Get The App

બરફની મજા લેવા હિમાચલ ગયેલા પ્રવાસીઓ અટવાયા! 1250 રસ્તા બંધ, કોલ્ડવેવનું ઍલર્ટ

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
બરફની મજા લેવા હિમાચલ ગયેલા પ્રવાસીઓ અટવાયા! 1250 રસ્તા બંધ, કોલ્ડવેવનું ઍલર્ટ 1 - image


Himachal Pradesh Snowfall: હિમાચલ પ્રદેશમાં સોમવારે (26મી જાન્યુઆરી) ભારે હિમવર્ષા અને વરસાદને કારણે રાજ્યભરના 1,250થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. દેશભરમાંથી પ્રવાસીઓ બરફ જોવા માટે શિમલા આવ્યા હતા, પરંતુ હવે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હિમાચલની ખીણોમાં આનંદ માણવા ગયેલા લોકો રસ્તાઓ અવરોધિત થવાને કારણે અટવાઈ ગયા છે. જાહેર બાંધકામ વિભાગ(PWD)ના મંત્રી વિક્રમાદિત્ય સિંહે રસ્તાઓ પુનઃસ્થાપિત કરવા માટે લગભગ 3,500 મશીનો અને JCB તહેનાત કર્યાં છે. લાહુલ અને સ્પીતિના તાબો ગામમાં તાપમાન માયનસ 10.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ઑરેન્જ અને યલો ઍલર્ટની જાહેરાત

હવામાન વિભાગે આજે (27 જાન્યુઆરી) માટે કુલ્લુ, કિન્નૌર, ચંબા અને લાહુલ-સ્પિતિ જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે શિમલા, સોલન અને કાંગડામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે હિમવર્ષા માટે 'યલો ઍલર્ટ' અપાયું છે. 

આ પણ વાંચો: ભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાંખવા આવ્યું અમેરિકા! રશિયાનું નામ લઈને આપી ચેતવણી

વહીવટી તંત્રનું 'મેગા રેસ્ક્યુ' ઓપરેશન

જાહેર બાંધકામ વિભાગ(PWD)ના મંત્રી વિક્રમાદિત્ય સિંહે જણાવ્યું હતું કે, રસ્તાઓ પરથી બરફ હટાવવા માટે રાજ્યભરમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. 3,500 મશીનો અને જેસીબી હાલ કાર્યરત છે. અવરોધિત થયેલા 1,250થી વધુ મુખ્ય રસ્તાઓ ખોલવા માટે સ્નો બ્લોઅર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જરૂર પડ્યે મશીનરીની સંખ્યામાં વધારો કરવાના આદેશ અપાયા છે.

પ્રવાસીઓની હાલાકી: ચા-પાણી માટે પણ તરસ્યા

એક તરફ પ્રવાસીઓ બરફ જોઈને ઉત્સાહિત છે, તો બીજી તરફ લપસણા રસ્તા અને લાંબા ટ્રાફિક જામને કારણે તેમની હાલત કફોડી થઈ છે. પ્રવાસીઓએ જણાવ્યું કે, 'સીઝનનો પહેલો બરફ જોવો આનંદદાયક છે, પરંતુ સવારના સમયે પીવાનું પાણી કે ચા મળવી પણ મુશ્કેલ બની ગઈ છે. રસ્તાઓ બંધ હોવાને કારણે હોટલ અને પરિવહન વ્યવસ્થા ખોરવાઈ છે.'

ખેતી માટે આશીર્વાદ, મુસાફરો માટે જોખમ

સરકારના મતે આ હિમવર્ષા પહાડી વિસ્તારોમાં બગીચાઓ અને આગામી પાક માટે 'વરદાન' સમાન છે, કારણ કે તેનાથી વોટર રિચાર્જિંગમાં મદદ મળશે. જોકે, વહીવટીતંત્રે પ્રવાસીઓને અત્યંત સાવધ રહેવા અને હવામાનની ચેતવણીઓ મુજબ જ મુસાફરીનું આયોજન કરવા કડક સૂચના આપી છે.