National News: ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં લાપરવાહીનો એક હેરાનીભર્યો કિસ્સો સામે આવ્યો છે. રામલીલા મંચનનો મામલો હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે કારણ કે રામલીલા દરમિયાન શ્રી રામનું તીર સીધું રાવણની આંખો પર વાગ્યું હતું. જેથી તે આંધળો થઈ ગયો છે. સમગ્ર મામલે રામનું પાત્ર ભજવનાર કલાકાર સામે SC-ST એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટના બે મહિના પહેલાથી છે જે ફરિયાદ થતાં હાલમાં સામે આવી છે.
શું છે સમગ્ર મામલો?
સોનભદ્રમાં એક રામલીલા મંચન દરમિયાન દુખદ દુર્ઘટના થઈ હતી. જ્યાં રામનું પાત્ર ભજવનાર કલાકારે તીર ચલાવ્યું જે સીધા રાવણની આંખો પર વાગ્યું હતું. જેથી રાવણની ભૂમિકા ભજવનારા સુનિલ કુમાર ખરાબ રીતે ઘાયલ થયા હતા. ટુંકી સારવાર બાદ સુનિલની આંખો પર અંધારપટ છવાઈ ગયો હતો, આંધળો થઈ જતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે SC-ST એક્ટ પ્રમાણે હત્યાના પ્રયાસનો ગંભીર ગુનો નોંધી કાર્યવાહી આગળ ધરી છે. બીજી તરફ રામલીલા કમિટીના આયોજનકર્તા સામે પણ કેસ દાખલ થયો છે.
કયારની છે ઘટના?
ઘટના 13 નવેમ્બર 2025ના રાત્રે 12 અને 30 કલાકે ઘટી હતી. શાહગંજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા ખૈરા ગામમાં રામ લીલાનું મંચન ચાલી રહ્યું છે જે દરમિયાન રામ રાવણના યુદ્ધનું દ્રશ્ય હતું. ભગવાન રામની ભૂમિકામાં નૈતિક પાંડે હતા. જ્યારે તેમણે સ્ક્રિપ્ટ પ્રમાણે તીર ચલાવ્યું તો સીધું રાવણની આંખો પર લાગ્યું હતું. જોત જોતાંમાં રામલીલાના મંચ પર ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.
એક આંખ ગઈ, બીજી પર અસર
રામલીલા કમિટીના સભ્યોએ રાવણ બનેલા સુનિલને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, ડૉક્ટર પ્રમાણે સુનિલે તેની ડાબી આંખની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે અને તેની બીજી આંખને પણ અસર થઈ છે. હાલમાં તેની સારવાર ચાલી રહી છે.
કલમ 307 મુજબ ગુનો નોંધાયો
સુનિલ કુમાર SC/ST સમાજમાંથી આવે છે, ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી જણાવ્યું હતું કે, 'રામલીલામાં રામની ભૂમિકા ભજવનાર નૈતિક પાંડે વિરુદ્ધ SC/ST એક્ટની કલમ 3(1)(r) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને 338 (બેદરકારીથી ગંભીર ઈજા પહોંચાડવી) પણ ઉમેરવામાં આવી છે.'
ફરિયાદી 'રાવણે' શું કહ્યું?
ફરિયાદ કરનાર રાવણ એટલે કે સુનિલનું કહેવું છે કે, 'મેં વારંવાર ના કહી હતી તેમ છતાં મને નૈતિક પાંડેએ આંખો પર તીર માર્યું, મારી સાથે કોઈ દ્વેષ ન હતો પણ ખબર નહીં તેને કેમ આવું કર્યું. અમે સહયોગ કરવાની અપીલ કરી તો ગાળો આપી અને ધમકી આપી, કમિટીના સભ્યોએ પણ સહકાર ન આપ્યો. મેં મારી સુવિધા પ્રમાણે સારવાર કરાવી'


