Ajit Pawar Plane Crash News: બારામતી પ્લેન દુર્ઘટનામાં અજિત પવારનું નિધન થતાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત અનેક નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે. ત્યારે પરિવાર તરફથી દિગ્ગજ નેતા અને અજિત પવારના કાકા શરદ પવારનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અજિત પવારના અવસાનથી પવાર પરિવાર ખૂબ જ દુ:ખી છે, આ વિમાનનું ક્રેશ થવું એ સંપૂર્ણ રીતે દુર્ઘટના જ છે તેમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ ન કરવું જોઈએ, મહારાષ્ટ્રએ આજે એક એવું નેતૃત્વ ગુમાવ્યું છે જેની કિંમત ક્યારે ચૂકવી શકાશે નહીં. અજિત પવારનું જવું ન માત્ર પરિવાર કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માટે પણ મહારાષ્ટ્ર માટે ન પુરાય તેવી ખોટ છે.
આ ઘટનાની તપાસ થવી જોઈએઃ મમતા બેનર્જી
અજિત પવારના નિધન અંગે પ્રતિક્રિયા આપતાં પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, હું આ સમાચાર સાંભળીને જ સ્તબ્ધ થઈ ગઈ. તેમના પરિવાર અને તેમના કાકા શરદ પવાર, અજિત પવારના ચાહકો સાથે મારી સહાનુભૂતિ છે. આ ઘટનાની તપાસ થવી જોઈએ. આ દેશમાં કોઈ સુરક્ષિત નથી, રાજકીય નેતાઓ પણ નહીં. મને જાણવા મળ્યું છે કે એક નેતાએ હાલમાં જ કહ્યું હતું કે અજિત પવાર ભાજપ સાથે છેડો ફાડવાના હતા. આ મામલે હવે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં સઘન તપાસ થવી જોઈએ.
ઓમર અબ્દુલ્લાહના પણ મમતા બેનર્જી જેવા સૂર
મમતા બેનર્જીની જેમ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે પણ આ પ્લેન ક્રેશને એક દુર્ઘટના માનવાનો ઇન્કાર કરતાં મામલાની હાઇ લેવલે ન્યાયિક તપાસની માગણી કરી છે. તેમણે કહ્યું કે આ ઘટનાની પારદર્શક રીતે તપાસ થવી જોઈએ.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની ન્યાયિક તપાસની માંગ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે પણ અજિત પવારના નિધનના ઓચિંતા અહેવાલોથી નિઃશબ્દ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મને ઊંડો આઘાત લાગ્યો છે. આપણે એક મજબૂત નેતા ગુમાવ્યા છે. તેમના નિધન પર હું શું કહું તે સમજાતું નથી. તેમના પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે. જો કે, આ ઘટનાની સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ન્યાયિક તપાસ થવી જોઈએ.
કેવી રીતે દુર્ઘટના સર્જાઈ?
અજિત પવાર પોતાના ચાર્ટર પ્લેન દ્વારા મુંબઈથી બારામતી આવી રહ્યા હતા. સવારે 8.45 વાગ્યે બારામતી ઍરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું. લેન્ડિંગ સમયે વિમાન સંતુલન ખોઈ બેઠું અને જોરદાર ધડાકા સાથે અથડાયું હતું, જેના કારણે વિમાનમાં આગ લાગી ગઈ હતી અને તે સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં બે પાયલટ, એક પીએસઓ અને એક અટેન્ડન્ટનો સમાવેશ થાય છે.
ઉડ્ડયન મંત્રીએ શું કહ્યું?
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ દુર્ઘટના અંગે માહિતી આપતાં કહ્યું કે પ્રાથમિક તપાસ મુજબ સવારે 8:48 કલાકે લેન્ડિંગ સમયે વિઝિબિલિટી ઓછી હતી, DGCA અને AAIBની તપાસ ટીમ કારણ શોધી રહી છે. લેન્ડિંગ પહેલા ATC બારામતી સાથે થયેલા સંપર્કમાં પાયલટે કહ્યું હતું કે રનવે દેખાઈ રહ્યો નથી. રનવે સાફ ન દેખાતા વિમાન હવામાં ચક્કર ખાઈ રહ્યું હતું. બીજી વખત લેન્ડિંગનો પ્રયાસ કરાયો, ત્યારે પણ વિઝિબિલિટી ન હતી. જે બાદ પાયલટે ફરી લેન્ડિંગનો પ્રયાસ કર્યો, પહેલા પાયલટની તરફથી ATCના સવાલનો જવાબ મળ્યો નહીં, પણ થોડા સમય બાદ રનવે સાફ દેખાઈ રહ્યો છે તેવી વાત થઈ હતી. જે બાદ ATCએ લેન્ડિંગ માટે સંમતિ આપી હતી. બાદમાં અચાનક કોઈ સમસ્યા ઉદ્ભવી હતી વિમાન ક્રેશ થઈ ગયું, સમગ્ર ઘટનાક્રમની ઊંડી તપાસ ચાલી રહી છે.
5 લોકોએ જીવ ગુમાવ્યા
આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કૅપ્ટન સુમિત કપૂર (પાયલટ-ઇન-કમાન્ડ), કૅપ્ટન શામ્ભવી પાઠક (ફર્સ્ટ ઑફિસર), વિદીપ જાધવ (પર્સનલ સિક્યુરિટી ઑફિસર) અને પિંકી માલી (ફ્લાઇટ એટેન્ડન્ટ) એમ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે.


