Get The App

‘દક્ષિણમાં છોકરીઓ શિક્ષિત, ઉત્તરમાં બાળકો પેદા કરવા...’ દયાનિધિ મારને છંછેડ્યો વિવાદનો મધપૂડો

Updated: Jan 14th, 2026

GS TEAM

Google News
Google News
‘દક્ષિણમાં છોકરીઓ શિક્ષિત, ઉત્તરમાં બાળકો પેદા કરવા...’ દયાનિધિ મારને છંછેડ્યો વિવાદનો મધપૂડો 1 - image


IANS


Dayanidhi Maran Controversial Statement : દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના સાંસદ દયાનિધિ મારને ઉત્તર અને દક્ષિણ ભારતના શિક્ષણ મોડલની તુલના કરતું એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેના કારણે દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેમણે દાવો કર્યો છે કે જે રાજ્યો માત્ર હિન્દી શિક્ષણને પ્રોત્સાહન આપે છે ત્યાં બેરોજગારી અને પલાયન જેવી સમસ્યાઓ વધી રહી છે, જ્યારે તમિલનાડુનું દ્રવિડ મોડલ છોકરા-છોકરી બંનેને સમાન શિક્ષણ પૂરું પાડે છે.

વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણતા રોકાતા હોવાનો દાવો 

અહીંની કાયદે-ઈ-મિલ્લત સરકારી કોલેજના એક કાર્યક્રમને સંબોધતા દયાનિધિ મારને એ રાજ્યોની આકરી ટીકા કરી જે વિદ્યાર્થીઓને માત્ર હિન્દી ભણવા માટે પ્રોત્સાહિત કરે છે અને અંગ્રેજી શિક્ષણને ગૌણ માને છે. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક રાજ્યોમાં વિદ્યાર્થીઓને ભણતા રોકવામાં આવી રહ્યા છે અને તેમને માત્ર હિન્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ‘વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે અંગ્રેજી ન ભણો અને જો ભણશો તો બરબાદ થઈ જશો. તમને ગુલામ બનાવીને રાખવામાં આવશે.’ 

આ દરમિયાન મારને ઉત્તર ભારતીય રાજ્યોમાંથી દક્ષિણ તરફ લોકોના પલાયન માટે આવી શૈક્ષણિક પદ્ધતિઓને જવાબદાર ગણાવી. તેમણે તર્ક આપ્યો કે તમિલનાડુએ શિક્ષણ પર ભાર મૂક્યો હોવાથી જ તેનો આર્થિક વિકાસ શક્ય બન્યો છે.

શિક્ષણમાં દ્રવિડ મોડલના કર્યા વખાણ 

દયાનિધિ મારને કહ્યું કે, ‘આજે, તમામ ટોચની વૈશ્વિક કંપનીઓ શિક્ષિત લોકોના કારણે જ તમિલનાડુ આવી રહી છે.’ 

મારને દાવો કર્યો કે શિક્ષણને માત્ર હિન્દી સુધી મર્યાદિત રાખવાથી અન્ય વિસ્તારોમાં બેરોજગારી વધે છે, જ્યારે તમિલનાડુનું દ્રવિડ મોડલ છોકરા-છોકરીઓ બંને માટે શિક્ષણની સમાન પહોંચને પ્રોત્સાહન આપે છે. આના કારણે રાજ્યમાં સાક્ષરતા દર અને મહિલાઓની વર્કફોર્સમાં ભાગીદારી વધી છે. 

તેઓ આટલેથી અટક્યા ન હતા. તેમણે દાવો કર્યો કે, ઉત્તર ભારતના રાજ્યોમાં છોકરીઓને નોકરી કરવા પ્રોત્સાહિત નથી કરાતી. તેમને કહેવાય છે કે, ઘરમાં રહો અને ઘરકામ કરો. રસોડામાં કામ કરો અને ઘરે રહીને બાળકો પેદા કરો, પરંતુ આપણે આપણી છોકરીઓને ભણવાનું કહીએ છીએ. 

ભાજપની ઉગ્ર પ્રતિક્રિયા, માફીની માંગ 

ડીએમકે સાંસદના આ નિવેદન પર ભાજપે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતા તિરુપતિ નારાયણને કહ્યું, ‘મને નથી લાગતું કે દયાનિધિ મારનમાં કોઈ કોમન સેન્સ છે. હું તેમના નિવેદનોની સખત નિંદા કરું છું, અને તેમણે ભારતના લોકો, ખાસ કરીને હિન્દી બોલનારા, જેમને તેમણે અભણ અને અસંસ્કારી કહ્યા છે, તેમની માફી માંગવી જોઈએ.’

DMKએ કર્યો દયાનિધિ મારનનો બચાવ 

બીજી તરફ, ડીએમકે નેતા ટી.કે.એસ. એલંગોવને મારનનો બચાવ કરતા કહ્યું, ‘ઉત્તરમાં મહિલાઓ માટે લડનારું કોઈ નથી. તમિલનાડુમાં DMK એ શરૂઆતથી જ મહિલાઓને શિક્ષણ, રોજગાર અને સરકારી નોકરીઓમાં અનામત આપીને તેમના અધિકારો માટે કામ કર્યું છે.’