Get The App

બિહારમાં વર્ષો બાદ ભાજપને ગૃહ ખાતું પણ 'પાવર' હજુ નીતિશ કુમાર પાસે જ! સમ્રાટ ચૌધરી પર કાંટાળો તાજ

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
બિહારમાં વર્ષો બાદ ભાજપને ગૃહ ખાતું પણ 'પાવર' હજુ નીતિશ કુમાર પાસે જ! સમ્રાટ ચૌધરી પર કાંટાળો તાજ 1 - image


Bihar Minister Portfolio : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAની પ્રચંડ જીત બાદ જનતા દળ યુનાઈટેડના પ્રમુખ નીતિશ કુમારે 10મી વખત મુખ્યમંત્રી પદના શપદ લઈ લીધા બાદ હવે વિભાગોની પણ વહેંચણી થઈ ગઈ છે. આમાં ભાજપને 14 વિભાગ, જેડીયુને નવ, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ પાસવાન)ને બે, RLM અને HUMને 1-1 વિભાગ અપાયા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મુખ્યમંત્રી નીતિશ કુમારે લગભગ 20 વર્ષના લાંબા ગાળા બાદ ગૃહ મંત્રાલય છોડ્યું છે અને આ અત્યંત સંવેદનશીલ જવાબદારી નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને સોંપવામાં આવી છે.

વર્ષ 2005માં મુખ્યમંત્રી બન્યા ત્યારથી નીતિશ કુમારે દરેક કાર્યકાળમાં ગૃહ મંત્રાલય પોતાની પાસે જ રાખ્યું હતું. કાયદો અને વ્યવસ્થા, પોલીસ વ્યવસ્થા અને વહીવટી નિયંત્રણ જેવા સંવેદનશીલ મામલાઓ પર તેઓ સીધી નજર રાખતા હતા. જોકે, આ વખતે ગૃહ વિભાગ અન્ય કોઈને સોંપવાનો નિર્ણય એ સંકેત આપે છે કે, નીતિશ કુમાર સરકારમાં જવાબદારીઓનું વધુ વિતરણ કરવા માંગે છે.

બિહારમાં વર્ષો બાદ ભાજપને ગૃહ ખાતું પણ 'પાવર' હજુ નીતિશ કુમાર પાસે જ! સમ્રાટ ચૌધરી પર કાંટાળો તાજ 2 - image

કેન્દ્રીય નેતૃત્વએ સમ્રાટ ચૌધરી પર ભરોસો મૂક્યો

સમ્રાટ ચૌધરી (Samrat Chaudhary) ભાજપના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક તરીકે ઉભરી આવ્યા છે. તેમણે અગાઉ નાયબ મુખ્યમંત્રી તરીકે નાણાં મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમની આક્રમક કામગીરીના કારણે કેન્દ્રીય નેતૃત્વએ તેમના પર ભરોસો મૂક્યો છે. ગૃહ મંત્રાલય મળ્યા બાદ સમ્રાટ ચૌધરી હવે બિહારમાં કાયદો અને વ્યવસ્થા, પોલીસ પ્રશાસન અને આંતરિક સુરક્ષાની કામગીરી સંભાળશે.

આ પણ વાંચો : બિહારમાં નવા મંત્રીઓને ખાતા ફાળવાયા, જુઓ યાદી

સમ્રાટ ચૌધરીને મોટી જવાબદારી અને પડકાર

જોકે આ જવાબદારી સમ્રાટ ચૌધરી માટે એક મોટો પડકાર પણ છે. કારણ કે ગૃહ મંત્રી બન્યા બાદ અપરાધ નિયંત્રણમાં રાખવા, મહિલા સુરક્ષા કરવી, પોલીસમાં સુધારા કરવા અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ જાળવી રાખવી ખૂબ જરૂરી છે. વિપક્ષી દળ રાષ્ટ્રીય જનતા દળ (RJD) અગાઉ ગૃહ મંત્રી હોવાના નાતે મુખ્યમંત્રી નીતિશ કુમારને નિશાન બનાવતું હતું, હવે સીધા સમ્રાટ ચૌધરી નિશાના પર રહેશે. રાજ્યમાં ગૃહ વિભાગનો મંત્રી એટલે પોલીસ વિભાગનો પ્રમુખ. બિહારના પોલીસ મહાનિર્દેશક (DGP) અને તેમના હેઠળના તમામ પોલીસકર્મીઓ અને જેલ કર્મચારીઓ ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળ હોય છે. હવે આ વિભાગ સમ્રાટ ચૌધરીના તાબામાં છે.

નીતિશ કુમાર પાસે હજુ પણ 'સુપર પાવર'

જોકે, મુખ્યમંત્રી નીતિશ કુમાર (CM  Nitish Kumar) પાસે હજુ પણ 'સુપર પાવર' છે. રાજ્યનું વહીવટી માળખું સામાન્ય પ્રશાસન વિભાગ (GAD) હેઠળ આવે છે. મુખ્ય સચિવ, ભારતીય વહીવટી સેવા (IAS) અને બિહાર વહીવટી સેવા (BAS)ના અધિકારીઓ સહિત સમગ્ર વહીવટી તંત્ર આ વિભાગના હેઠળ હોય છે અને આ વિભાગ મુખ્યમંત્રી નીતિશ કુમાર પાસે છે. જિલ્લાઓમાં સૌથી મોટા અધિકારી જિલ્લા દંડાધિકારી (DM) હોય છે, જેમને પોલીસ અધિકારીઓ રિપોર્ટ કરે છે. આ સિવાય, નીતિશ પાસે મંત્રીમંડળ સચિવાલય, ચૂંટણી અને નિગરાની વિભાગ પણ છે, જેની નજર પોલીસ અને વહીવટીતંત્ર બંને પર રહે છે. આના કારણે વહીવટી તંત્ર પર અંતિમ નિયંત્રણ અને પ્રભાવ હજી પણ નીતિશ કુમાર પાસે જ રહે છે.

આ પણ વાંચો : કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં ઉથલપાથલની અટકળો! ડેપ્યુટી CMએ કહ્યું- તમામ 140 ધારાસભ્યો મારા

Tags :