Get The App

કર્ણાટકના સંવેદનશીલ વિસ્તારમાં ચાઇનીઝ GPSથી સજ્જ પક્ષી મળ્યું, સુરક્ષા એજન્સી ઍલર્ટ

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
Chinese GPS Tracker found on Seagull


(IMAGE - ENVATO)

Chinese GPS Tracker found on Seagull: કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના કારવાર વિસ્તારમાં એક દરિયાઈ પક્ષી (સીગલ) મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. આ પક્ષીના શરીર પર ચીની બનાવટનું GPS ટ્રેકિંગ ડિવાઇસ લગાવેલું હતું. આ ઘટના એટલા માટે ગંભીર માનવામાં આવી રહી છે કારણ કે કારવાર વિસ્તાર ભારતીય નૌસેનાના વ્યૂહાત્મક રીતે મહત્ત્વના અને સંવેદનશીલ મથકની અત્યંત નજીક છે.

સ્થાનિકોને શંકા ગઈ અને ભાંડો ફૂટ્યો

કારવારના થિમ્મક્કા ગાર્ડન પાસે દરિયાકિનારે સ્થાનિક લોકોએ એક સીગલ પક્ષી જોયું હતું, જેના શરીર પર કોઈ અજીબ વસ્તુ લાગેલી હતી. શંકા જતાં લોકોએ તાત્કાલિક વન વિભાગની મરીન વિંગને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ પક્ષીને પકડીને તપાસ કરતાં તેના શરીર પરથી GPS ટ્રેકર મળી આવ્યું હતું.

ટ્રેકર પર મળ્યા ચીની સંસ્થાના નિશાન

પ્રાથમિક તપાસમાં ટ્રેકર પર કેટલાક કોડ અને નિશાનો જોવા મળ્યા છે. આ ડિવાઇસ ચીનની 'ચાઇનીઝ એકેડમી ઑફ સાયન્સ' હેઠળ આવતાં 'રિસર્ચ સેન્ટર ફોર ઈકો-એન્વાયરમેન્ટલ સાયન્સ' સાથે જોડાયેલું હોવાનું બહાર આવ્યું છે. આ સંસ્થા પક્ષીઓના સ્થળાંતર અને પર્યાવરણ પર સંશોધન કરે છે.

આ પણ વાંચો: VIDEO: આને કહેવાય આ બેલ મુઝે માર...વર્ષો જૂની કહેવત સાચી ઠરી, વૃદ્ધને ભૂલ ભારે પડી

જાસૂસી કે વૈજ્ઞાનિક સંશોધન?

પોલીસ અને વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યાર સુધી આ ઘટના જાસૂસી સાથે જોડાયેલી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. એવું માનવામાં આવે છે કે આ ટ્રેકર પક્ષીઓના પ્રવાસ માર્ગ અને ખાવા-પીવાની આદતોનો અભ્યાસ કરવા માટે લગાવાયું હશે. જોકે, નજીકમાં જ INS કદમ્બા નૌસેનિક મથક આવેલું હોવાથી સુરક્ષા એજન્સીઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.

અગાઉ પણ બની છે આવી ઘટના

નોંધનીય છે કે કારવારમાં આ બીજી ઘટના છે. ગયા વર્ષે નવેમ્બરમાં પણ બૈતકોલ બંદર પાસે એક વૉર ઈગલમાંથી ટ્રેકિંગ ડિવાઇસ મળી આવ્યું હતું, જે પાછળથી વન્યજીવ સંશોધનનો ભાગ હોવાનું ખુલ્યું હતું. હાલમાં પક્ષીને મરીન ફોરેસ્ટ ઑફિસમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે. ભારતીય અધિકારીઓ હવે ચીની સંશોધન સંસ્થાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી જાણી શકાય કે આ પ્રોજેક્ટ શું હતો અને પક્ષી ભારતની સીમામાં કેવી રીતે પહોંચ્યું.

કર્ણાટકના સંવેદનશીલ વિસ્તારમાં ચાઇનીઝ GPSથી સજ્જ પક્ષી મળ્યું, સુરક્ષા એજન્સી ઍલર્ટ 2 - image