કિશ્તવાડમાં મોતનો આંકડો વધીને 60 પહોંચ્યો, 200 ગુમ: મંદિરમાં ભોજનની કતારમાં ઊભા લોકો કાળનો કોળિયો બન્યા
Kishtwar Machail Mata Temple Tragedy: હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પછી, જમ્મુ અને કાશ્મીરમાં વાદળ ફાટવાથી મોટી આફત સર્જાઈ છે. ગુરુવારે (14મી ઑગસ્ટ) જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં માતા ચંડીના મંદિરના મચૈલ યાત્રા માર્ગ પર વાદળ ફાટવાથી આવેલા પૂરમાં 60 લોકોના મોત થયાના છે, જેમાં CISFના બે જવાન પણ સામેલ છે. આ ઉપરાંત 200 લોકો ગુમ થયાના અહેવાલ છે. પોલીસ-પ્રશાસન દ્વારા સતત બચાવ કામગીરીમાં લાગેલી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ મચૈલ માતા મંદિર નજીકથી ઘણાં લોકોનું રેસ્ક્યુ છે. આ દુર્ઘટના દરમિયાન થયેલી વિનાશમાં 100 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 37 લોકોની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તોને કિશ્તવાડની જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ દુર્ઘટના ક્યારે બની?
અહેવાલો અનુસાર, ગુરુવારે (14મી ઓગસ્ટ) બપોરે 12.25 વાગ્યે કિશ્તવાડ જિલ્લામાં મચૈલ માતા મંદિર તરફ જતા રસ્તા પર ચશોટી ગામમાં આ દુર્ઘટના બની હતી. મંદિરમાં લોકો ભોજનની કતારમાં ઊભા હતા અને અચાનક વાદળ ફાટવાના કારણે પૂર આવ્યું હતું અને બધાં તણખલાની જેમ તણાઈ ગયા. નોંધનીય છે કે, 25મી જુલાઈથી શરુ થયેલી આ યાત્રા પાંચમી સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થવાની હતી.
આ દુર્ઘટનામાં 16 રહેણાંક મકાનો, સરકારી ઈમારતો, ત્રણ મંદિરો, ચાર પાણીની ચક્કીઓ અને એક 30 મીટર લાંબો પુલ તણાઈ ગયા છે. એક ડઝનથી વધુ વાહનો પણ આ પૂરની ઝપેટમાં આવીને નાશ પામ્યા છે. પૂરથી એક અસ્થાયી બજાર, લંગર સ્થળ અને એક સુરક્ષા ચોકી પણ સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે.
ઓમર અબ્દુલ્લાએ કાર્યક્રમો રદ કર્યા
દુર્ઘટના બાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ 15મી ઑગસ્ટના યોજાનારી એટ હોમ ટી પાર્ટી રદ કરી દીધી છે. તેમણે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઉજવણીના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રદ કર્યા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, પોલીસ, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ, સેના અને સ્થાનિક સ્વયંસેવકો બચાવ કાર્યમાં રોકાયેલા છે. સર્ચ લાઇટ, દોરડા અને ખોદકામના સાધનોના રૂપમાં રાહત સામગ્રી આગળ મોકલવામાં આવી રહી છે.
રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે
સેના પણ બચાવ અને રાહત કાર્યમાં લાગેલી છે. સેનાની વ્હાઇટ નાઇટ કોર્પ્સએ 'X' પર પોસ્ટ કર્યું હતું કે, 'કિશ્તવાડના ચશોટી ગામમાં માનવતાવાદી અને ડિઝાસ્ટર રાહત અભિયાન ચાલુ છે, જ્યાં વ્હાઇટ નાઇટ કોર્પ્સના સમર્પિત સૈનિકો પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને દુર્ગમ વિસ્તારોનો સામનો કરતાં ઇજાગ્રસ્તને બહાર કાઢવામાં લાગેલા છે. સર્ચ લાઇટ, દોરડા અને ખોદકામના ઓજારોના રૂપમાં રાહત સામગ્રી આગળ વધારવામાં આવી રહી છે.'