Explainer: E20 પેટ્રોલનો અસલી ફાયદો કોને? ના ખેડૂતો માલામાલ થયા, ના પેટ્રોલના ભાવ ઘટ્યા, જાણો નફો ગયો ક્યાં
E20 Petrol Explained: પેટ્રોલમાં ઇથેનોલ ભેળવીને રચાયેલા E20 ઇંધણ બાબતે કેન્દ્ર સરકાર જાતભાતના વાજા વગાડી રહી છે, પણ હકીકત એ છે કે એનો ફાયદો વાહનમાલિકો કે ખેડૂતોને નથી થઈ રહ્યો. ના તો ઇથેનોલ માટે જરૂરી ખેતપેદાશ ઉગાડનારા ખેડૂતો માલામાલ થયા છે કે ના તો વાહન માલિકોને સસ્તું પેટ્રોલ મળ્યું છે. સરકારે E20ના ભાવમાં એક પૈસાનો પણ ઘટાડો ન કરતાં લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. વધારામાં જૂના મોડલની કારમાં એન્જિન પર થતી પ્રતિકૂળ અસર અને ઘટતાં માઇલેજની સીધી અસર વાહનોની રિસેલ વેલ્યુ પર થવાની ચિંતા ઊભી થઈ છે.
E20 બાબતે શું કહે છે સરકાર?
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સરકારની આ નવી ‘ઇથેનોલ મિશ્રણ યોજના’ના મજબૂત સમર્થક છે. તેઓ કહે છે કે, ‘આ નીતિ દેશ માટે લાભદાયક છે, એનાથી તેલની આયાતમાં ઘટાડો થશે, દેશનું અબજોનું હૂંડિયામણ બચશે અને ખેડૂતોને કરોડો રૂપિયાની આવક થશે.’
E20થી સરકારને ફાયદો જ ફાયદો, પણ બાકીનાનું શું?
E20ની શરુઆત પછી પણ પેટ્રોલના ભાવ ઘટ્યા નથી, જેને લીધે સરકારને તો જંગી આવક થઈ રહી છે, પણ બાકીનાને શું લાભ થયો? આ વાત ચાર સવાલના જવાબથી સમજીએ.
1) ખેડૂતોની આવક વધી?
E20ની વકીલાત કરતી સરકાર ગાઈ-વગાડીને કહે છે કે, E20ને લીધે ખેડૂતોને કરોડો રૂપિયાની આવક થશે. હકીકત એ છે કે ઇથેનોલ નીતિથી ધનિક બન્યા એવા ખેડૂતોના ઉદાહરણો દેશમાં ક્યાંય જોવા મળતા નથી. સરકાર કહે છે કે, 2021થી 2024 દરમિયાન ખેડૂતોને EBP (ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ) પ્રોગ્રામથી રૂ. 57,552 કરોડની આવક થઈ છે. વર્ષ 2014થી 2024 દરમિયાન કુલ વધારાનો લાભ રૂ. 1,04,419 કરોડ રહ્યો છે. પરંતુ આ આંકડા ફક્ત હાથીના દેખાડવાના દાંત જેવા લાગે છે, કેમ કે એનો ફાયદો ખેડૂતોને મળ્યો નથી. તો ફાયદો કોને મળ્યો?
2) વાહનોના એન્જિનને નુકસાન થઈ રહ્યું છે?
નાગરિકોમાં ચર્ચા છે કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વાપરવાથી વાહનના એન્જિનને નુકસાન થાય છે. નિષ્ણાતો જણાવે છે કે ઇથેનોલના કારણે વાહનના એન્જિન, ફ્યુઅલ પાઇપ્સ અને રબર સીલને નુકસાન થવાનું જોખમ છે. પરંતુ પેટ્રોલિયમ મંત્રાલય કહે છે કે, આ અફવા છે. ખેર, 2023 પહેલાં ખરીદાયેલી કાર E20 પેટ્રોલ સાથે સંપૂર્ણ રીતે સુસંગત ન હોવાથી તેનો જાળવણી ખર્ચ વધી શકે છે.
3) ઇંધણ ખર્ચ વધશે કે ઘટશે?
પેટ્રોલિયમ મંત્રાલયે કબૂલ્યું છે કે, E20થી વાહનનું માઇલેજ થોડું ઘટે છે. થોડું એટલે કેટલું? E20નું ઊર્જા પ્રમાણ પેટ્રોલ કરતાં લગભગ 30% ઓછું હોવાથી માઇલેજમાં 1%થી 6% સુધીનો ઘટાડો થઈ શકે છે. એટલે કે, લિટરે 15 કિલોમીટર ચાલતી કાર ઇથેનોલને લીધે હવે 14થી 14.5 કિલોમીટર સુધી જ જશે. પરિણામે ઇંધણ ખર્ચ વધશે, જેનો સીધો બોજ વાહન માલિકો પર પડશે.
4) વાહનની રિસેલ વેલ્યુ ઘટે છે?
દેશની અડધાથી વધુ વાહનો 2023 પહેલાં બનેલા છે. જો E20ને લીધે એમની માઇલેજ ઘટશે, એન્જિનને નુકસાન થશે તો પછી એવા વાહનોની રિસેલ વેલ્યુ ખાસ્સી ઘટી જશે. આવા વાહનોના માલિકોએ તેમના વાહન ભંગારના ભાવે જ વેચી દેવા પડશે.
આ કારણસર ભારત સરકારની ઇથેનોલ મિશ્રિત પેટ્રોલની નીતિને મુદ્દે દેશભરના વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે.
મોટો ફાયદો ખેડૂતોને નહીં, મિલ માલિકોને થયો!
ઇથેનોલ બનાવવા માટે કાચા માલ તરીકે મકાઈ અને શેરડીનો ઉપયોગ કરાય છે. મકાઈનું ઉત્પાદન કરનાર ખેડૂતોને તો ફાયદો થઈ રહ્યાના સમાચાર મળ્યા છે. જેમ કે, ઇથેનોલની માંગને કારણે બિહારમાં મકાઈના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 1,600-1,700 વધીને રૂ. 2,300-2,400 થઈ ગયા છે, પરંતુ શેરડીના ખેડૂતોને તેનો લાભ મળ્યો નથી કારણ કે, તેનો મોટાભાગનો વેપાર કરાર આધારિત હોય છે. ખેડૂતો જે શેરડી ઉગાડે એ સુગર મિલોને આપી દે છે અને એ મિલો એમાંથી ઇથેનોલ બનાવીને કરોડો કમાઈ રહી છે. ઇથેનોલના વેચાણથી વસૂલાત ઝડપી થઈ છે, જેનાથી ખેડૂતોને તેમના નાણાં અગાઉની સરખામણીમાં થોડા વહેલા મળી જાય છે, એટલું જ. બાકી ખેડૂતો ધનિક થઈ જવાની વાત કોરી કલ્પનાથી વિશેષ કશું નથી. ખાંડ મિલોને મળતાં લાભનો એક નિશ્ચિત હિસ્સો ખેડૂતો સુધી પહોંચે એ માટે સરકાર ખેડૂતોના નામે એક અલગ ઇથેનોલ ફંડ બનાવવાનું ન્યાયી પગલું ભરે, એવો મત પણ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
સરકાર પેટ્રોલના ભાવ ઘટાડીને રાહત આપી શકે એમ છે, પણ…
ઇથેનોલની પડતર કિંમત લિટરે રૂ. 65.60 બેસે છે, જ્યારે પેટ્રોલ 95-100 રૂપિયે લિટર વેચાય છે. સરકારે E20 ફ્યુલ વેચવાનું શરુ કર્યું હોવા છતાં એનો ભાવ તો જૂના પેટ્રોલ જેટલો જ છે, એમાં કોઈ ઘટાડો કરાયો નથી, જેને લીધે લોકોમાં ગુસ્સો છે. સરકાર E20નો ભાવ ઘટાડીને જનતાને થોડી રાહત આપે તો પણ વાહનની માઇલેજથી લઈને એન્જિનને નુકસાન થવા જેવા મુદ્દે જનતાના મનનું સમાધાન થઈ શકે એમ છે. છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ક્રૂડ ઓઇલના ભાવ ઘટી ગયા છે, છતાં સરકાર ભાવઘટાડો ન કરીને જનતાને પડ્યા પર પાટુનો અહેસાસ કરાવી રહી છે.