RSSની પ્રશંસા કરતા સંજય દત્ત પર ભડક્યાં કોંગ્રેસ નેતા, એક્ટર માટે વાપર્યા વાંધાજનક શબ્દો
Sanjay Dutt Video on RSS: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની આગામી 100મી વર્ષગાંઠ નિમિત્તે બોલિવૂડ અભિનેતા સંજય દત્ત દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોએ ભારતીય રાજકારણ અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. આ વીડિયોમાં સંજય દત્તે RSSના કાર્યોની પ્રશંસા કરી છે અને સંગઠનની શતાબ્દીની શુભેચ્છાઓ પાઠવી છે, જેના પગલે કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી અને અભિનેતાની આકરી ટીકા કરી છે.
સંકટના સમયમાં RSS હંમેશા દેશની સાથે: સંજય દત્ત
બોલિવૂડ અભિનેતા સંજય દત્તે બીજી ઓક્ટોબરના રોજ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, 'આરએસએસ હંમેશા દેશની સાથે ઊભું રહ્યું છે, ખાસ કરીને સંકટ અને મુશ્કેલીઓના સમયમાં.' સંજય દત્તના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર વિવાદ અને રાજકીય પ્રતિક્રિયાઓનો દોર શરૂ થઈ ગયો છે.
કોંગ્રેસના આકરા પ્રહારો
સંજય દત્તના આ નિવેદનથી કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસના નેતા સુરેન્દ્ર રાજપૂતે 'X' પર સંજય દત્ત પર આકરો પ્રહાર કરતા લખ્યું, 'તમે નાયક નથી, તમે ખલનાયક છો. તમે તમારા પિતાના લાયક નથી.' નોંધનીય છે કે, સંજય દત્તના પિતા દિવંગત સુનીલ દત્ત, કોંગ્રેસના એક અગ્રણી નેતા અને સંસદ સભ્ય (MP) તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમની બહેન પ્રિયા દત્ત પણ કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલી છે. સંજય દત્તે RSSની પ્રશંસા કરીને પરોક્ષ રીતે પોતાના પરિવારની કોંગ્રેસની વિચારધારાનો વિરોધ કર્યો હોવાનું માનવામાં આવે છે. જોકે, સુરેન્દ્ર રાજપૂતની ટિપ્પણી પર સંજય દત્તે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
સંજય દત્તનો વિવાદાસ્પદ ભૂતકાળ
ઉલ્લેખનીય છે કે સંજય દત્ત અગાઉ પણ અનેક વિવાદોમાં ફસાયા છે. વર્ષ 1993ના મુંબઈ સીરિયલ બ્લાસ્ટ કેસમાં ગેરકાયદે રીતે હથિયાર રાખવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને ટાડા (TADA)ના આરોપોમાંથી મુક્ત કરાયા હતા, પરંતુ આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમણે જેલની સજા પણ ભોગવી હતી.