Himalayas Snow Drought: ભારતના ઈશાન ખૂણે આવેલી સરહદોનો પહેરેદાર એવો હિમાલય 'બરફના દુકાળ'નો સામનો કરી રહ્યો છે, એમ કોઈ કહે તો માન્યામાં ન આવે. પણ, વાત સાચી છે. હિમાચ્છાદિત પર્વતમાળામાં શિયાળા દરમિયાન બરફવર્ષામાં ભારે ઘટાડો થતાં આ સ્થિતિ ઊભી થઈ છે. ઘટાડો એ હદે થયો છે કે ઘણા પર્વતો બરફ વગરના ખડકાળ અને ઉઘાડા દેખાય છે. છેલ્લા પાંચ વર્ષોમાં હિમપાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે ભવિષ્યમાં મોટા જળસંકટ તરફ ઈશારો કરે છે.
શા માટે બરફવર્ષા ઘટી ગઈ છે?
1980થી 2020 વચ્ચે સરેરાશ જેટલી હિમવર્ષા થતી હતી, એની તુલનામાં છેલ્લા પાંચ વર્ષમાં શિયાળામાં બરફવર્ષામાં ભારે ઘટાડો થયો છે, જેનું મુખ્ય કારણ છે જળવાયુ પરિવર્તન(ક્લાઈમેટ ચેન્જ). પૃથ્વીના તાપમાનમાં વધારો થવાને કારણે હવામાન-ચક્રમાં ફેરફાર થઈ રહ્યો છે. શિયાળામાં હિમાલય પર બરફ લાવનારા પશ્ચિમી વિક્ષેપો(Westerly Disturbances) નબળા પડી રહ્યા છે અથવા તો તેમની દિશા બદલાઈ રહી છે. પરિણામે, જે ભેજ અને ઠંડી હવા પહેલાં બરફના રૂપમાં પડતી, તે હવે ખૂબ જ ઓછી પડે છે.
બરફને બદલે વરસાદ પડે છે!
જે કંઈ બરફ પડે છે તે પણ વધેલા તાપમાનને કારણે ઝડપથી પીગળી જાય છે. જેને લીધે પર્વતો પર લાંબા સમય સુધી બરફનો થર જમા થઈ શકતો નથી. કેટલાક વિસ્તારોમાં તો હવે બરફને બદલે વરસાદ વધુ પડે છે.
જળસંકટથી દાવાનળઃ ઘટાડા અસરો અનેક
ઓછી બરફવર્ષાની હિમાલયની સુંદરતા તો ઝંખવાય છે જ, પણ એ ઉપરાંત પણ તે સમગ્ર પર્યાવરણ અને કરોડો લોકોના જીવન પર નકારાત્મક અસર કરે છે.
1. પાણીનું સંકટ
ગંગા, યમુના, સિંધુ અને બ્રહ્મપુત્ર જેવી હિમાલયની ઘણીબધી મોટી નદીઓનો મુખ્ય સ્રોત શિયાળામાં પડેલો અને વસંત-ઉનાળામાં ધીમે ધીમે પીગળતો બરફ છે. હવે બરફનું પ્રમાણ જ ઘટી ગયું હોવાથી નદીઓમાં આવતું પાણીનું પ્રમાણ ઘટશે, જેને લીધે પીવાના પાણી, ખેતીની સિંચાઈ અને જળવિદ્યુત ઉત્પાદન પર સંકટ આવી શકે છે. જળસંકટને લીધે આશરે 2 અબજ લોકો પ્રભાવિત થવાનો અંદાજ છે. અસર ફક્ત ઉત્તર ભારત પૂરતી ન રહેતાં પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ સુધી થવાની છે. હિમાલયમાંથી નીકળતી મોટી નદીઓની ઉપનદીઓ પણ સૂકાઈ જતાં મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારત પણ પ્રભાવિત થશે.
2. સૂકી ધરતી અને દાવાનળનું જોખમ
ઓછા બરફને લીધે હિમાલયની ધરતીમાં ભેજનું પ્રમાણ ઘટી જાય છે અને ધરતીનું ઉપલું સ્તર સુકાઈ જાય છે. સૂકી ધરતી પર આગ સરળતાથી ફરી વળતી હોવાથી જંગલોમાં ભયંકર 'દાવાનળ'(આગ) લાગવાની શક્યતા વધી જાય છે.
3. પર્વતો અસ્થિર બને
બરફ પર્વતો માટે ગુંદર અથવા સિમેન્ટ જેવું કામ કરે છે. પર્વતો ખડકો, પથ્થરો, કાંકરા અને માટીના બનેલા હોય છે. આ બધી સામગ્રી એકબીજા પર ઢગલો થઈને પર્વતનું સ્વરૂપ લે છે. શિયાળામાં પડતો બરફ પર્વતની સપાટી પર જમા થઈને એક સખત પડ બનાવે છે, જે પર્વતની ઉપરની સામગ્રીને દબાણથી જકડી રાખે છે. ખડકોની વચ્ચે જામેલો બરફ ખડકોને પરસ્પર જકડી રાખે છે. હવે આ બરફ જ પીગળી જતો હોવાથી ખડકો અને પથ્થરો 'જકડાયેલા' રહેતા નથી અને પોતાના જ વજનથી ગબડી પડે છે. મોટી માત્રામાં આવું ભૂસ્ખલન થતાં જાનમાલનું ગંભીર નુકસાન થાય છે.
4. પૂરની આપત્તિ
પૂરતા બરફને અભાવે હિમનદીઓ ફાટી પડે છે અને પૂરની આપત્તિ સર્જે છે.
કેટલો ગંભીર છે ઘટાડો?
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ વર્ષે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોમાં જાન્યુઆરી-માર્ચમાં સામાન્ય કરતાં 86% વરસાદ/બરફવર્ષા ઓછી થવાની સંભાવના છે. નેપાળમાં પણ છેલ્લા પાંચ શિયાળામાં ખૂબ જ શુષ્ક રહ્યા છે.
25%નો ઘટાડો
અભ્યાસ દર્શાવે છે કે હિમાલયમાં 1980થી 2020 દરમિયાન વરસાદ અને બરફના પ્રમાણમાં સારો એવો ઘટાડો નોંધાયો છે. છેલ્લા પાંચ વર્ષોમાં તો 40 વર્ષના સરેરાશ કરતાં 25% જેટલો ઘટાડો થયો છે.
'સ્નો પરસિસ્ટન્સ' ઘટી
'સ્નો પરસિસ્ટન્સ' એટલે બરફનું ટકાઉપણું, એટલે કે પડેલો બરફ પર્વત પર કેટલા સમય સુધી ટકી રહે છે અને પીગળ્યા વિના રહે છે તેનું માપ. 2024-25ના શિયાળામાં હિમાલય પર પડેલો બરફ સામાન્ય(ઐતિહાસિક સરેરાશ) સ્થિતિ કરતાં 24% ઓછો સમય જ ટક્યો, એટલે કે સામાન્ય કરતાં ખૂબ વહેલો પીગળી ગયો. આ વર્ષની 'સ્નો પરસિસ્ટન્સ'નો આંકડો છેલ્લા 23 વર્ષ(2002 થી)માં સૌથી ઓછો રેકોર્ડ કરાયો છે, જે દર્શાવે છે કે હવે હિમાલય પર બરફ ઓછો તો પડે જ છે, પણ જે પડે છે એ પણ ખૂબ જલ્દી પીગળી જાય છે.



