જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ તે લેન્ડિંગ ગિયરમાં છુપાઈ 13 વર્ષનું બાળક દિલ્હી કેવી રીતે પહોંચ્યું?
Afghanistan Boy Landed In Delhi Airport: કલ્પના કરો કે, જમીનથી 40 હજાર ફૂટની ઊંચાઈ, માઈનસ 50 ડિગ્રી તાપમાન, ઓક્સિજનનો અભાવ અને મોટા એન્જિનનો કાન ફાડી નાખે એવો અવાજ.આવી જગ્યા પર માણસનું જીવતું રહેવું લગભગ અશક્ય છે. પરંતુ આવી જગ્યા પર બેસીને અફઘાનિસ્તાનનો એક 13 વર્ષનો બાળક કાબુલથી દિલ્હી પહોંચ્યો.
ફ્લાઈટના લેન્ડિંગ ગિયરમાં છુપાઈને આ બાળકે એટલી ખતરનાક મુસાફરી કરી કે ગ્રાઉન્ડ સ્ટાફથી લઈને CISF સુધીના તમામ લોકો હેરાન રહી ગયા.
21 સપ્ટેમ્બર 2025, કાબુલ ઈન્ટરનેશલ એરપોર્ટ
સવારના 7:30 વાગ્યા હતા. કામ એરલાઈન્સની ફ્લાઇટ નંબર RQ 4401 કાબુલથી દિલ્હી જવા માટે તૈયાર હતી. વિમાનમાં મુસાફરો અને ક્રૂ સહિત આશરે 200 લોકો સવાર હતા. કાબુલથી દિલ્હી સુધીની 694 માઈલની મુસાફરીમાં લગભગ બે કલાકનો સમય લાગવાનો હતો. આ દરમિયાન વિમાને 35,000 થી 40,000 ફૂટની ઊંચાઈએ પહોંચવાનું હતું અને 700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરવાની હતી. કાબુલ અને ભારતના સમય ઝોન વચ્ચે એક કલાકનો તફાવત છે. સમય ઝોનની દ્રષ્ટિએ ભારત કાબુલથી એક કલાક આગળ છે.
કાબુલના લોકલ સમય પ્રમાણે વિમાને સવારે 7:56 વાગ્યે ઉડાન ભરી હતી. એટલે કે, તે સમયે ભારતમાં સવારે 8:56 વાગ્યા હતા. ટેકઓફ કર્યા પછી વિમાન તેના નિર્ધારિત રૂટ અને સમયપત્રકને અનુસરીને દિલ્હી તરફ આગળ વધ્યું. કારણ કે આ કાબુલથી દિલ્હીની ડાયરેક્ટ ફ્લાઇટ હતી, તેથી વિમાન લગભગ 40,000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું. હવામાન સ્વચ્છ હતું, અને દિલ્હી એરપોર્ટ પર કોઈ ભીડ પણ નહોતી. તેથી, નિર્ધારિત સમય કરતા 30 મિનિટ પહેલા જ કામ લાઈસન્સનું આ વિમાન દિલ્હીના લોકલ ટાઈમ સવારે 10:20 વાગ્યે ટર્મિનલ 3 પર લેન્ડ કરે છે. આનો અર્થ એ કે વિમાને કાબુલથી દિલ્હીની સફર માત્ર 1 કલાક અને 24 મિનિટમાં પૂર્ણ કરી લીધી.
દિલ્હીમાં લેન્ડ થયુ હતું વિમાન
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન લેન્ડ કર્યા બાદ હવે નિર્ધારિત ટેક્સીવે પર અટકે છે. થોડીવાર પછી બધા મુસાફરો એક પછી એક ઉતરવાના હતા. અત્યાર સુધીમાં એરલાઈનનો ગ્રાઉન્ડ સ્ટાફ પણ વિમાનની નજીક પહોંચી ગયો હતો. ત્યારે ગ્રાઉન્ડ સ્ટાફની નજર એક એવી વસ્તુ પર પડે છે કે, તેઓ જોઈને દંગ રહી જાય છે. ગ્રાઉન્ડ પર વિમાનના પૈડા પાસે એક બાળક ઊભો હતો. તેણે કાળો કોટ અને ખાખી રંગનો કુર્તા પાયજામા પહેરેલો હતો. વિમાનનો દરવાજો ખુલે અને મુસાફરો ઉતરે તે પહેલાં, વિમાનની નજીક આ બાળકને જોઈને ગ્રાઉન્ડ સ્ટાફ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેને પૂછ્યું કે તું કોણ છે અને તે અહીં શું કરી રહ્યો છે?
ત્યારબાદ આ બાળક જે સ્ટોરી કહે છે તે સાંભળીને ગ્રાઉન્ડ સ્ટાફને વિશ્વાસ જ નથી થતો. આ બાળક જણાવે છે કે, હું આ જ વિમાન દ્વારા કાબુલથી અહીં પહોંચ્યો છું પરંતુ વિમાનમાં બેસીને નહીં. પરંતુ વિમાનના લેન્ડિંગ ગિયરમાં બેસીને. આ સાંભળીને ગ્રાઉન્ડ સ્ટાફ તરત જ CISF ને જાણ કરે છે. CISFની એક ટીમ ઘટનાસ્થળે પહોંચે છે. પહેલા, તેઓ બાળક ઠીક છે કે નહીં તે તપાસે છે. પછી, તેઓ તરત જ તેને પોતાની સાથે લઈ જાય છે.
એરપોર્ટ પર ડૉક્ટર પહેલા બાળકની તપાસ કરે છે. બાળક ઠીક હતો. ત્યારબાદ CISF તેની પૂછપરછ શરૂ કરે છે. પછી બાળક કાબુલથી દિલ્હી સુધીની તેની સફરની સ્ટોરી જણાવે છે, જેને સાંભળીને CISF પોતે પણ હેરાન રહી જાય છે કે, આ બાળક હજુ પણ કેવી રીતે જીવિત છે? આ બાળકની આખી સ્ટોરી આ પ્રમાણે છે.
કુન્દુઝ શહેરનો રહેવાસી છે આ બાળક
13 વર્ષની ઉંમરનો આ બાળક અફઘાનિસ્તાનના કુન્દુઝ શહેરનો રહેવાસી છે. કુન્દુઝથી તે કાબુલ પહોંચે છે. ત્યારબાદ તે ટિકિટ, પાસપોર્ટ કે વિઝા વિના કાબુલ એરપોર્ટમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ તે કોઈપણ અવરોધ વિના રનવે પર પહોંચે છે. આ બાળકને ઈરાન જવું હતું. તેણે ઈરાનની રાજધાની તેહરાન વિશે માહિતી એકઠી કરી રાખી હતી. કાબુલ એરપોર્ટ પર આવવાનો તેનો હેતુ તેહરાન જતા વિમાનમાં બેસવાનો હતો.
પરંતુ યોગાનુયોગ રવિવારે સવારે જ્યારે તે એરપોર્ટ પર પહોંચ્યો અને પછી રનવે પર પહોંચ્યો ત્યારે કામ એરલાઈન્સની ફ્લાઈટ નંબર RQ 4401 દિલ્હી જવા માટે રનવે પર ઊભી હતી. મુસાફરો વિમાન તરફ જઈ રહ્યા હતા. તે પણ તે મુસાફરો સાથે વિમાન સુધી પહોંચ્યો. તે જાણતો હતો કે ટિકિટ, પાસપોર્ટ કે વિઝા વિના તે વિમાનમાં ચઢી શકશે નહીં. તેથી, તેણે વિમાનમાં બેસવા માટે એક નવી યુક્તિ શોધી કાઢી.
કારણ કે, વિમાન હજુ પણ એરપોર્ટ ટેક્સી વે પર ઊભુ હતું, તેથી તેના બધા પૈડા ખુલ્લા હતા. વિમાનના પૈડા ઉપર, એક ખાલી બોક્સ જેવી જગ્યા હોય છે, જેને સામાન્ય રીતે લેન્ડિંગ ગિયર તરીકે ઓળખવામાં આવે છે. બધાની નજરથી બચીને તે વિમાનના પાછળના પૈડા એટલે કે, લેન્ડિંગ ગિયરમાં નાની ખાલી જગ્યામાં બેસી જાય છે. લેન્ડિંગ ગિયરમાં બેઠેલા આ બાળકને કોઈ જોઈ શકતું નથી. બાળક પાસે એક નાના લાલ સ્પીકર સિવાય કોઈ સામાન નહોતો. તે લેન્ડિંગ ગિયરમાં એવું જ વિચારીને બેઠો હતો કે આ વિમાન તેને ઈરાન લઈ જશે. થોડી વાર પછી વિમાન ટેક ઓફ કરે છે, અને તેના બધા પૈડા બંધ થઈ જાય છે, એટલે કે લેન્ડિંગ ગિયરમાં પહોંચે છે. આ જ લેન્ડિંગ ગિયર્સમાંથી એકના ખૂણામાં લપસી ગયો હતો.બાળક છુપાઈને બેઠો હતો.
હેરાન કરનારી સ્ટોરી
લગભગ દોઢ કલાકની આ મુસાફરીમાં વિમાન 40 હજાર ફૂટની ઊંચાઈ પર પહોંચ્યું. આ ઊંચાઈ પર તાપમાન સામાન્ય રીતે માઈનસ 50 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આ સાથે જ 10 હજાર ફૂટ પછી ઓક્સિજન પણ ખતમ થઈ જાય છે. સામાન્ય રીતે ઓક્સિજન વિના આ ઊંચાઈ પર જીવતા રહેવાની શક્યતા ખૂબ ઓછી હોય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને વ્યક્તિનું મૃત્યુ થઈ છે. જ્યારે માઈનસ 50 ડિગ્રી તાપમાનમાં ઠંડીના કારણે લોહી તો જામી જ જાય છે પરંતુ ઘણી વાર શરીર ફાટી જાય છે. આ ઉપરાંત એન્જિનનો અવાજ કાનનો પડદો ફાડી નાખે છે. તેમ છતાં આ બાળક લગભગ 90 મિનિટની મુસાફરી માઈનસ 50 ડિગ્રી તાપમાનમાં ઓક્સિજન વિના કાબુલથી દિલ્હી સુધીની મુસાફરી જીવતો રહીને પૂરી કરે છે. આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું.
કારણ કે, આ બાળકની ઉંમર 13 વર્ષ હતી. અને તેની જુબાનીની ચકાસણી કર્યા પછી CISF અને ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) ને ખાતરી થઈ ગઈ કે બાળક ભૂલથી દિલ્હી જતી ફ્લાઇટમાં ચઢી ગયો હતો. તે તેહરાન જવાનો હતો. બાળકની નાની ઉંમર, અફઘાન ઓથોરિટી અને કુન્દુઝમાં તેના પરિવાર સાથે વાત કર્યા બાદ CISF અને ભારતીય એજન્સીએ તેની સામે કેસ દાખલ ન કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ તે જ કામ એરલાઈન્સની કાબુલની રિટર્ન ફ્લાઈટમાં બેસાડી દીધો, પરંતુ આ વખતે વિમાનમાં. આ કામ એરલાઈન્સની ફ્લાઇટ દિલ્હીથી કાબુલ માટે સાંજે 4 વાગ્યે રવાના થાય છે અને બાળક સાંજ સુધીમાં કાબુલ પાછું પહોંચે છે.
યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના ડેટા પ્રમાણે 1947થી 2021 દરમિયાન વિશ્વભરમાં કુલ 132 લોકોએ લેન્ડિંગ ગિયરમાં મુસાફરી કરી હતી. આમાંથી 77 ટકા લોકો દમ ઘૂંટવાથી અથવા લોહી જામી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા.
31 વર્ષ પહેલાં બિલકુલ આવી જ રીતે બે યુવાન ભારતીયોએ લેન્ડિંગ ગિયરમાં મુસાફરી કરી હતી. પંજાબના રહેવાસી આ બે ભાઈઓ પ્રદીપ સૈની અને વિજય સૈની હતા. 1996માં પ્રદીપ અને વિજય આ જ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી બ્રિટિશ એરવેઝના બોઈંગ 747ના લેન્ડિંગ ગિયરમાં ચઢ્યા હતા. આ બંનેને લંડન જવું હતું. જોકે, આ મુસાફરી 10 કલાકથી પણ વધુ સમયની હતી. ત્યારે પણ વિમાન 40 હજાર ફૂટની ઊંચાઈએ ઉડ્યુ હતું.
તે સમયે પણ આ બંનેએ માઈનસ 50 ડિગ્રી તાપમાનમાં મુસાફરી પૂરી કરી હતી. જોકે, લંડનના હીથ્રો એરપોર્ટ પર આ બે ભાઈઓમાંથી માત્ર એક જ ભાઈ જીવતો પહોંચ્યો હતો. જ્યારે વિજયનું મૃત્યુ થઈ ગયુ હતું. પ્રદીપને બાદમાં બ્રિટિશ કોર્ટે બ્રિટિશ નાગરિકતા આપી દીધી હતી. પ્રદીપ આજે પણ પોતાના પરિવાર સાથે લંડનમાં રહે છે. વિજય સૈનીનું મૃત્યુ ઓક્સિજનના અભાવ અને ઠંડીને કારણે લોહી ગંઠાઈ જવાને કારણે થયું હતું.