Get The App

VIDEO: આને કહેવાય આ બેલ મુઝે માર...વર્ષો જૂની કહેવત સાચી ઠરી, વૃદ્ધને ભૂલ ભારે પડી

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
Bulandshahr Bull Attack Viral Video


Bulandshahr Bull Attack Viral Video: હિન્દીની વર્ષો જૂની કહેવત 'આ બેલ મુઝે માર'(સ્વયં મુસીબતને આમંત્રણ આપવું) ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં સાચી સાબિત થઈ છે. અહીં એક વૃદ્ધે શાંતિથી રસ્તે જઈ રહેલા આખલાને કારણ વગર છંછેડ્યો અને પરિણામે આખલાએ તેમને હવામાં ઉછાળીને જમીન પર પટકી દીધા હતા. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

આ ઘટના બુલંદશહેરના નગર કોતવાલી વિસ્તારની દુર્ગાપુરમ કોલોનીની છે. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક આખલો કોલોનીની સાંકડી ગલીમાંથી શાંતિથી પસાર થઈ રહ્યો હતો. તે કોઈને પરેશાન કરતો નહોતો કે કોઈના રસ્તામાં અડચણરૂપ પણ નહોતો. આ દરમિયાન એક વૃદ્ધ પોતાના ઘરેથી બહાર નીકળ્યા અને તેમણે આરામથી જઈ રહેલા આખલાને ભગાવવા માટે જમીન પરથી પથ્થર ઉપાડીને તેને પાછળથી માર્યો.

પથ્થર વાગતા જ આખલો ભડક્યો

વૃદ્ધે કદાચ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે તેમની આ નાની અમથી હરકત તેમના જીવ પર જોખમ બની જશે. પથ્થર વાગતાની સાથે જ શાંત આખલો પાછળ ફર્યો અને વૃદ્ધ પર હુમલો કરી દીધો. વૃદ્ધે પોતાનો જીવ બચાવવા પહેલા ત્યાં ઉભેલી બાઇક પાછળ છુપાવાનો પ્રયત્ન કર્યો અને પછી બીજી ગલી તરફ દોડ્યા, પરંતુ ગુસ્સે ભરાયેલા આખલાએ તેમને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું હોય તેમ તેમની પાછળ જ પડ્યો.

વૃદ્ધને હવામાં ઉછાળીને પટક્યા

આખલાએ તેના શીંગડા વડે વૃદ્ધને હવામાં ઉછાળ્યા અને પછી જમીન પર પટકી દીધા. ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો લાકડીઓ લઈને દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ આખલાને ત્યાંથી ભગાડ્યો અને વૃદ્ધનો જીવ બચાવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં આખલાએ તેમને અનેકવાર ટક્કર મારી દીધી હતી.

આ પણ વાંચો: 'સ્ટેચ્યૂ ઑફ યુનિટીના' ડિઝાઈનર અને જાણીતા મૂર્તિકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન

હોસ્પિટલમાં સારવાર હેઠળ

આ ભયાનક હુમલામાં વૃદ્ધને શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. પરિવારજનોએ તેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

VIDEO: આને કહેવાય આ બેલ મુઝે માર...વર્ષો જૂની કહેવત સાચી ઠરી, વૃદ્ધને ભૂલ ભારે પડી 2 - image