Get The App

ગોલ્ડ, સિલ્વર ETF વેલ્યુએશન માટે સ્થાનિક ભાવને ધ્યાનમાં લેવા ફંડોને સેબીનો નિર્દેશ

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
ગોલ્ડ, સિલ્વર ETF વેલ્યુએશન માટે સ્થાનિક ભાવને ધ્યાનમાં લેવા ફંડોને સેબીનો નિર્દેશ 1 - image

- 1લી એપ્રિલથી અમલી : વર્તમાન માળખામાં લંડન બુલિયન માર્કેટ એસોસિયેશનના એએમ ફિક્સિંગ ભાવોનો ઉપયોગ કરાય છે

મુંબઈ : મ્યુચ્યુઅલ ફંડોની સ્કિમો દ્વારા પોર્ટફોલિયોમાં રાખવામાં આવેલા ફિઝિકલ ગોલ્ડ અને સિલ્વરના મૂલ્યાંકન માળખામાં મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ સુધારો કર્યો છે. જેમાં ફંડ હાઉસોને લંડન બેન્ચમાર્કને બદલે માન્ય સ્ટોક એક્સચેન્જ દ્વારા પ્રકાશિત સંશોધિત સરેરાશ (પોલ્ડ) કરેલ સ્પોટ ભાવનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

૨૬, ફેબુ્રઆરીના પરિપત્રમાં, સેબીએ જણાવ્યું હતું કે, ૧લી, એપ્રિલ ૨૦૨૬થી મ્યુચ્યુઅલ પંડોએ માન્ય સ્ટોક એક્સચેન્જ દ્વારા પ્રકાશિત પોલ કરેલ સ્પોટ ભાવનો ઉપયોગ કરીને ફિઝિકલ સોના અને ચાંદીનું મૂલ્યાંકન કરવું જોઈએ. હાલના માળખા હેઠળ, સોના અને  ચાંદીના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ્સ) લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (એલબીએમએ)ના એએમ ફિક્સિંગ ભાવોના આધારે તેમના હોલ્ડિંગ્સનું મૂલ્યાંકન કરે છે, જે ચલણના કન્વર્ઝન, પરિવહન ખર્ચ, કસ્ટમ્સ ડયુટી, કર અને અન્ય સ્થાનિક પરિબળો પર આધારિત રહે છે.

મ્યુચ્યુઅલ ફંડ એડવાઈઝરી કમિટી સાથે ચર્ચા અને જાહેર પરામર્શ પ્રક્રિયા પછી, સેબીએ હવે નિર્ણય લીધો છે કે, મ્યુચ્યુઅલ ફંડ્સ માન્ય સ્ટોક એક્સચેન્જ દ્વારા પ્રકાશિત સંશોધિત સરેરાશ (પોલ્ડ) કરેલ સ્પોટ ભાવોનો ઉપયોગ કરશે. આ સ્પોટ ભાવો ફિઝિકલ રીતે પહોંચાડાયેલા સોના અને ચાંદીના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટસના સેટલમેન્ટ માટે ઉપયોગમાં લેવાય છે. સેબીએ જણાવ્યું હતું કે, સ્ટોક એક્સચેન્જ નિયમનકારી પારદર્શિતા અને પાલનની આવશ્યકતાઓ હેઠળ કાર્ય કરે છે, તેથી એક્સચેન્જ દ્વારા પ્રકાશિત સ્પોટ ભાવોનો  ઉપયોગ સ્થાનિક બજારની પરિસ્થિતિઓને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરશે અને મૂલ્યાંકન પ્રથાઓમાં વધુ એકરૂપતા લાવશે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી), સેબી સાથે પરામર્થ કરીને, અમલીકરણ માટે એક સમાન નીતિ સૂચવશે.