એર ઈન્ડિયા પ્લેન ક્રેશની તપાસ ટીમમાં ALPAને સામેલ કરવાનો AAIBનો ઇન્કાર, દિલ્હીમાં થઈ હતી બેઠક
Air India Plane Crash Case: પાઇલટ ગ્રુપ ALPA ઇન્ડિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ સરકારી ધોરણોનો ઉલ્લેખ કરીને એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલી ટીમમાં તેના પ્રતિનિધિનો સમાવેશ કરવાની વિનંતીને નકારી કાઢી છે.
ALPA ઇન્ડિયા અને AAIB વચ્ચે બેઠક
એરલાઇન પાઇલટ્સ એસોસિએશન (ALPA) ઇન્ડિયાના પ્રતિનિધિઓએ શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં AAIBના ડિરેક્ટર જનરલ GVG યુગંધર સાથે મુલાકાત કરી હતી. ચર્ચા મુખ્યત્વે વિમાન દુર્ઘટનાની તપાસમાં વિષય નિષ્ણાતોની નિમણૂક પર કેન્દ્રિત હતી. બેઠક બાદ ALPA ઇન્ડિયાના પ્રમુખ સેમ થોમસે જણાવ્યું હતું કે ચાલુ તપાસને કારણે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પર વધુ ચર્ચા થઈ નથી.
પાઇલટ ગ્રુપના પ્રતિનિધિને શા માટે સામેલ ન કરાયા?
સેમ થોમસે જણાવ્યું કે, 'AAIB એ સરકારી ધોરણોનો ઉલ્લેખ કરીને એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલી ટીમમાં વિષય નિષ્ણાત તરીકે ALPA પાઇલટનો સમાવેશ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. 12 જૂને અમદાવાદથી ટેકઓફ થયા પછી તરત જ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171 ક્રેશ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 241 મુસાફરો સહિત કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
'ભવિષ્યની બેઠકમાં સામેલ કરાશે'
સેમ થોમસે જણાવ્યું હતું કે, AAIB એ ALPA ઇન્ડિયાને ખાતરી આપી છે કે ભવિષ્યમાં તેને ત્રિમાસિક બેઠકોમાં આમંત્રણ આપવામાં આવશે. ALPA ઇન્ડિયાએ ગુરુવારે (2 ઓક્ટોબર, 2025) જણાવ્યું હતું કે AAIB સાથેની બેઠક દુર્ઘટના તપાસમાં વિષય નિષ્ણાત તરીકેની તેની ભૂમિકા અંગે ચર્ચા કરવા માટે હતી.
12 જુલાઈના રોજ પ્રકાશિત થયેલા તેના પ્રારંભિક અહેવાલમાં, AAIB એ જણાવ્યું હતું કે વિમાનના બંને એન્જિનને બળતણ પુરવઠો એક સેકન્ડના અંતરાલમાં બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે ટેકઓફ પછી તરત જ કોકપીટમાં મૂંઝવણ ઊભી થઈ હતી.
વૈશ્વિક પાઇલટ સંગઠન IFALPA ના સહયોગી સભ્ય ALPA ઇન્ડિયા અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં તેના પ્રતિનિધિને સામેલ કરવાની સતત માગ કરી રહ્યું છે. ALPA ઇન્ડિયા અનુસાર, તપાસ પ્રક્રિયાને મજબૂત બનાવશે.