Sanjay Raut's Statement : મહારાષ્ટ્રમાં રાજકીય નિવેદનબાજી ફરી એકવાર શરૂ થઈ છે. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે અજિત પવારની આગેવાની હેઠળની NCPને શરદ પવારના નેતૃત્ત્વ વાળી NCP(SP)માં ભેળવી દેવાની સલાહ આપી છે. રાઉતનું કહેવું છે કે, જ્યારે બંને જૂથો પુણે અને પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ ચૂંટણી માટે એકસાથે આવ્યા છે, તો અલગ રાજકીય માર્ગો અપનાવવાનો કોઈ અર્થ નથી.
રાઉતે સવાલ ઉઠાવ્યા કે, જો અજિત પવાર ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે તો પછી તેઓ મહાયુતિ સરકારમાં કેમ છે? તેમણે કહ્યું કે, 'અજિત પવારને ભાજપના નેતૃત્ત્વ વાળી સરકાર છોડીને શરદ પવાર પાસે પરત ફરવું જોઈએ. રાઉત પ્રમાણે, હાલની સ્થિતિ પરથી સંકેત મળી રહ્યા છે કે, અજિત પવારની રાજકીય દિશા બદલાઈ રહી છે.'
સંજય રાઉતે શું કહ્યું?
સંજય રાઉતે કહ્યું કે, 'અજિત પવાર અને ભાજપ એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા છે. તેવામાં બંનેનું એક સરકારમાં રહેવું એ જનતાને ભ્રમિત કરવા જેવું છે. જ્યારે આરોપ આટલાં ગંભીર છે તો સત્તામાં સાથે રહેવું એ વિશ્વાસમાં આવતું નથી.'
પુણે-પિંપરી ચૂંટણીમાં સાથે
રાઉતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પુણે અને પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં NCP અને NCP (શરદચંદ્ર પવાર) વચ્ચેનું જોડાણ એક રાજકીય સંકેત છે. તેમણે કહ્યું કે, 'આ જોડાણ દર્શાવે છે કે બંને જૂથો સાથે આવી શકે છે, તો શા માટે કાયમી ઉકેલ ન શોધવો.'
અજિતનો ભ્રષ્ટચારનો આરોપ
અજિત પવારે તાજેતરમાં જ પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટચારનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, છેલ્લા 9 વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને દેવામાં ધકેલી દીધું છે. આ નિવેદન પર પણ રાઉતે સવાલો ઉઠાવ્યા હતા કે, જ્યારે ભાજપ આ કોર્પોરેશન ચલાવી રહ્યું હતું ત્યારે તેની હાલત કેવી હતી?
નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર અને હપ્તા વસૂલીને લઈને ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા. અજિત પવારના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો અને ભાજપ તરફથી પણ તીખો વળતો પ્રહાર કરવામાં આવ્યો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણે અજિત પવારના આરોપોને ફગાવી દેતા કહ્યું, 'જો અમે બોલવા લાગીશું, તો અજિત દાદા મુશ્કેલીમાં મુકાઈ જશે. અજિત પવારે પહેલા પોતાના કર્મો જોવા જોઈએ.'
આ પણ વાંચો: 'અમે બોલીશું તો મુશ્કેલીમાં પડી જશો, પહેલા પોતાના કર્મો જુઓ..', NDAના બે પક્ષો બાખડ્યાં
મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપવાથી પણ વિવાદ થયો હતો. અજિત પવારે આ વાતને યોગ્ય ઠેરવીને કહ્યું કે, 'જ્યાં સુધી કોઈ દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તે ગુનેગાર નથી. તેમણે પોતાની સામે સિંચાઈ કૌભાંડના આરોપોનો પણ ઉલ્લેખ કર્યો.'


