| (AI IMAGE) |
America Tariff on India: અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટૅરિફને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ ટૅરિફ વ્યૂહરચનાને અમેરિકા માટે 'અત્યંત સફળ' ગણાવી છે, કારણ કે આ દબાણ બાદ ભારત દ્વારા રશિયા પાસેથી કરવામાં આવતી તેલની ખરીદીમાં મોટો ઘટાડો નોંધાયો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, બેસેન્ટે હવે આ ટૅરિફ હટાવવા તરફ ઇશારો કર્યો છે.
શું ટૅરિફ હવે હટાવવામાં આવશે?
સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યો છે કે આગામી સમયમાં ભારત પર લાદવામાં આવેલ 25% ટૅરિફ પાછો ખેંચાઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે હવે આ ટૅરિફ હટાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે.' જો બંને દેશો વચ્ચેની વાતચીત હકારાત્મક દિશામાં આગળ વધશે, તો ભારતને મોટી આર્થિક રાહત મળી શકે છે.
ભારત પર હાલમાં કેટલું ટૅરિફ લાગુ છે?
અમેરિકાએ હાલમાં ભારત પર દ્વિ-સ્તરીય ટૅરિફ માળખું અમલમાં મૂક્યું છે, જેના કારણે ભારતીય નિકાસકારો પર મોટો આર્થિક બોજ પડ્યો છે. આ અંતર્ગત સૌપ્રથમ 25% સામાન્ય ટૅરિફ લાદવામાં આવ્યો છે, જે ભારતની કુલ નિકાસના અંદાજે 55% હિસ્સાને અસર કરે છે. આ ઉપરાંત, રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડવા માટે ભારત પર દબાણ લાવવાના હેતુથી ઑગસ્ટ 2025થી વધારાનું 25% 'ઓઇલ પેનલ્ટી ટૅરિફ' અમલી બનાવવામાં આવ્યું છે. આમ, આ બંને ટૅરિફના સંયોજનને કારણે ભારતથી અમેરિકા મોકલવામાં આવતી ઘણી મહત્ત્વની વસ્તુઓ પર અત્યારે કુલ મળીને 50% જેટલો જંગી ટૅરિફ લાગુ છે.
આ પણ વાંચો: રીલના રવાડે ચડેલી પેઢીની જોખમી કરતૂત: વંદે ભારતને 'હથકંડા' અજમાવી અધવચ્ચે ઉભી રખાવી
રશિયન તેલ પર પ્રાઇસ કેપ અને ભારતનું વલણ
રશિયન તેલની આવક પર અંકુશ મેળવવાના હેતુથી અમેરિકા, G7 અને યુરોપિયન દેશોએ સંયુક્ત રીતે 'પ્રાઇસ કેપ' સિસ્ટમ અમલમાં મૂકી છે, જેમાં કિંમતોને લઈને કડક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જાન્યુઆરી 2026 સુધી રશિયન તેલ માટેની વર્તમાન કેપ કિંમત 47.60 ડૉલર પ્રતિ બેરલ રાખવામાં આવી છે, જેને 1 ફેબ્રુઆરી 2026થી વધુ ઘટાડીને 44.10 ડૉલર કરી દેવામાં આવશે.
આ સિસ્ટમનો મુખ્ય નિયમ એ છે કે જો રશિયા નિર્ધારિત કિંમતથી વધુ ભાવે તેલનું વેચાણ કરે, તો તેને આંતરરાષ્ટ્રીય સ્તરે મળતી વીમો, શિપિંગ અને ફાયનાન્સ જેવી પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવશે.
ભારતીય રિફાઇનરીઓની સ્થિતિ
અમેરિકાનો દાવો છે કે તેના દબાણની અસર જોવા મળી રહી છે. અહેવાલો મુજબ, મોટી ભારતીય રિફાઇનરીઓએ જાન્યુઆરી 2026માં રશિયન તેલ લેવાનું બંધ કરી દીધું છે. જોકે, ભારત હંમેશા કહેતું આવ્યું છે કે તે પોતાની ઊર્જા જરૂરિયાતો રાષ્ટ્રીય હિત અને પોસાય તેવા ભાવોના આધારે નક્કી કરે છે. ભારત અત્યારે અમેરિકાના 500% ટૅરિફવાળા નવા બિલ પર પણ નજીકથી નજર રાખી રહ્યું છે.


