કૂતરાઓની સમસ્યા એટલી ગંભીર બની કે ખુદ સુપ્રીમ કોર્ટે કેસ હાથમાં લેવો પડ્યો
SC takes Suo motu cognizance of report over dog bites: દેશમાં કૂતરા કરડવાની સમસ્યા એટલી ગંભીર બની ગઈ છે કે તાજેતરમાં જ યુપીના એક કબડ્ડી ખેલાડીનું કૂતરું કરડતાં હડકવાના ચેપના કારણે મોત થયું હતું. એવામાં હવે દિલ્હીમાં છ વર્ષની એક બાળકીને કૂતરું કરડવાથી હડકવા થતા મોત થયું હોવાનો મામલો સામે આવ્યો છે. આથી સુપ્રીમ કોર્ટે સોમવારે રખડતાં કૂતરાઓ દ્વારા કરવામાં આવતા હુમલા અને તેના પરિણામે થતાં મૃત્યુને ચિંતાજનક ગણાવીને તેના પર સુઓ મોટો કાર્યવાહી શરુ કરી છે.
લોકો હડકવા જેવી ભયંકર બીમારીનો શિકાર બની રહ્યા છે
જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે કૂતરા કરડવાને લઈને હડકવા થયો હોવાના સમાચારને ખૂબ જ પરેશાન કરનારા અને ચિંતાજનક ગણાવતાં કહ્યું કે, 'સમાચારમાં કેટલાક ચિંતાજનક અને પરેશાન કરનારા આંકડા છે. જેમાં દરરોજ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં કૂતરા કરડવાની સેંકડો ઘટનાઓ સામે આવી રહી છે, જેનાથી હડકવા પણ ફેલાઈ રહ્યો છે અને અંતે બાળકો અને વૃદ્ધો આ ભયંકર બીમારીનો શિકાર બની રહ્યા છે.'
આ અંગે કોર્ટે કહ્યું, 'અમે આ સમાચાર પર સુઓ મોટો કાર્યવાહી કરી રહ્યા છીએ. યોગ્ય આદેશ માટે આ નિર્ણયને સમાચાર રિપોર્ટ સાથે ભારતના ચીફ જસ્ટિસ સામે રજૂ કરવામાં આવશે.'
દિલ્હીમાં કૂતરું કરડવાના કારણે છ વર્ષની બાળકીનું મોત
દિલ્હીમાં કૂતરું કરડવાના કારણે છ વર્ષની બાળકીના મોત પછી સુપ્રીમ કોર્ટે સુઓ મોટો કાર્યવાહી કરી છે. દિલ્હીના સુલતાનપુરના પુઠ ખુર્દ ગામમાં રખડતું કૂતરું કરડ્યાના 24 દિવસમાં એક છ વર્ષીય બાળકીનું મોત થયું હતું. આ ઘટના પછી પરિવારજનોએ બાળકીને આંબેડકર હૉસ્પિટલમાં સારવાર માટે પહોંચાડી હતી. ત્યાં તેની ઈન્જેક્શન આપીને સારવાર પણ કરાઈ. આ દરમિયાન બાળકીને સરકારી હૉસ્પિટલમાં રેફર કરાઈ, પરંતુ 20 દિવસ પછી ત્યાં પણ તેની તબિયત ખૂબ જ લથડી ગઈ. છેવટે 23 જુલાઈના રોજ, કૂતરું કરડ્યાના 24 દિવસ પછી, બાળકીનું મૃત્યુ થઈ ગયું હતું.
આ પણ વાંચો: પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું: સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન
દેશમાં એક જ વર્ષમાં કૂતરા કરડવાના 37.17 લાખથી વધુ કેસ
હાલમાં જ મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી એસ. પી. સિંહ બઘેલે લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, વર્ષ 2024માં દેશમાં કૂતરા કરડવાના 37,17,336 કેસ નોંધાયા હતા, જ્યારે હડકવાના કારણે 54 લોકોના મોત થયા હતા.