Get The App

ભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાંખવા આવ્યું અમેરિકા! રશિયાનું નામ લઈને આપી ચેતવણી

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
India EU FTA


US Threatens Europe Over India Free Trade Deal : ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ( FTA ) થવા જઈ રહ્યું છે. આ ડીલ વિશ્વની અર્થવ્યવસ્થાની નજરે ખૂબ મહત્ત્વની છે. જોકે ભારત અને યુરોપની આ સફળતા જોઈને અમેરિકાની અકળામણ વધી છે. અમેરિકા હવે ખૂલીને યુરોપથી નારાજગી વ્યક્ત કરી રહ્યું છે.

ભારત સાથે ડીલ અંગે અમેરિકાનો યુરોપ પર કટાક્ષ 

અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત અને યુરોપની ટ્રેડ ડીલ અંગે તીખા પ્રહાર કરતાં કહ્યું છે કે, યુરોપના દેશો તેમના વિરુદ્ધ થઈ રહેલા યુદ્ધને જ ફંડ આપી રહ્યા છે. ભારત રશિયાથી ઓઈલ ખરીદે છે તેથી અમે તેના પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે. તેમ છતાં યુરોપના દેશો ભારત સાથે ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહે છે. 

આજે ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલની જાહેરાત કરાશે 

નોંધનીય છે કે યુરોપિયન આયોગના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન પરિષદના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા હાલ ભારતના પ્રવાસે છે. બંને નેતાઓ ગઇકાલે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ચીફ ગેસ્ટ હતા. આજે ભારત અને યુરોપના 16માં શિખર સંમેલનમાં ફ્રી ટ્રેડ ડીલની મોટી જાહેરાત કરાશે. યુરોપ આ ડીલને 'મધર ઓફ ઑલ ડિલ્સ' કહે છે. આ ડીલ બાદ ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાં ધરખમ વધારો થશે. ઓટોમોબાઈલ, વાઈન, સ્પિરિટ્સ સહિતના સેક્ટર્સમાં પણ ડીલ કરાશે. જેમાં ભારતમાં યુરોપિયન વાહનો પર ટેરિફ ઘટાડવામાં આવી શકે છે. જ્યારે યુરોપ ભારતીય ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ, જ્વેલરી, ફૂટવિયર સહિતની વસ્તુઓ પર ટેરિફમાં રાહત આપશે. 

ભારત અને યુરોપ બંનેને ફાયદો 

ભારતના આગ્રહ પર કૃષિ અને ડેરી પ્રોડક્ટ્સને આ ડીલમાં સામેલ કરવામાં આવ્યા નથી. આ સિવાય ભારત અને યુરોપ વચ્ચે ડિફેન્સ અંગે પણ મહત્ત્વની ડીલ થઈ શકે છે. જેમાં સાયબર સિક્યુરિટી, આતંકવાદ વિરુદ્ધ લડત, સમુદ્રી સુરક્ષા સામેલ છે. 

આ સિવાય ભારત અને યુરોપ વચ્ચે મોબિલિટી એગ્રીમેન્ટની પણ આજે જાહેરાત કરાઇ શકે છે. જેમાં વિદ્યાર્થીઓ, રિસર્ચર્સ, વર્કર્સ સરળતાથી યુરોપના દેશોમાં જઈ શકશે. ભારત અને યુરોપ વચ્ચે સપ્લાય ચેઈન મજબૂત કરવા અંગે પણ સમજૂતી કરાશે જેથી ચીન અને અમેરિકા પરથી નિર્ભરતા ઘટાડી શકાય.