'પૈસાવાળા માટે તમે ભગવાનને આરામ પણ નથી કરવા દેતા', શ્રી બાંકે બિહારી મંદિરમાં દર્શનના સમય મામલે CJI

Shri Banke Bihari Temple Darshan Timings Case: ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં યમુના નદીના કિનારે આવેલા વૃંદાવનના શ્રી બાંકે બિહારી મંદિરમાં VIP દર્શન-પૂજા પર સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ત્યારે સુપ્રીમ કોર્ટે મંદિરોમાં પૈસા આપીને કરાતી વિશેષ પૂજાઓને લઈને નારાજગી વ્યક્ત કરી છે. સોમવાર (15 ડિસેમ્બર) સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'દેવતાને આરામ નથી કરવા દેવામાં આવતો. જ્યારે સામાન્ય શ્રદ્ધાળુ દર્શન નથી કરી શકતા, તે સમયે મોટી ફી આપનારા લોકો માટે વિશેષ પૂજાનું આયોજન થાય છે. દર્શન કરવાનો હાલનો સમય ભગવાનનું શોષણ કરવા જેવો છે. 'સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને તેના અધિકારીઓને નોટિસ પાઠવી છે.
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચૌલીની બેન્ચે આ ટિપ્પણી બાંકે બિહારીજી મંદિરમાં દર્શન અને પૂજા પદ્ધતિઓમાં ફેરફારને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન કરી હતી. જેમાં કોર્ટ દ્વારા નિયુક્ત હાઇ પાવર્ડ કમિટીના નિર્દેશને પડકારવામાં આવ્યો હતો, જેણે સામાન્ય ભક્તો માટે દર્શનનો સમય વધારવાની વિનંતી કરી હતી. જોકે, સુનાવણીના અંતે કોર્ટે હાઇ પાવર્ડ કમિટીને નોટિસ જારી કરી હતી. આ સાથે અરજી પર અધિકારીઓ પાસેથી આ અંગે જવાબ પણ માગવામાં આવ્યો છે. આ કેસની વધુ સુનાવણી જાન્યુઆરીમાં થશે.
સરકારનો તેના પર કોઈ અધિકાર નહીં: મંદિરના સેવા અધિકારી
આ અરજી શ્રી બાંકે બિહારીજી મંદિર ટ્રસ્ટ અધ્યાદેશ, 2025ને પડકારે છે. મંદિરના સેવા અધિકારી જણાવે છે કે મંદિરનું સંચાલન 1939માં ઘડવામાં આવેલી એક ખાસ યોજના હેઠળ કરવામાં આવ્યું છે અને સરકારનો તેના પર કોઈ અધિકાર નથી.
લાઇવ લૉના અહેવાલ મુજબ, અરજદારના વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને જણાવ્યું હતું કે દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે, જે મંદિરની ધાર્મિક વિધિઓનો અભિન્ન ભાગ છે. જે સમયે મંદિર જનતા માટે ખુલ્લું રહે છે, તે એક લાંબી પરંપરાનો ભાગ છે. ઐતિહાસિક રીતે કડક સમયનું પાલન કરવામાં આવી રહ્યું છે. CJI સૂર્યકાંતે પૂછ્યું કે જો દર્શનનો સમય વધારવામાં આવે તો શું સમસ્યા છે. અરજદારે દલીલ કરી હતી કે દર્શનનો સમય બદલવાનો અર્થ મંદિરની અંદરની ધાર્મિક વિધિઓમાં પણ ફેરફાર થશે, જેમાં દેવતાઓનો આરામ કરવાનો સમય પણ સામેલ છે.
આ પણ વાંચો: ભાજપના પૂર્વ સાંસદ અને રામમંદિર આંદોલનથી જાણીતા રામવિલાસ વેદાંતીનું હાર્ટ એટેક આવતા નિધન
CJIની આકરી ટિપ્પણી
CJI સૂર્યકાંતે કહ્યું, 'મંદિર બપોરે 12 વાગ્યે બંધ થયા પછી તેઓ દેવતાને એક મિનિટ પણ આરામ કરવા દેતા નથી. તે સમય દરમિયાન તેમને સૌથી વધુ હેરાન કરવામાં આવે છે, અને શ્રીમંત લોકો માટે સ્પેશિયલ પૂજા કરવામાં આવે છે, જેના માટે તેઓ ખૂબ ફી લે છે. આ સમય દરમિયાન, જે લોકો મોટી રકમ ચૂકવી શકે છે તેમને આમંત્રણ આપવામાં આવે છે, અને તેમના માટે ખાસ પૂજાનું આયોજન કરવામાં આવે છે.'
ઍડ્વૉકેટ શ્યામ દિવાને CJI ને કહ્યું કે, 'તેમની ચિંતાઓ બરાબર છે, પરંતુ તે એક અલગ મુદ્દો છે. CJI એ કહ્યું, 'બીજી વાત એ છે કે દૈનિક પૂજાની પ્રથા બંધ કરવી... માની લો કે મૂળ સમય કરતાં 10,000-15,000 ભક્તોનો ઘટાડો થયો છે, પરંતુ તેનાથી શું ફરક પડશે?'
ઍડ્વૉકેટ શ્યામ દિવાને કહ્યું, 'અમે ભાગદોડ જેવી પરિસ્થિતિ ઇચ્છતા નથી. ભક્તોની સંખ્યાને નિયંત્રિત કરવાની જરૂર છે. આ માત્ર ટાઇમિંગનો મુદ્દો નથી, પરંતુ તે પરંપરા સાથે જોડાયેલો મુદ્દો છે. હવે CJIનું આ નિવેદન બાદ સ્પેશિયલની મંજૂરી ન આપવામાં આવે. તેઓ એવા લોકોને બોલાવે છે જે મોટી રકમ આપી શકે છે અને ખાસ પૂજા પડદો લગાવીને કરવામાં આવે છે.'
તેમણે બીજો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, 'સપ્ટેમ્બર 2025માં જાહેર કરાયેલી કાર્યાલય નોટિફિકેશન બાદ જે ફેરફાર કરાયા છે. તેનાથી દેહરી પૂજા ખોરવાઈ ગઈ છે. દેહરી પૂજા દેવતાના ચરણોમાં એક ખાસ સ્થાન પર કરવામાં આવે છે, પરંતુ તે હવે બંધ કરી દેવામાં આવી છે. તેમણે સૂચન કર્યું કે દેહરી પૂજા, જે ગુરુ અને શિષ્ય વચ્ચેની વિધિ છે, તેને બંધ ન કરવી જોઈએ.' સુપ્રીમ કોર્ટે કહ્યું, 'અમે મંદિર મેનેજમેન્ટને પક્ષકાર તરીકે સામેલ કરીએ છીએ. મથુરાના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઉચ્ચ સ્તરીય સમિતિ અને ઉત્તરપ્રદેશ સરકારને નોટિસ મોકલવામાં આવે.'
આ પણ વાંચો: 'ધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે...', દિલ્હી 'ગેસ ચેમ્બર' બનતાં CJI ભડક્યા

