. કપિલ સિબ્બલે દાવો કર્યો હતો કે, એક મત વિસ્તારમાં 12 લોકોને મૃત દર્શાવવામાં આવ્યા છે, જે જીવિત છે. જ્યારે અન્ય એક ઘટનામાં એક જીવિત વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યું છે. આ મુદ્દે ચૂંટણી પંચના વકીલ રાકેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની પ્રક્રિયામાં અમુક ખામીઓ સર્જાવવી સ્વાભાવિક છે.
રાકેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, મૃત વ્યક્તિઓને જીવિત અને જીવિતને મૃત દર્શાવવાની ભૂલો દૂર કરી શકાય. કારણકે, આ એક ડ્રાફ્ટ લિસ્ટ છે. બેન્ચે પંચને કહ્યું કે, આ તથ્યો અને આંકડાઓ સાથે તૈયાર રહો, કારણકે, પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ મતદારોની સંખ્યા, પહેલાના મૃતકોની સંખ્યા અને હવેની સંખ્યા તથા અન્ય પ્રાસંગિક વિવરણો પર સવાલ ઉઠશે. ઉલ્લેખનીય છે, ચૂંટણી પંચને બંધારણીય સત્તા ગણાવતા 29 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો બિહારમાં મતદાર યાદીના SIRમાં 'મોટા પાયે મતદારોનું નામ કાઢી નાખવામાં આવશે' તો તે તાત્કાલિક ધોરણે હસ્તક્ષેપ કરશે.
આ પણ વાંચોઃ ટેરિફથી બ્લેકમેલ કરી સોયાબીન વેચવા માંગે છે ટ્રમ્પ! સૌથી મોટા દુશ્મન દેશને આપી ઓફર
કરોડો મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનો વિપક્ષનો દાવો
બિહારમાં ડ્રાફ્ટ મતદાર યાદી 1 ઓગસ્ટના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી અને અંતિમ મતદાર યાદી 30 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત થવાની છે, જ્યારે વિપક્ષનો દાવો છે કે આ પ્રક્રિયા કરોડો પાત્ર નાગરિકોને તેમના મતાધિકારથી વંચિત રાખશે. 10 જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આધાર, વોટર આઈડી કાર્ડ અને રાશન કાર્ડને માન્ય દસ્તાવેજો તરીકે સ્વીકારવા કહ્યું હતું અને ચૂંટણી પંચને બિહારમાં તેની પ્રક્રિયા ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. ચૂંટણી પંચના સોગંદનામામાં SIR ને વાજબી ઠેરવવામાં આવ્યું છે કે તે મતદાર યાદીમાંથી 'અયોગ્ય વ્યક્તિઓને દૂર કરીને' ચૂંટણીની પારદર્શિતામાં વધારો કરે છે.
વિપક્ષના સાંસદો-નેતાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા
આરજેડી સાંસદ જ્હાં અને તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રા ઉપરાંત કોંગ્રેસના કે.સી વેણુગોપાલ, શરદ પવારની એનસીપીમાંથી સુપ્રિયા સુલે, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપી-એસપી)ના ડી. રાજા, સમાજવાદી પાર્ટી (એસપી)ના હરેન્દ્ર સિંહ મલિક, શિવસેના (ઉદ્ધવ જૂથ)ના અરવિંદ સાવંત, ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના સરફરાઝ અહમદ અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી લેનિનવાદી) ના દીપાંકર ભટ્ટાચાર્યએ સંયુક્ત રીતે ચૂંટણી પંચના 24 જૂનના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટ સમક્ષ કરી હતી. તદુપરાંત યોગેન્દ્ર યાદવ જેવા કાર્યકરોએ ચૂંટણી પંચના આદેશ સામે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.