Get The App

'મને એક રોડ ઉધાર આપશો...' જાણો કોંગ્રેસના મુખ્યમંત્રીએ અઝીમ પ્રેમજીને પત્ર લખી કેમ કરી આવી માગ

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
'મને એક રોડ ઉધાર આપશો...' જાણો કોંગ્રેસના મુખ્યમંત્રીએ અઝીમ પ્રેમજીને પત્ર લખી કેમ કરી આવી માગ 1 - image


Karnataka CM Request To Azim Premji: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વિપ્રોના ફાઉન્ડર અઝીમ પ્રેમજીને રોડ ઉધાર આપવા અપીલ કરી છે. તેમણે ઉદ્યોગપતિને વિનંતી કરી છે કે તેઓ આઉટર રિંગ રોડ પર ટ્રાફિક ભીડ ઘટાડવાના પ્રયાસરૂપે બેંગલુરુમાં કંપનીના પરિસરમાં મર્યાદિત વાહનોની અવરજવરને મંજૂરી આપે.

બેંગલુરુનો ટ્રાફિક ઘટાડવા કવાયત

સિદ્ધારમૈયાએ 19 સપ્ટેમ્બરના રોજ પત્રમાં જણાવ્યું હતું કે, 'ટ્રાફિક અને શહેરના પરિવહન નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા પ્રારંભિક મૂલ્યાંકન સૂચવે છે કે આ પ્રકારના પગલાં ORRની આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને પીક ઓફિસ અવર્સ દરમિયાન લગભગ 30 ટકા સુધી ભીડ ઘટાડી શકે છે. 

વાહનોના ટ્રાફિકમાં વધારો થવાની અસરને ધ્યાનમાં લેતાં સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, 'પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક શહેરની પ્રોડક્ટિવિટી અને જીવનની ગુણવત્તા પર પ્રતિકૂળ અસર કરે છે. આ પહેલ ટ્રાફિક ભીડ ઘટાડવા, મુસાફરોના અનુભવમાં સુધારો કરવા અને વધુ કાર્યક્ષમતા સાથે બેંગલુરુની જીવનશૈલીમાં ફાળો આપવા મદદરૂપ બનશે. કંપનીને સરકારી અધિકારીઓ સાથે મળીને શક્ય તેટલી વહેલી તકે સમજૂતી કરવા અને યોજના ઘડવા વિનંતી છે.

ઉબડ-ખાબડ રસ્તા અને ટ્રાફિક જામની સમસ્યા

શહેરના આઇટી હબ માટે મહત્વપૂર્ણ કોરિડોર, આઉટર રિંગ રોડ પર ટ્રાફિક જામ અંગે મુસાફરો અને નાગરિક સમાજ જૂથો દ્વારા વારંવાર ચિંતા વ્યક્ત કર્યા બાદ આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. તાજેતરમાં, લોજિસ્ટિક્સ ટેકનોલોજી કંપની બ્લેકબકના કો-ફાઉન્ડરે જાહેરાત કરી હતી કે તેઓ રસ્તાઓની નબળી સ્થિતિને કારણે તેમની બેલંદુર સ્થિત ઓફિસ ખાલી કરશે. બ્લેકબકના સીઈઓ રાજેશ યાબાજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, આઉટર રિંગ રોડ તેના 'ખાડા અને ધૂળવાળા રસ્તા માટે જાણીતો છે, અને તેને સુધારવાની કોઈ વાસ્તવિક ઇચ્છા જોવા મળી રહી નથી.' ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી પરિસ્થિતિમાં સુધારો થવાની કોઈ આશા નથી.

'મને એક રોડ ઉધાર આપશો...' જાણો કોંગ્રેસના મુખ્યમંત્રીએ અઝીમ પ્રેમજીને પત્ર લખી કેમ કરી આવી માગ 2 - image

આ પણ વાંચોઃ જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ તે લેન્ડિંગ ગિયરમાં છુપાઈ 13 વર્ષનું બાળક દિલ્હી કેવી રીતે પહોંચ્યું?

સરકારના સંચાલનની ટીકા

બ્લેકબકના કો-ફાઉન્ડરની આ પોસ્ટથી કર્ણાટક સરકાર દ્વારા નાગરિક સમસ્યાઓના સંચાલન અંગે વ્યાપક ચર્ચા અને ટીકા થઈ રહી છે. કેન્દ્રીય મંત્રી અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ વહીવટીતંત્ર પર બિનકાર્યક્ષમતા અને ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો. તેમણે બેંગલુરુને 'ખાડાઓનું શહેર' ગણાવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે, ઉદ્યોગો વિશ્વાસ ગુમાવી રહ્યા છે અને પડોશી રાજ્યોમાં શિફ્ટ થઈ રહ્યા છે. સરકારે વિકાસની અવગણના કરીને કન્નડીઓના ગૌરવનું અપમાન કર્યું છે.

સિદ્ધારમૈયા સરકાર પર પ્રેશર

આ ટિપ્પણી બાદ, શહેરના સૌથી વ્યસ્ત રસ્તાઓ પર ટ્રાફિક જામ અંગેની ચિંતાઓને દૂર કરવા માટે રાજ્ય સરકાર પર દબાણ વધ્યું છે. પોતાના રેકોર્ડનો બચાવ કરતા, નાયબ મુખ્યમંત્રી અને બેંગલુરુ વિકાસ મંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે અમે કોન્ટ્રાક્ટરોને ખાડા ભરવા માટે નવેમ્બરની સમયમર્યાદા આપી છે. શહેરમાં રસ્તાના સમારકામ અને બાંધકામ માટે રૂ. 1,100 કરોડ ફાળવવામાં આવ્યા છે. અમારું લક્ષ્ય સ્વચ્છ બેંગલુરુ અને સરળ ટ્રાફિક છે, તેથી GBA ખાતરી કરશે કે શક્ય તેટલી વહેલી તકે ખાડા દૂર કરવામાં આવે.'

Tags :