Get The App

'અમે બોલીશું તો મુશ્કેલીમાં પડી જશો, પહેલા પોતાના કર્મો જુઓ..', NDAના બે પક્ષો બાખડ્યાં

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
'અમે બોલીશું તો મુશ્કેલીમાં પડી જશો, પહેલા પોતાના કર્મો જુઓ..', NDAના બે પક્ષો બાખડ્યાં 1 - image


Maharastra BMC Election : મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં સામેલ ભાજપ અને NCP (અજિત પવાર જૂથ) વચ્ચેની ખેંચતાણ હવે ખુલીને સામે આવવા લાગી છે. ખાસ કરીને પુણેની પિંપરી-ચિંચવડ મહાનગરપાલિકાને લઈને બંને પક્ષોના ટોચના નેતાઓ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે.

ભાજપ-NCP વચ્ચે સીધો સંઘર્ષ

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પિંપરી-ચિંચવડ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને હપ્તા વસૂલીને લઈને ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા. અજિત પવારના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો અને ભાજપ તરફથી પણ તીખો વળતો પ્રહાર કરવામાં આવ્યો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણે અજિત પવારના આરોપોને ફગાવી દેતા કહ્યું, 'જો અમે બોલવા લાગીશું, તો અજિત દાદા મુશ્કેલીમાં મુકાઈ જશે. અજિત પવારે પહેલા પોતાના કર્મો જોવા જોઈએ.'

બિનહરીફ જીત પર પ્રિયંકા ચતુર્વેદીના ગંભીર આરોપ

બીજી તરફ, રાજ્યની 29 નગર નિગમોમાં કુલ 69 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જેમાંથી 68 બેઠકો સત્તાધારી મહાયુતિના ખાતામાં ગઈ છે. આના પર શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે કેન્દ્રીય એજન્સીઓના ડર અથવા પૈસાના જોરે લોકશાહીને નબળી પાડવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે મહાયુતિ ગઠબંધન ED, CBI જેવી એજન્સીઓની ધમકી આપીને અથવા પૈસાની લાલચ આપીને વિપક્ષી ઉમેદવારોને ઉમેદવારી પાછી ખેંચવા માટે મજબૂર કરી રહ્યું છે. જ્યારે ચૂંટણી પંચે આ મામલે મોટો નિર્ણય લેતા તપાસના આદેશ આપી દીધા છે.  બિનહરીફ જીતમાં ભાજપને સૌથી વધુ 44, શિવસેના (એકનાથ શિંદે જૂથ)ને 22 અને અજિત પવારની NCPને 2 બેઠકો મળી છે.

કાકા-ભત્રીજાના ફરી એક થવાના સંકેત?

આ રાજકીય ગરમાવા વચ્ચે, નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પોતે જ શરદ પવાર જૂથ સાથે ફરી એક થવાના સંકેતો આપ્યા છે. જ્યારે પિંપરી-ચિંચવડમાં તેમને બંને NCPના પુનઃ જોડાણ અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે અજિત પવારે હસતાં-હસતાં જવાબ આપ્યો, "તમારા મોઢામાં સાકર."

બાગી ઉમેદવારોએ વધારી ચિંતા

ચૂંટણી પહેલા તમામ પક્ષો બાગી ઉમેદવારોથી પરેશાન છે.

સોલાપુર: ભાજપના બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં એક કાર્યકરનું મોત થયું.

નાસિક: ભાજપે બહારના ઉમેદવારોને ટિકિટ આપતા કાર્યકરોએ વિરોધ કર્યો.

મુંબઈ: ભાજપના પાંચ બાગી ઉમેદવારો મેદાનમાં અડગ રહ્યા.

ઠાકરે બંધુઓ પણ લાચાર: ઉદ્ધવ અને રાજ ઠાકરેનું ગઠબંધન પણ લગભગ નવ વોર્ડમાં બાગીઓને મનાવવામાં નિષ્ફળ રહ્યું. ભિવંડીમાં તો બંને પક્ષો વચ્ચે ગઠબંધન જ તૂટી ગયું.

કોંગ્રેસ: કોંગ્રેસ પણ બાગી ઉમેદવારોને મનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

રાજ્યની તમામ નગર નિગમો માટે 15 જાન્યુઆરીએ મતદાન થશે અને 16 જાન્યુઆરીએ પરિણામો જાહેર થશે. જોકે, તે પહેલા જ મહાયુતિએ બિનહરીફ જીત દ્વારા મજબૂત સરસાઈ મેળવી લીધી છે.