મહારાષ્ટ્રમાં NDAનું વધશે ટેન્શન! ઠાકરે બંધુઓની સાથે ચૂંટણી લડવાની જાહેરાત
Sanjay Raut : શિવસેના(યુબીટી)ના સાંસદ સંજય રાઉતે 15મી ઑગસ્ટે નાસિકમાં એક મોટો ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની નગરપાલિકાની ચૂંટણી ઠાકરે ભાઈઓ એટલે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે લડશે. તેમજ તેમણે ભાજપની સરકાર પર 'તાલિબાની' વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો. સંજય રાઉતે કહ્યું કે, અમે મુંબઈ, થાણે, કલ્યાણ-ડોમ્બિવલી અને નાસિકમાં સાથે મળીને લડીશું. તેમણે ઉમેર્યું કે ઠાકરે ભાઈઓએ મહારાષ્ટ્ર અને મરાઠી એકતા માટે તલવાર ઉઠાવી છે.
જો દેશ આધુનિક બને છે તો એ સારી વાત છે: સંજય રાઉત
મીડિયા સાથે વાત કરતાં સંજય રાઉતે કહ્યું કે, 'એક સમયે દેશની શું હાલત હતી? અહીં એક સોય પણ બનતી નહોતી. પણ હવે દેશ ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે. આ પંડિત નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધીનું વિઝન છે. આ અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ અને રાજીવ ગાંધીનું વિઝન છે. આ કારણે જ આજે દેશ આ મુકામ પર છે કે આપણે અંતરિક્ષમાં પહોંચી ગયા છીએ. જો દેશ આધુનિક બને છે તો એ સારી વાત છે.'
મોદી ધીમે ધીમે ગાંધીવાદ અને નેહરુવાદ તરફ જઈ રહ્યા છે
શિવસેના યુબીટીના સાંસદે આગળ કહ્યું, 'મિસ્ટર મોદીએ સ્વદેશીનો નારો આપ્યો, પણ આ પણ પંડિત નેહરુ અને મહાત્મા ગાંધીનું જ વિઝન છે. હવે તેમને પંડિત નેહરુ અને ગાંધીના વિઝનની યાદ આવી છે. સ્વદેશીનો નારો પણ કોંગ્રેસનો જ રહ્યો છે. થોડા સમય પછી તમે ગાંધી ટોપી પહેરીને ભાષણ આપશો, કારણ કે તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. જો આ દેશ આધુનિક બન્યો છે, તો તે પંડિત નેહરુની દેન છે. હું માનું છું કે મોદી ધીમે ધીમે ગાંધીવાદ અને નેહરુવાદ તરફ જઈ રહ્યા છે.'