For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જામિયામાં BBC ડૉક્યુમેન્ટ્રીની સ્ક્રિનિંગની જાહેરાત બાદથી હોબાળો, ૧૦ વિદ્યાર્થીઓની અટકાયત

અગાઉ JNUમાં BBCની ડૉક્યુમેન્ટ્રી જોઈ રહેલા વિદ્યાર્થીઓ પર પથ્થરમારો કરાયો હતો

વીજળી-ઈન્ટરનેટ સેવા ઠપ કરી દેવાતા પોલીસ સ્ટેશન સુધી કૂચ યોજી હતી, કુલ ૩ કેસ નોંધાયા

Updated: Jan 25th, 2023

Article Content Image
image : Twitter

નવી દિલ્હી, તા. 25, જાન્યુઆરી, બુધવાર

દિલ્હીમાં જામિયા યુનિવર્સિટીમાં વડાપ્રધાન મોદી આધારિત બીબીસીની ડૉક્યુમેન્ટ્રીની સ્ક્રીનિંગની જાહેરાત કરાતાં જ માહોલ બગાડવા બદલ પોલીસે ૩ વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી હતી. જોકે તેનો વિરોધ કરવામાં આવતા દેખાવો કરનારા અન્ય ૭ વિદ્યાર્થીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. ચીફ પ્રોક્ટરની ફરિયાદના આધારે જ આ કાર્યવાહી કરાઈ હતી. પોલીસે જણાવ્યું કે ઘટનાને પગલે સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. 

યુનિવર્સિટીએ કહ્યું - સ્ક્રીનિંગની પરવાનગી અપાઈ જ નથી 

આ દરમિયાન જામિયા યુનિવર્સિટીના ચીફ પ્રોક્ટર કાર્યાલય દ્વારા એક નોટિસ જાહેર કરીને જણાવી દેવાયું હતું કે યુનિવર્સિટી તરફથી કોઈને પણ ભીડ એકઠી કરવા કે કોઈપણ ડૉક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ કરવાની પરવાનગી અપાઈ નથી. યુનિવર્સિટીનું વાતાવરણ ડહોળવાના પ્રયાસો કરનાર સામે તમામ કાર્યવાહી અને પગલાં ભરવાની વાત પણ કહેવામાં આવી હતી. 

ડૉક્યુમેન્ટ્રીનું સાંજે 6 વાગ્યે સ્ક્રીનિંગ થશે તેવા અહેવાલ ફરતા થયા હતા

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી પર આધારિત BBCની ડૉક્યુમેન્ટ્રી અંગેનો વિવાદ વકરતો જઇ રહ્યો છે. તાજેતરના અહેવાલ અનુસાર જામિયા યુનિવર્સિટીમાં પણ હવે આ ડૉક્યુમેન્ટ્રીનું સાંજે 6 વાગ્યે સ્ક્રીનિંગ થવાનું હતું. જેના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું હતું. જામિયા યુનિવર્સિટીની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો. 

JNUમાં હોબાળો થયો હતો 

અગાઉ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(JNU) ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની હતી. જેએનયુના વિદ્યાર્થીઓએ મંગળવારે વડાપ્રધાન મોદી પર બનેલી બીબીસીની ડૉક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ કરવાની જાહેરાત કરી હતી. જોકે આ સ્ક્રીનિંગથી પહેલાં જ વિદ્યાર્થી યુનિયનના કાર્યાલયમાં વીજળી ઠપ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન પથ્થરમારાની ઘટના પણ બની હતી. જેના લીધે મામલો બીચક્યો હતો. આ મામલે અત્યાર સુધી કુલ 3 કેસ નોંધાઈ ચૂક્યા છે. 

જેએનયુના વિદ્યાર્થીઓ એબીવીપીના કાર્યકરોથી ભયભીત

બીબીસી ડૉક્યુમેન્ટ્રી જોતા વિદ્યાર્થીઓ પર પથ્થરમારા મામલે વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન સુધી કૂચ પણ યોજી હતી. વિદ્યાર્થીઓ કહે છે કે અમે હોસ્ટેલ જવા માગતા હતા પણ એબીવીપીના કાર્યકરોથી ડર લાગે છે. વિદ્યાર્થીઓએ માગ કરી હતી અમને પોલીસ દ્વારા પ્રોટેક્શન આપવામાં આવે. વસંતકુંજ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરાઈ હતી. 

થોડા દિવસ પહેલાં જ જેએનયુએ બીબીસીની ડૉક્યુમેન્ટ્રી ન બતાવવાનો નિર્ણય કર્યો હતો

થોડા દિવસ પહેલાં જ જેએનયુએ બીબીસીની ડૉક્યુમેન્ટ્રી ન બતાવવાનો નિર્ણય કર્યો હતો પણ જેએનયુએસયુએ જાહેરાત કરી હતી કે તે તેની તરફથી વિદ્યાર્થીઓ માટે ડૉક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ કરશે. તેના બાદથી વિવાદ થયો હતો. બીબીસીની ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન ડૉક્યુમેન્ટ્રી સિરીઝ ગુજરાત રમખાણો પર આધારિત છે. તે સમયે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. 

ઓફિસમાં વીજળી અને ઈન્ટરનેટ સેવા બહાલ કરાઈ

ડાબેરી જૂથ સમર્થિત સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ આયશી ઘોષે દાવો કર્યો હતો કે જેએનયુ તંત્રએ વીજળી કાપી નાખી હતી. સાથે જ ઈન્ટરનેટ પણ બંધ કરી દીધું હતું. જોકે બાદમાં ઓફિસમાં વીજળી અને ઈન્ટરનેટ સેવા બહાલ કરાઈ હતી. જ્યારે જેએનયુ વિદ્યાર્થી યુનિયને બુધવારે પ્રોક્ટર ઓફિસમાં આ મામલે ફરિયાદ પણ નોંધાવી હતી. 

Gujarat