Get The App

રીલના રવાડે ચડેલી પેઢીની જોખમી કરતૂત: વંદે ભારતને 'હથકંડા' અજમાવી અધવચ્ચે ઉભી રખાવી

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
રીલના રવાડે ચડેલી પેઢીની જોખમી કરતૂત: વંદે ભારતને 'હથકંડા' અજમાવી અધવચ્ચે ઉભી રખાવી 1 - image


Vande Bharat Stopped for Reels: આજકાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછામાં યુવાનો મર્યાદા ભૂલી રહ્યા છે. ટ્રાફિકના નિયમો તોડવા તો હવે સામાન્ય વાત થઈ ગઈ છે, પણ હવે લોકો હજારો નિર્દોષ મુસાફરોના જીવ સાથે રમતા પણ અચકાતા નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં કેટલાક યુવકોએ દેશની પ્રતિષ્ઠિત હાઈ-સ્પીડ ટ્રેન 'વંદે ભારત એક્સપ્રેસ' ને રોકવા માટે રેલવે ટ્રેક પર લાકડાના મોટા લઠ્ઠા ગોઠવી દીધા હતા.



શું છે સમગ્ર ઘટના? વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક યુવકો રેલવે ટ્રેક પર મોટા લાકડાના ટુકડા મૂકી રહ્યા છે. જેવી વંદે ભારત ટ્રેન ત્યાંથી પસાર થવાની તૈયારીમાં હતી, ત્યારે આ અવરોધને કારણે ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક મારવી પડી હતી. ટ્રેન ઉભી રહી જતાં યુવકો આનંદમાં આવી ગયા હતા અને ગર્વથી કહેતા સંભળાયા હતા કે, "વંદે ભારત અટકાવી દીધી." જ્યારે રેલવે સ્ટાફે તેમને ટોક્યા ત્યારે તેમણે અત્યંત બેજવાબદાર રીતે જવાબ આપ્યો કે, "અંકલ અમે અંદર નથી આવતા, ખાલી વીડિયો શૂટ કરીએ છીએ."

સોશિયલ મીડિયા પર આક્રોશ આ વીડિયો X (અગાઉનું ટ્વિટર) પર વાયરલ થતા જ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકોએ રેલવે સુરક્ષા દળ (RPF) અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેગ કરીને આ યુવકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. યુઝર્સનું કહેવું છે કે હાઈ-સ્પીડ ટ્રેનમાં અચાનક બ્રેક મારવાથી મોટો અકસ્માત થઈ શક્યો હોત. ઘણા લોકોએ આ કૃત્યને 'આતંકવાદી કૃત્ય' જેવું ગણાવીને તેમને જેલમાં મોકલવાની માંગ કરી છે.

કાયદો શું કહે છે? 

રેલવે એક્ટ, 1989 મુજબ ટ્રેક પર અવરોધ ઊભો કરવો એ ગંભીર ગુનો છે:

કલમ 150: ટ્રેક પર વસ્તુઓ મૂકીને ટ્રેનને નુકસાન પહોંચાડવાના પ્રયાસ બદલ આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

કલમ 174: રેલવેની કામગીરીમાં અવરોધ લાવવા બદલ 2 વર્ષની જેલ અથવા દંડની જોગવાઈ છે.

હાલમાં RPF અને સ્થાનિક પોલીસ વીડિયોના આધારે આ યુવકોની ઓળખ કરી રહી છે અને તેમની ધરપકડ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.