Get The App

એક જ દિવસમાં એર ઈન્ડિયાની સાત ફ્લાઈટ રદ : પ્રવાસીઓ રઝળ્યા

Updated: Jun 18th, 2025

GS TEAM

Google News
Google News
એક જ દિવસમાં એર ઈન્ડિયાની સાત ફ્લાઈટ રદ : પ્રવાસીઓ રઝળ્યા 1 - image


- અમદાવાદમાં પ્લેન ક્રેશ પછી વિમાનોની સુરક્ષા તપાસ સઘન બનાવાઈ

- એર ઈન્ડિયાની રદ સાતમાંથી છ ફ્લાઈટ બોઈંગ 788 ડ્રીમલાઈનર  માત્ર એક ફ્લાઈટ વિમાન ઉપલબ્ધ નહીં હોવાથી કેન્સલ કરાઈ

- ટાટા ગ્રૂપે એર ઈન્ડિયા ખરીદ્યાના સાડા ત્રણ વર્ષમાં પહેલી વાર એરલાઈન આટલી મોટી મુશ્કેલીમાં

- પેરિસમાં ચાર્લ્સ ડી ગાલે એરપોર્ટ પર  નિયંત્રણોથી દિલ્હી-પેરિસ ફ્લાઈટ રદ કરાયાનો પણ દાવો

નવી દિલ્હી : અમદાવાદમાં ૧૨ જૂને એર ઈન્ડિયાના વિમાન અકસ્માતમાં ૨૭૮થી વધુ લોકોનાં મોત થયા હતા. આ દુર્ઘટનાના પગલે ટાટા ગ્રૂપે સાડા ત્રણ વર્ષ પહેલાં ખરીદેલી એરલાઈન્સ એર ઈન્ડિયા સૌથી મોટી મુશ્કેલીમાં મુકાઈ છે. એર ઈન્ડિયાએ મંગળવારે ટેકનિકલ કારણોસર લંડન અને પેરિસ જતી ફ્લાઈટ્સ સાથે એક જ દિવસમાં સાત ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી હતી. આ સાતમાંથી છ વિમાન બોઈંગ ૭૮૮ ડ્રીમલારીનર હતા, જેને ગયા સપ્તાહે અમદાવાદમાં અકસ્માત નડયો હતો. અમદાવાદના વિમાન અકસ્માત પછી લોકો હવાઈ પ્રવાસ કરતા ડરી રહ્યા છે ત્યારે એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં ટેકનિકલ ખામીએ લોકોની ચિંતા વધારી છે. 

એર ઈન્ડિયાએ મંગળવારે  દિલ્હીથી પેરિસ જતી, લંડનથી અમૃતસર આવતી તથા બેંગ્લુરુથી લંડન જતી ફ્લાઈટ્સ રદ કરી દીધી હતી. આ તમામ ફ્લાઈટ્સ ટેકનિકલ ખામીના કારણે રદ કરાઈ હતી. અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ પર જતી ફ્લાઈટ્સ એઆઈ-૧૫૯ કોઈ વિમાન ઉપલબ્ધ નહીં હોવાના કારણે રદ કરાઈ હતી. જોકે, એરલાઈને આ સંદર્ભમાં કોઈ વિશેષ માહિતી આપી નહોતી. 

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં ૧૨ જૂને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સના અકસ્માત પછી એરલાઈને તેની બધી જ ફ્લાઈટ્સની સુરક્ષા તપાસ વધુ આકરી કરી હોવાથી મંગળવારે ફ્લાઇટ્સ રદ કરવાની ફરડ પડી રહી છે. સોમવારે પણ એર ઈન્ડિયાની હોંગકોંગથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટ્સમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેથી હોંગકોંગથી રવાના થયાના થોડાક જ સમયમાં ફ્લાઈટને હોંગકોંગ એરપોર્ટ પરત લઈ જવાઈ હતી. અમદાવાદમાં ગયા ગુરુવારે એઆઈ-૧૭૧ વિમાન અકસ્માતગ્રસ્ત થયા પછી તેના સ્થાને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ એઆઈ-૧૫૯ મંગળવારે બપોરે સમાન સમયે ૧.૧૦ કલાકે અમદાવાદથી રવાના થવાની હતી. અમદાવાદમાં વિમાન અકસ્માત પછી એર ઈન્ડિયાએ એઆઈ-૧૭૧ ફ્લાઈટ બંધ કરી દીધી હતી, તેનું નામ બદલીને એઆઈ-૧૫૯ કરી દેવાયું હતું.

દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પેરિસના ચાર્લ્સ ડી ગૉલ એરપોર્ટ માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ મંગળવારે રદ કરાઈ હતી, કારણ કે ઉડ્ડયન પહેલાંની તપાસમાં વિમાનમાં કેટલીક ખામી હોવાનું જણાયું હતું. જોકે, એર ઈન્ડિયાએ કહ્યું હતું કે, પેરિસ ચાર્લ્સ ડી ગાલે એરપોર્ટ પર રાત્રી કામગિરી પર નિયંત્રણો મૂકાયા હોવાથી ફ્લાઈટ રદ કરવી પડી છે તેમ એર ઈન્ડિયાએ જણાવ્યું હતું. 

એર ઈન્ડિયાએ કહ્યું કે, કંપની પ્રવાસીઓને હોટેલમાં રોકાણની, ટિકિટ કેન્સલ કરાવવામાં આવે તો પૂર્ણ રીફન્ડ અથવા કોમ્પ્લીમેન્ટરી રીશેડયુલિંગના વિકલ્પ આપી રહી છે. કંપની બધા જ સ્થળો માટે પ્રવાસીઓને તેમના પ્રવાસ માટે વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી રહી છે. 

પ્રવાસીઓને પડી રહેલી મુશ્કેલીઓ બદલ અમે માફી માગીએ છીએ અને તેમના જવા માટેની વ્યવસ્થા કરી રહ્યા છીએ. ઈઝરાયેલ સાથે યુદ્ધના પગલે ઈરાને તેની એરસ્પેસ બંધ કરી દીધી હોવાથી યુરોપ જતી ફ્લાઈટ્સ પર અસર પડી રહી છે.  એરલાઈન ટેકનિકલ ખામી દૂર કરવા પર કામ કરી રહી છે. એ જ રીતે સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટ એઆઈ-૧૮૦ને કોલકાતા સ્ટોપઓવર અપાયું હતું. કોલકાતા એરપોર્ટ પર સોમવારે મોડી રાતે ૧૨.૪૫ કલાકે નિયત સમયે સલામત ઉતરાણ કર્યું હતું અને તેણે રાતે ૨.૦૦ કલાકે મુંબઈ માટે રવાના થવાનું હતું. પરંતુ કોલકાતા એરપોર્ટ પર નિયમિત ચેકિંગમાં વિમાનમાં ટેકનિકલ ખામી હોવાનું જણાયું હતું, જેના કારણે પ્રવાસીઓને મંગળવારે વહેલી સવારે ૫.૨૦ કલાકે વિમાનમાંથી ઉતારી દેવાયા હતા. જોકે, આ પહેલાં પ્રવાસીઓએ લગભગ ૪થી ૫ કલાક  સુધી એરપોર્ટ પર વિમાનમાં ગોંધાઈ રહેવું પડયું હતું. 

એર ઈન્ડિયા સામાન્ય રીતે સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈની સીધી ફ્લાઈટ ચલાવે છે. પરંતુ મધ્ય-પૂર્વમાં ઈઝરાયેલનું ઈરાન સહિતના દેશો સાથેના યુદ્ધ તેમજ પાકિસ્તાને તેની એરસ્પેસ બંધ કરી હોવાથી એર ઈન્ડિયાની ફ્લાઈટે તેનો રૂટ બદલીને કોલકાતામાં 'ટેકનિકલ વિરામ' લેવાની ફરજ પડી હતી.

એર ઈન્ડિયાના ઓપરેશનમાં થઈ રહેલી ટેકનિકલ ખામીઓથી પ્રવાસીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં વિમાન અકસ્માત પછી એર ઈન્ડિયાના બધા જ વિમાનોની ડીજીસીએની માર્ગદર્શિકા મુજબ સઘન તપાસ થઈ રહી છે. સરકારે પણ એર ઈન્ડિયાના બધા જ બોઈંગ ડ્રીમલાઈનર વિમાનોના ૬ અલગ અલગ સ્ટેજ પર સુરક્ષા તપાસના આદેશ આપ્યા છે. અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન અકસ્માતથી વૈભવી કારથી મીઠું અને સોફ્ટવેર તેમજ આઈફોનની એસેમ્બલી કરતા ટાટા જૂથની પ્રતિષ્ઠા ખરડાઈ છે.

એર ઈન્ડિયાના બોઈંગ 787ને DGCAની ક્લિનચીટ

નવી દિલ્હી :  ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રની નિયામક ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને મંગળવારે જણાવ્યું કે, એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ કાફલામાં સુરક્ષા સંબંધિત કોઈ મોટી ખામી જણાઈ નથી. એર ઈન્ડિયાના વિમાનો અને તેને સંલગ્ન મેઈન્ટેનન્સ સિસ્ટમ વર્તમાન સુરક્ષા માપદંડોને અનુરૂપ હોવાનું તપાસમાં જણાયું છે.

અમદાવાદમાં બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈનર વિમાન તૂટી પડયા પછી ડીજીસીએએ એર ઈન્ડિયાના ૭૮૭ કાફલાના બધા જ વિમાનોની સુરક્ષા તપાસનો આદેશ આપ્યો હતો.

ફ્લાઈટ હજ પ્રવાસીઓને લઈ જેદ્દાહથી જકાર્તા જતી હતી

સાઉદી એરલાઈન્સના બોઈંગ 777ને બોમ્બની ધમકી મળતા મેડન ડાયવર્ટ

- સાઉદી વિમાનના ઈમર્જન્સી ઉતરાણના કારણે એરપોર્ટ પર ટૂંક સમય માટે કામગીરી અટકાવી દેવાઈ

જકાર્તા : ભારતમાં મંગળવારે એર ઈન્ડિયાની એક પછી એક સાત ફ્લાઈટ વિવિધ કારણોસર રદ થઈ હતી ત્યારે દુબઈ ફ્લાઈટ પણ ચર્ચામાં આવી હતી. સાઉદી એરલાઈન્સની જેદ્દાહથી જકાર્તા જતી ફ્લાઈટ એસવી૫૨૭૬ મલેશિયા અને ઈન્ડોનેશિયા વચ્ચે હતી ત્યારે બોમ્બની ધમકીના પગલે પાયલટે ઈમર્જન્સી જાહેર કરી ઈન્ડોનેશિયાના મેડન ખાતે ડાયવર્ટ કરી હતી.  સાઉદી ફ્લાઈટ એસવી૫૨૭૬ સોમવારે રાતે ૪૪૨ હજ યાત્રીઓને લઈને જેદ્દાહથી રવાના થઈ હતી. આ વિમાન જકાર્તાના સોએકાર્નો હત્તા એરપોર્ટ પર ઉતરાણ કરવાનું હતું. બોઈંગ ૭૭૭-૩૦૦ઈઆર વિમાને સાઉદી અરબમાં ૩૧,૦૦૦ ફૂટની ઊંચાઈ હાંસલ કરી હતી ત્યાર પછી તે ભારતના આકાશમાં ૩૩,૦૦૦ ફૂટની ઊંચાઈએ જઈ રહ્યું હતું. આ ફ્લાઈટ મલેશિયા અને ઈન્ડોનેશિયા વચ્ચેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે બોમ્બની ધમકી મળતા પાયલટે ઈમર્જન્સી જાહેર કરી તેને ઈન્ડોનેશિયાના મેડન કુઆલા નામુ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે ડાયવર્ટ કર્યું હતું. 

એર ટ્રાન્સપોર્ટેશનના ડિરેક્ટર જનરલ લુકમાન લૈસાએ જણાવ્યું હતું કે, સાઉદી એરલાઈન્સના વિમાનમં ૨૦૭ પુરુષ અને ૨૩૫ મહિલા પ્રવાસી હતા. કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ઈમેલમાં સાઉદી એરલાઈનની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. આથી વિમાનને મેડન ખાતે કુઆલાનામુ એરપોર્ટ ડાયવર્ટ કરાયું હતું. સાઉદી વિમાનના ઈમર્જન્સી ઉતરાણના કારણે એરપોર્ટ પર થોડોક સમય અન્ય વિમાનોના લેન્ડિંગ અટકાવી દેવાયા હતા. ઉપરાંત વિમાનને આઈસોલેટ પાર્કિંગ વિસ્તારમાં લઈ જવાયું હતું.

Tags :