તો મે મહિના સુધીમાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 13 લાખ થઈ શકે છે
નવી દિલ્હી, તા.25 માર્ચ 2020, બુધવાર
ભારત સરકાર કોરોનાના વ્યાપને ત્રીજા સ્ટેજમાં પહોંચતો રોકવા માટે શક્ય હોય તેટલા તમામ પ્રયાસો કરી રહી છે. ભારતમાં 21 દિવસનુ દેશવ્યાપી લોકડાઉન પણ જાહેર કરાયુ છે.
આવા સંજોગોની વચ્ચે વૈજ્ઞાનિકોએ આશંકા જાહેર કરી છે કે, જો દેશમાં અત્યારે જે ઝડપે કેસ વધી રહ્યા છે તે ઝડપ યથાવત રહી તો મે મહિનાન બીજા સપ્તાહ સુધીમાં દેશમાં 13 લાખ લોકો કોરોના પોઝિટિવ હશે.
એક ન્યૂઝ એજન્સીએ ભારતમાં કોરોનાનો અભ્યાસ કરનારા COV-IND-19 સ્ટડી ગ્રૂપના રિસર્ચને ટાંકીને કહ્યુ છે કે, આ રિસર્ચ કરનારા સંશોધકોનુ માનવુ છે કે, ભારતમાં કોરાના દર્દીના ટેસ્ટનો રેટ બહુ ઓછો છે. શક્ય છે કે, ટેસ્ટ કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો સામે આવી રહ્યા નથી.બીજી તરફ હજી સુધી કોરોના માટે કોઈ રસી બજારમાં આવી નથી. આ સંજોગોમાં ભારતમાં કોરોના જો ત્રીજા સ્ટેજ પર પહોંચ્યો તો વિનાશકારી પરિણામો આવશે. કારણકે ભારતની હેલ્થ કેર સિસ્ટમ પહેલેથી જ દબાણ હેઠળ છે.
આ રિસર્ચ ગ્રૂપના કહેવા પ્રમાણે ભારતમાં કોરોનાનો વ્યાપ અમેરિકાની પેટર્નથી થઈ રહ્યો છે. જ્યાં પહેલા કોરોના ધીમે ધીમે પ્રસર્યો હતો અને અચાનક જ કેસો ઝડપભેર વધવા માંડ્યા હતા. અમે જે અંદાજ મુક્યો છે તે ભારતમાં શરુઆતના તબક્કામાં જે આંકડા સામે આવ્યા છે તેના આધારે મુક્યો છે.
COV-IND-19 સ્ટડી ગ્રૂપનુ કહેવુ છે કે, ભારતમાં 19 માર્ચ સુધી અમેરિકાની પેટર્ન્ પર જ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી છે. બીજી તરફ ભારતની હેલ્થકેર સિસ્ટમ આ મહામારી જો વધારે ફેલાય તો લડવા માટે તૈયાર નથી. કારણકે ભારતમાં દર 1000 લોકોએ હોસ્પિટલના બેડની સંખ્યા માત્ર 0.7 છે. જ્યારે ફ્રાંસમાં દર 100 પર 6.5 બેડ, દક્ષિણ કોરિયામાં 11.5 બેડ, ચીનમાં 4.2 બેડ, ઈટાલીમાં 3.4 બેડની છે.