India

હિમાચલ-કાશ્મીરમાં હિમવર્ષા : દિલ્હી-રાજસ્થાનમાં વરસાદ

By GS Team
16 Oct 20262 mins read
TukuTouch Logo
દેશભરમાં હવામાનનો મિજાજ બદલાયો છે. હિમાચલ-કાશ્મીરમાં ભારે બરફવર્ષાથી મનાલી-લેહ હાઈવે સહિત અનેક રસ્તાઓ બંધ થયા છે. દિલ્હીમાં તેજ પવન અને વરસાદથી ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉત્તર પ્રદેશમાં આંધી-વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણના રાજ્યોમાં ચોમાસાની વિદાય પહેલાં હળવા વરસાદની આગાહી છે. અલ નીનોને કારણે ડિસેમ્બરમાં ઠંડી ગાયબ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિમાચલ-કાશ્મીરમાં હિમવર્ષા : દિલ્હી-રાજસ્થાનમાં વરસાદ
  • ભારે બરફવર્ષાના કારણે મનાલી-લેહ સહિતના અનેક હાઈવે બંધ
  • ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટાં સાથે આંધીની શક્યતા દક્ષિણના રાજ્યોમાં ચોમાસાની વિદાય પહેલાં હળવા વરસાદની આગાહી

નવી દિલ્હી : હવામાન વિભાગના કહેવા પ્રમાણે દેશમાંથી દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું વિદાય લઈ રહ્યું છે. વિદાય પહેલાં અમુક રાજ્યોમાં વાતાવરણ પલટાયું હતું. ઉત્તર ભારતના ઘણાં રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તો દક્ષિણના રાજ્યોમાં ચોમાસું જતા પહેલાં હળવા વરસાદી ઝાપટાં કરે તેવી શક્યતા છે.
હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષા થઈ હતી. જમ્મુ-કાશ્મીરમાં તો અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડયો હતો. હિમાચલ પ્રદેશમાં છ કલાકમાં જ ચાર ઈંચ સુધી બરફવર્ષા થઈ હતી. બરફવર્ષના કારણે ઘણાં રસ્તાનો વાહન-વ્યવહાર ખોરવાયો હતો. મનાલી-લેહનો હાઈવે બંધ થઈ ગયો હતો. હિમાચલ પ્રદેશની પહાડીઓમાં બરફની ચાદર પથરાઈ ગઈ હતી. અમુક સ્થળોએ તાપમાનનો પારો માઈનસ ૪ ડિગ્રી પહોંચી ગયો હતો એટલે શીતલહેરનો અનુભવ થયો હતો. એવું જ જમ્મુ-કાશ્મીરમાં પણ બન્યું હતું. જમ્મુ અને તેની આસપાસમાં ભારે વરસાદ થતાં અમુક નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયા હતા. તે ઉપરાંત પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થતાં તાપમાનનો પારો ગગડયો હતો. સોનમર્ગ અને ગુલમર્ગમાં રસ્તાઓ બંધ થઈ ગયા હતા. આખાય વિસ્તારમાં બરફનું લેયર પથરાયું હતું.
પાટનગર દિલ્હીમાં તેજ હવા ફૂંકાઈ હતી. એકાએક વાતાવરણ પલટાયા પછી વરસાદ થતાં ઘણાં વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો હતો. વરસાદ થતાં હવાની ગુણવત્તા સુધરે તેવી શક્યતા છે. હજુ એક દિવસ દિલ્હીમાં ૫૦થી ૬૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. દિલ્હી ઉપરાંત હરિયાણામાં પાણિપત, સિરસા જેવા સ્થળોએ વરસાદ પડયો હતો. રાજસ્થાનમાં ચાર જિલ્લામાં વરસાદ પડયો હતો. રાજસ્થાન, યુપી અને હરિયાણામાં વરસાદ પડતાં દોઢ-બે ઈંચ તાપમાન ઘટયું હતું. યુપીમાં વરસાદી ઝાપટાં સાથે આંધીની શક્યતા હોવાથી એલર્ટ જાહેર કરાયો છે. મધ્યપ્રદેશના ૧૪ જિલ્લામાં ને બિહારના ચાર જિલ્લામાં આગામી ચાર દિવસ સુધી હળવો વરસાદ પડશે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે દેશમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પરંતુ તે પહેલાં દક્ષિણના રાજ્યોમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરલમ્ અને પુડુચેરીમાં આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન વરસાદ પડી શકે છે.

અલ નીનો ઈફેક્ટ : દેશમાંથી ડિસેમ્બરમાં ઠંડી ગાયબ રહેશે

હવામાન એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે પ્રશાંત મહાસાગરમાં ચાલી રહેલો અલ નીનોનો પ્રવાહ આગામી મહિનાઓમાં વધારે મજબૂત બનશે. ડિસેમ્બરમાં અલ નીનો સુપર અલ નીનોમાં ફેરવાય જશે એટલે ભારતમાં તે વખતે ગરમીનો અનુભવ થશે. ડિસેમ્બરમાં ભારતમાં સામાન્ય રીતે શિયાળો જામ્યો હોય છે, પરંતુ આ વર્ષે ડિસેમ્બરમાં ઠંડી સદંતર ગાયબ રહે એવી શક્યતા છે. વૈજ્ઞાનિકો તો એવી પણ ચેતવણી આપી ચૂક્યા છે કે અલ નીનોની અસર છેક માર્ચ સુધી રહેવાની હોવાથી આ વર્ષે દેશમાં શિયાળો નહીંવત જેવો જ અનુભવાશે. ૨૦૧૫-૧૬ના વર્ષમાં અલ નીનોથી જેટલું તાપમાન રહ્યું હતું એનો રેકોર્ડ આ વર્ષે તૂટે એવી શક્યતા છે.