For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

BJPના નવા સંસદીય બોર્ડમાંથી શિવરાજ સિંહ-ગડકરી બાકાત, ફડણવીસ ચૂંટણી સમિતિમાં

Updated: Aug 17th, 2022

Article Content Image

- બીએસ યેદિયુરપ્પા, સુધા યાદવ, ઈકબાલ સિંહ લાલપુરા, સર્બાનંદ સોનોવાલ, કે. લક્ષ્ણને નવા સદસ્ય તરીકે સંસદીય બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું

નવી દિલ્હી, તા. 17 ઓગષ્ટ 2022, બુધવાર

ભાજપના સંસદીય બોર્ડમાં ભારે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના સંસદીય બોર્ડની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી તથા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને સંસદીય બોર્ડમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. સાથે જ આ બંને મંત્રીઓને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યા છે. 

બોર્ડમાંથી ગડકરી અને શિવરાજસિંહ ચૌહાણને દૂર કરવામાં આવ્યા છે જ્યારે બીએસ યેદિયુરપ્પા, સુધા યાદવ, ઈકબાલ સિંહ લાલપુરા, સર્બાનંદ સોનોવાલ, કે. લક્ષ્ણને નવા સદસ્ય તરીકે સંસદીય બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

ચૂંટણી સમિતિમાંથી પણ દૂર કરાયા

પાર્ટીના પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરીને પાર્ટીની સૌથી શક્તિશાળી બોડીમાંથી બહારનો રસ્તો દેખાડી દેવાયો છે. સાથે જ ભાજપની ચૂંટણી સમિતિમાંથી પણ દૂર કરવામાં આવ્યા છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાંથી શિવરાજ સિંહ ચૌહાણ, ગડકરી તથા શાહનવાજ હુસૈનને દૂર કરવામાં આવ્યા છે. જ્યારે ભાજપના પ્રમુખ જેપી નડ્ડા તે સમિતિના અધ્યક્ષ ગણાશે. 

ચૂંટણી સમિતિમાં ફડણવીસને સ્થાન

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવસીને ભાજપના બીજા નંબરના સૌથી શક્તિશાળી બોડીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ બોડીમાં રાજસ્થાનના નેતા ઓમ માથુર તથા વન મંત્રી ભૂપેન્દ્ર યાદવને પણ સામેલ કરવામાં આવ્યા છે. ફડણવીસે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

આ બંને નવી યાદીઓનું રાજકીય સ્તરે ખૂબ જ મહત્વ જણાઈ રહ્યું છે. ભાજપે તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં શિવસેનાની ટીમ શિંદે સાથે મળીને સરકાર રચી છે. આ સરકારમાં એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યમંત્રી તરીકે સંતોષ માનવો પડ્યો છે. ફડણવીસ અગાઉ મુખ્યમંત્રી રહી ચુક્યા છે અને તેઓ નાયબ મુખ્યમંત્રી બનવા પણ નહોતા ઈચ્છતા. ત્યાર બાદ અચાનક જ કેન્દ્રીય નેતૃત્વના આદેશ પર તેમણે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારે હવે મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી દિગ્ગજ ચહેરા નિતિન ગડકરીને સંસદીય બોર્ડ તથા ચૂંટણી સમિતિમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે અને દેવેન્દ્ર ફડણવીસનું કદ વધારાયું છે. 

બીજી બાજુ ભાજપે કર્ણાટકના સમીકરણને સાધવાનો પણ પ્રયત્ન કર્યો છે. ભાજપે થોડા સમય પહેલા જ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન કર્યું હતું અને વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા મુખ્યમંત્રીની પસંદગીમાં પોતાની કોઈ વાત નહોતા મનાવી શક્યા. ત્યારે હવે ભાજપે તેમને કેન્દ્રના રાજકારણમાં લાવીને 2023ની વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણને સાધવા કવાયત હાથ ધરી છે. 

શાહનવાજ હુસૈનને ડબલ શોક

શાહનવાજ હુસૈન એક સમયે ભાજપના કેન્દ્રના રાજકારણનો હિસ્સો ગણાતા હતા અને 2020માં ભાજપે જ્યારે બિહારમાં જેડીયુ સાથે મળીને સરકાર રચી તો શાહનવાજ હુસૈનને દિલ્હીથી પટના મોકલી દેવામાં આવ્યા હતા અને તેઓ કેબિનેટમાં મંત્રી બન્યા હતા. જેડીયુએ હવે ભાજપ સાથે છેડો ફાડીને આરજેડી સાથે મળી સરકાર રચી એટલે ભાજપના મંત્રીઓએ પણ પોતાની ખુરશી ગુમાવવી પડી છે. ત્યારે શાહનવાજ હુસૈને હવે મંત્રી પદની ખુરશી ગુમાવ્યા બાદ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાંથી પણ બહાર થવું પડ્યું છે. 


Gujarat