કર્ણાટક કોંગ્રેસમાં ઘમસાણ: રાહુલ ગાંધી સામે સવાલ ઉઠાવનારા મંત્રીનું રાજીનામું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Karnataka Minister K Rajanna Resignation: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના અંગત નેતાઓ પૈકી એક અને રાજ્યના સહકારિતા મંત્રી કે. રાજન્નાને રાજીનામું આપવા આદેશ આપવામાં આવ્યો છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની મત ચોરીના આરોપો પર સવાલ ઉઠાવવા બદલ મંત્રીને ભારે કિંમત ચૂકવવી પડી છે. તેમના રાજીનામાની રાજકારણમાં ચર્ચા થઈ રહી છે. રાજીનામું આપતાં પહેલા મંત્રી રાજન્નાએ વિધાનસભામાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુલાકાત પણ લીધી હતી. વિધાનસભા સેશન દરમિયાન ભાજપે આ મામલો ઉઠાવ્યો હતો. તેમજ રાજીનામા પર સવાલ પણ ઉઠાવ્યા હતા.
કોંગ્રેસ પર સવાલો કરવા ભારે પડ્યા
ભાજપે વિધાનસભામાં પૂછ્યું હતું કે, અચાનક મંત્રી પાસેથી રાજીનામું કેમ લેવામાં આવ્યું, સરકારે આ અંગે માહિતી આપવી પડશે. બીજી તરફ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, રાજન્નાને મત ચોરીના આરોપોમાં સવાલો પૂછવા ભારે પડ્યા છે. રાહુલ ગાંધીએ ગત સપ્તાહે કર્ણાટકનું ઉદાહરણ આપતાં આરોપ મૂક્યો હતો કે, એક લાખ મતની ચોરી થઈ છે. તેના પર સવાલ ઉઠાવતાં રાજન્નાએ કહ્યું હતું કે, જો કર્ણાટકમાં મતની ચોરી થઈ છે, તો તેની જવાબદારી આપણી સરકારે પણ લેવી જોઈએ. કર્ણાટકમાં વોટર લિસ્ટ રિવિઝન કોંગ્રેસ સરકારના સમયમાં થયું હતું. એવામાં કોંગ્રેસ સરકારની પણ જવાબદારી હતી કે, તે મતદાર યાદીને તૈયાર કરવાની પ્રક્રિયા પર નજર રાખે. જો ત્યારે સવાલ ઉઠાવવામાં આવ્યો હોત તો આ સમસ્યા ન સર્જાત.
કોંગ્રેસની પણ હતી જવાબદારી...
કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના જ મંત્રી દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીના આક્ષેપો સામે સવાલો ઉઠાવવામાં આવતાં રાજકારણ ગરમાયું છે. તેમજ રાજન્નાને પદ પરથી જ દૂર થવા મજબૂર કર્યા. રાજન્નાએ કહ્યું હતું કે, કર્ણાટકમાં વોટર લિસ્ટમાં સંશોધન આપણી સરકારના સમયે થયું હતું. ત્યારે આપણા પક્ષે પણ આંખે પાટા બાંધી લીધા હતા. મતદારની યાદીમાં ગેરરીતિઓ થઈ છે, પરંતુ ચિંતાનો વિષય એ છે કે ,આ બધું આપણી સામે થયું. આ મામલે કોંગ્રેસ સમય સૂચકતા સાથે જવાબદારી નિભાવી શકી નહીં.
છેલ્લા બે મહિનાથી ચર્ચામાં છે રાજન્ના
કે. રાજન્ના છેલ્લા બે મહિનાથી ચર્ચામાં હતા. તે સિદ્ધારમૈયાના નજીકના નેતાઓ પૈકી એક છે. તેઓ છેલ્લા બે મહિનાથી સતત કહી રહ્યા હતા કે, ઑગસ્ટમાં ક્રાંતિ થવાની છે અને સરકારમાં મોટા ફેરફારો થશે. તેનાથી લોકોએ તારણ કાઢ્યું હતું કે, રાજ્ય સરકારમાં મોટા ફેરફારો હાથ ધરાશે. પરંતુ કોઈને અંદાજ ન હતો, રાજન્ના પાસેથી જ રાજીનામું લેવામાં આવશે.









