ખરાબ આરોગ્ય કે અન્ય કોઈ કારણ? દિગ્ગજ નેતાએ રાજકારણથી વિરામ લેતાં તર્ક-વિતર્ક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sanjay Raut Health: મહારાષ્ટ્રમાં શિવસેના(ઉદ્ધવ જૂથ)ના ફાયરબ્રાન્ડ નેતા અને ઉદ્ધવ ઠાકરેના નજીકના ગણાતા સંજય રાઉતે અચાનક મોટી જાહેરાત કરી છે. તેમણે આગામી બે મહિના માટે જાહેર જીવન અને પક્ષના કાર્યક્રમોથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ભાવનાત્મક પોસ્ટમાં લખ્યું, 'તમે બધાએ મને ખૂબ પ્રેમ અને વિશ્વાસ આપ્યો છે. પરંતુ મને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ છે અને હું સારવાર લઈ રહ્યો છું. હું સ્વસ્થ થઈ જઈશ. ડૉક્ટરોએ મને જાહેર કાર્યક્રમોથી દૂર રહેવા અને ભીડ ટાળવાની સલાહ આપી છે.' જો કે, તેણે ચોક્કસ બીમારીનો ઉલ્લેખ કર્યો નથી.
વડાપ્રધાન મોદીએ ઝડપી સ્વસ્થ થવાની કામના કરી
સંજય રાઉતની આ જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ 'X' પર રાઉતની પોસ્ટનો જવાબ આપતા લખ્યું, 'સંજય રાઉત જી, તમારા ઝડપી સ્વસ્થ થવા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.'
રાજ ઠાકરેના કારણે બીમાર પડ્યા? સોશિયલ મીડિયા પર સવાલો
શિવસેના(ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતની બીમારી અંગેની અસ્પષ્ટતાને કારણે સોશિયલ મીડિયા પર વિવિધ સવાલો અને અટકળો ઊભી થઈ છે. કેટલાક યુઝર્સે સવાલ કર્યો છે કે રાઉતે તેમની બીમારીનો ઉલ્લેખ કેમ નથી કર્યો? એક સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો હતો કે રાઉતની આ બધી બીમારીઓ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના પ્રમુખ રાજ ઠાકરેના કારણે છે. યુઝરના મતે, અગાઉ ઉદ્ધવ ઠાકરે રાજકારણમાં સંજય રાઉતને મહત્ત્વ આપતા હતા, પરંતુ હવે રાજ ઠાકરેને મહત્ત્વ આપવા લાગ્યા હોવાથી સંજય રાઉત અવગણના અનુભવી રહ્યા છે, જેના કારણે તેઓ 'બીમાર' પડ્યા છે.
મતદાર યાદીમાં ગેરરીતિઓ અંગે વિરક્ષ પક્ષો કૂચ કરશે
સંજય રાઉતે જાહેર કાર્યક્રમોથી દૂર રહેવાનો નિર્ણય એવા સમયે લીધો છે, જેના એક દિવસ પહેલા જ શનિવારે (પહેલી નવેમ્બર) મુંબઈમાં મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપ લગાવીને વિરોધ પક્ષો એક કૂચ કરશે. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના મુખપત્ર "સામના" અનુસાર, આ કૂચનું નેતૃત્વ એનસીપી(શરદ પવાર જૂથ)ના શરદ પવાર, શિવસેના(ઉદ્ધવ જૂથ)ના ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને ડાબેરી પક્ષોના નેતાઓ સંયુક્ત રીતે કરશે.








