તિહાર જેલથી ખૂંખાર સીરિયલ કિલર ફરાર, જેલ વહીવટીતંત્રમાં દોડધામ મચી
Images Sourse: IANS |
Tihar Jail: દિલ્હીની તિહાર જેલમાં સજા કાપી રહેલો સીરિયલ કિલર સોહરાબ ફરાર થઈ ગયો છે. સોહરાબ ત્રણ દિવસ માટે પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો, પરંતુ જેલ પાછો ફર્યો નહીં. લખનઉ પોલીસ સાથે મળીને જેલ પ્રશાસન સોહરાબને શોધી રહ્યું છે.
સોહરાબે પૂર્વ સાંસદના પૌત્રની હત્યા કરાવી
સોહરાબ ખૂંખાર સીરિયલ કિલર છે. તેણે ઘણી હત્યાઓ કરી છે. સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન સોહરાબએ લખનઉના સઆદતગંજમાં પૂર્વ સાંસદ શફીકુર રહેમાન બર્કના પૌત્રની હત્યા કરાવી હતી. આ ઉપરાંત સોહરાબ એક પૂર્વ કાઉન્સિલરની હત્યાના કાવતરામાં પણ સામેલ રહ્યો છે. સોહરાબ લખનઉના અમીનાબાદમાં શૂટરને ભાડે રાખીને ભાજપના કાઉન્સિલર પપ્પુ પાંડેની હત્યા કરાવી હતી.
આ પણ વાંચો: વધતી ઉંમરને કોઈ દવા ન રોકી શકે, શેફાલીના નિધન બાદ એન્ટી એજિંગ દવાઓ પર પ્રતિબંધની માગ
નાના ભાઈની હત્યાનો બદલો લીધો
વર્ષ 2005માં સોહરાબના નાના ભાઈ શહજાદેની લખનઉના હુસૈનગંજમાં હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદથી સોહરાબ અને તેના બે ભાઈઓએ હત્યારાઓને મારી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. તેમના ભાઈની હત્યાના એક વર્ષ પછી ઈદના દિવસે ત્રણ ભાઈઓ, સોહરાબ, સલીમ અને રૂસ્તમે તેમના ભાઈના હત્યારાઓને મારી નાખ્યા. હત્યા કરતા પહેલા, સોહરાબ, લખનઉના તત્કાલીન એસએસપીને ફોન કરીને કહ્યું કે, 'મારા ભાઈની હત્યાનો બદલો લેવા જઈ રહ્યો છું.'
ઉલ્લેખનીય છે કે, સોહરાબ પેરોલ પર બહાર આવ્યો હતો, પરંતુ પેરોલનો સમયગાળો પૂરો થયા પછી પણ તે તિહાડ પહોંચ્યો નહીં. તિહાર જેલ પ્રશાસને તાત્કાલિક લખનઉ પોલીસનો સંપર્ક કર્યો અને સોહરાબની શોધ શરૂ કરી.